Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

કોલકતાની જેલમાં ત્રાસ આપીને કાંકરાવાળુ ભોજન પીરસાતુ છતા જુસ્સો અકબંધ

જામનગર, તા.૭: આજે દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ પુરૂષ સમોવડી બની છે. રસોડાથી લઈ રાજકારણ સુધી સ્ત્રીઓએ પોતાનું અધિપત્ય જમાવ્યું છે. આ તો આજનાં સમયની વાત છે, પણ જયારે આઝાદીનો કાળ હતો ત્યારે મોટાભાગની સ્ત્રીઓનું જીવન ચાર દિવાલ પુરતુ જ સીમીત હતું. છતાં ઘણી એવી શકિતશાળી મહિલા હતી. જેમણે આઝાદીની ચળવળમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેવા જ એક શકિતશાળી મહિલા એટલે સ્વ.દયાકુંવરબેન નારણદાસભાઈ દવે જેમના લગ્ન માત્ર ૧૪ વર્ષની ઉંમરે થયા હતાં. ૧૫-૧૬ વર્ષની વયે તેમને દેશ માટે કપરો જેલવાસ ભોગવ્યો. જેલવાસ દરમ્યાન સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, કમલાબેન નહેરૂ તેમના સંપર્કમાં આવ્યા હતાં.

આ દયાકુવરબેન સૌરાષ્ટ્રનું ગૌરવ કહી શકાય. તેઓ દ્વારકાના વતની હતાં. સ્વભાવે કડક હતા પણ આઝાદીની લડાઈમાં તેમને મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમના વિશે વધુ જાણકારી રાજકોટમાં જ રહેતાં તેમનાં ૮૫ વર્ષના પુત્રી હેમંતબેન નટવરલાલ વાયડાએ આપી. તેમને તેમની માતા સાથેનાં સંસ્મરણો વાગોળ્યા. દયાકુંવરબહેનના લગ્ન ૧૪ વર્ષની વયે દ્રારકાનાં નારણદાસ દવે સાથે થયા. નારણદાસ દવે તે સમયે કંપનીમાં નોકરી કરતાં હતા તેમની બદલી કલકતામાં થઈ તે સમયે કલકતામાં સ્વાતંત્ર્ય ચળવળના કાર્યક્રમો ચાલતા હતાં. પૂ.મહાત્મા ગાંધીની રાહબરી હેઠળ ચાલતી આઝાદીની લડાઈનાં જુસ્સામાં રંગાઈને નારણદાસભાઈએ નોકરી છોડી દીધી હતી અને બાપુનાં સંદેશને શીરે ચઢાવી પતિ પત્ની બંને સ્વાતંત્ર્ય સેનામાં જોડાયા. દયાકુંવરબેને દાંડીકુચમાં પણ ભાગ લીધો હતો.

દયાકુંવરબેનના પુત્રી હેમંતબેન જણાવે છે કે મારા બા દયાકુંવરબેનનો સ્વભાવ કડક હતો. પણ અમને છ ભાઈઓ બહેનોનો ઉછેર ખુબ સારો કર્યો એ સમયે જયારે છોકરીઓ દ્યરની બહાર પણ ન નીકળતી ત્યારે તેઓએ મને ભણવા માટે વડોદરા ગુરૂકુલમાં મોકલી જો કે જયારે બા નો જેલવાસ થયો ત્યારે તો મારો જન્મ પણ ન હતો થયો. મને મારાભાઈઓ બા ની વાતો કરતાં. મારા બા સ્વાતંત્ર્ય સેવિકા તરીકે ફરજ બજાવતાં હતાં. તેમણે વિદેશી કાપડની હોળી કરી હતી. સ્વદેશી ચળવળ, દારૂબંધી, સામાજીક આર્થિક આંદોલનમાં સક્રિય રહ્યા હતાં. તેમની ચળવળ ઝુંબેશની લોકોમાં દ્યેરી અસર હતી. એટલે અંગ્રેજ સરકારે પ્રારંભમાં ચારકે વખત દિવસભરની જેલમાં રાખ્યા હતાં. છતાં બાએ પીછે હઠના કરી એટલે અંગ્રેજો તેઓને ચાર માસની જેલની સજા ફટકારી. ૧૯૩૦માં તેમને કોલકત્ત્।ાની પ્રેસીડેન્સી જેલમાં રાખવામાં આવ્યા. જયાં તેમની સાથે અન્ય સેવિકાઓ પણ હતા, જેલમાં ત્રાસ અપાતો.. કાંકરાવાળુ ભોજન અપાતું છતાં તેમનો જુસ્સો અડીખમ રહ્યો.. આજીવન દયાબેનનો દેશપ્રેમ જળવાઈ રહ્યો. ૧૯૯૭માં આઝાદીની સુવર્ણજયંતિની ઉજવણી વેળાએ દયાબેનનુ સન્માન કરવા આવ્યું હતું. સ્વ.નારણદાસ ભાઈએ બે વર્ષ સુધી દેશ માટે કામ કર્યું પાછળથી તેઓ સુરદાસ થઈ ગયેલા. છતાં પણ તેમનો જુસ્સો જળવાઈ રહ્યો.

તેઓ કલકત્ત્।ાથી જયારે દ્વારકા આવ્યા ત્યારે તેમનું સરઘસ કાઢી સ્વાગત કરવામાં આવ્યું હતું. ૧૯૩૨માં દ્વારકા આવ્યા પછી પણ દરેક ક્ષેત્રમાં સેવા આપી. સુધરાઈ દેવસ્થાન સમિતિ (દ્વારકાધીશ મંદિર), મહિલા મંડળ સમાજ કલ્યાણ શાખા વગેરેમાં ભાગ લેતાં. ઉલ્લેખનીય છે કે દયાકુંવરબેન કરાંચીમાં ભાષણ આપવા જતાં કરાંચીમાં યોજાયેલ કોન્ફરન્સમાં પણ તેમણે ભાગ લીધો હતો. સૌરાષ્ટ્રનું ગૌરવ કહી શકાય તેવા સ્વ.દયાકુંવર બહેને દેશ સેવા માટે યોગદાન આપ્યું. સલામ છે તેના જુસ્સાને એ સમયે દ્રારકાથી છેક કોલકતા જવું. અજાણ્યો પ્રદેશ અને પતિ સાથે સ્વાતંત્ર્ય સેનામાં જોડાવું. જેલવાસ ભોગવવો. આવા કેટલાય મહિલાઓ છે જેમને આઝાદીની ચળવળમાં પોતાનું યોગદાન આપ્યું છે. સલામ છે એ ભારતીય નારીને...

દયાબેનનું નિધન થયું ત્યારે, સ્વાતંત્ર્ય સેનાનીઓને ખોટ પડી ગઈ

માત્ર ૧૫-૧૬ વર્ષની વયે કપરો જેલવાસ ભોગવેલા દયાકુંવર બહેનનું ૯ સપ્ટેમ્બર ૧૯૯૮માં નિધન થયું. ત્યારે શોકનું મોજુ ફરી વળ્યું હતું. સ્વાતંત્ર્ય સેનાઓને પણ ઠેસ પહોંચી હતી. સ્વ.દયાબેનના મોટા પુત્ર સ્વ.શશીકાંતભાઈ દવે, નાનો પુત્ર રાધાકાન્તભાઈ દ્વારકામાં રહે છે, નલીનભાઈ દવે જામખંભાળીયામાં તથા પુત્રી હેમંતબેન રાજકોટ અને પ્રવિણાબેન તથા મૃદુલાબેન દ્વારકામાં રહે છે. આઝાદીની લડાઈમાં ગુગળી બ્રાહ્મણ પરીવારની મહિલા પોતાના પતિ સાથે જોડાઈ હતી...જેને પરીવારજનો અને ગુગળી બ્રાહ્મણ પરીવાર આજે પણ ગર્વથી યાદ કરે છે.(૨૨.૧૦)

(3:47 pm IST)