Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

સ્વાતંત્ર્ય સંગ્રામની લડાઇમાં જોડાનારા ગુગળી બ્રાહ્મણ દંપતિના દેશપ્રેમને આજે પણ યાદ કરતા દ્વારકાનાં લોકો

પ્રથમ તસ્વીરમાં સ્વ. દયાબેન અને તેના પતિ તથા બીજી તસ્વીરમાં હેમંતબેન વાયડા તથા તેમનું મકાન નજરે પડે છે.(તસ્વીર- અહેવાલઃ કોૈશલ સવજાણી(ખંભાળિયા), મુકુંદ બદિયાણી(જામનગર))

ખંભાળિયા - જામનગર તા.૭: આઝાદીના સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં અનેક જોડાયા હતા ત્યારે દ્વારકાના ગુગળી બ્રાહ્મણ દંપતિના દેશપ્રેમ તથા લડાઇને આજે પણ દ્વારકાના લોકો યાદ કરે છે.

દ્વારકાના ગુગળી બ્રાહ્મણ દયાકુંવરબેન દવે ૧૪ વર્ષની વયે નારણદાસ દવે સાથે લગ્ન થયેલા અને તે જમાનામાં સ્ત્રીઓનું સ્થાન ચાર દિવાલ વચ્ચે હતું તેવા સમયે ૧૫-૧૬ ની વયે તો તેઓ જેલમાં ગયા હતા તથા સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ સાથે સંપર્કમાં આવી આઝાદીના લડવૈયા થયા હતા.

દયાકુંવરબેનની સાથે આઝાદીનો રંગ તેમના પતિ નારણદાસ દવેને પણ લાગ્યો અને તેમણે કંપનીમાં નોકરી કરતા કલકત્તા બદલી થતાં ત્યાં આઝાદીના કાર્યક્રમમાં જોડાયેલા અને નોકરી છોડીને આઝાદીની ચળવળમાં જોડાઇ ગયા હતાતથા દાંડીકૂચની લડતમાં પણ આ દંપતિ જોડાયંુ હતું.

સ્વ. દયાકુંવરબેન દવે સ્વાતંત્ર્ય સેવિકા તરીકે વિદેશી કાપડની હોળી કરવી, સ્વદેશી ચળવળ, સામાજિક આંદોલનો કરતા શરૂઆતમાં અંગ્રેજ સરકારે ચાર દિવસ જેલમાં રાખેલા તે પછી કલકતા પ્રેસીડેન્સી જેલમાં ચાર માસ રખાયા હતા છતા તેઓ અડીખમ રહયા હતાં.

૧૯૯૭માં આઝાદીની સુવર્ણ જયંતિ યોજાઇ ત્યારે આ દંપતિનુ વિશેષ સન્માન કરાયું હતું.

દયાકુંવરબેનનું જૂસ્સાદાર ભાષણ એટલું પ્રસિદ્ધ થયેલું કે છેક કરાંચી સુધી વકતવ્ય આપવા જતા હતા.

તેઓ ૧૯૩૨માં દ્વારકા આવેલા તથા મહિલા મંડળ, દેવસ્થાન સમિતિમાં પણ કામ કરેલું. ૯-૯-૧૯૯૮માં તેમનું અવસાન થતાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળેલું.

આ સ્વાતંત્ર્ય સેનાની દંપતિના મોટાપુત્ર સ્વ. શશીકાંતભાઇ દવે તથા રાધાકાંત દવે દ્વારકા રહેતા જયારે નલીનભાઇ દવે ખંભાળિયા રહે છે. તથા બે પુત્રી હેમલબેન વાયડા રાજકોટ તથા મૃદુલાબેન દ્વારકામાં રહે છે. આજે પણ દ્વારકાના લોકો ગૌરવભેર આ સ્વાતંત્ર્ય સેનાની બેલડીને યાદ કરે છે.(૧.૧૮)

(3:46 pm IST)