Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ડુંગળીનું પેકેજ જાહેર કરવા માંગણી કરનાર વિસાવદરનાં હર્ષદ રીબડીયાની અટકાયત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા. ૭ :  વિસાવદર-ભેસાણ ધારાસભ્ય અને ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્ને જાગૃત ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ ગુજરાતના ખેડૂતોને ડુંગળીનો પુરતો ભાવ નહિ મળતા ખેડૂતોએ ટ્રેકટરો ભરી ડુંગળી વિસાવદર શહેરની બજારોમાં ગરીબ તથા જરૂરીાયત મંદ લોકોને વિના મૂલ્યે વિતરણ કરી સેવાનું કાર્ય કરેલ હતું. પરંતુ ત્યારે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. મહારાષ્ટ્ર સરકારે ડુંગળીનું પેકેજ જાહેર કરેલ છે ત્યારે ગુજરાત સરકાર પણ એક મણે ર૦૦ જાહેર કરે તેવી ધારાસભ્યે માંગણી કરેલ છે.

બે ટ્રેકટર ભરી શહેરની મુખ્ય બજારમાં તથા ભરચક ભીડવાળા વિસ્તારોમાં વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા, તાલુકા કોંગ્રેસના પ્રમુખ કરશનભાઇ વાડદોરીયા, તથા તાલુકા પંચાયતના પ્રમુખ વિપુલભાઇ કાવાણી, જિલ્લા પંચાયતનાં સદસ્ય વિપુલ પોંકીયા, માજી તાલુકા પંચાયતનાં પ્રમુખ નાનજીભાઇ જોધાણી તથા તાલુકા પંચાયતના સદસ્યના પતિ સુભાષ ગોંડલીયા તથા તાલુકાભરના તથા શહેરના કોંગ્રેસના કાર્યકરો હાજર રહેલ હતાં.

મફતમાં ડુંગળી વેચતા ધારાસભ્ય સામે વિસાવદર પોલીસ ઉપર ફોનની ઘંટડી વાગતા પોલીસ ડુંગળી વેચતા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરીને પોલીસ સ્ટેશને લઇ ગયેલ હતી અને બપોરનાં ૩ વાગ્યા પછી તેઓને મુકત કરાયા હતા. વિસાવદર પોલીસે કોઇ સતાવાર રીતે ગુનો કરેલ હોય તેવું જાણવા મળેલ નથી પરંતુ વિસાવદરની બજારમાં ગરીબ લોકોને મફતમાં અપાતી ડુંગળી વેચનારાની અટકાયત કરી લેતા ઘણા લોકો ડુંગળી ન મળતા વસવસો કરતા જોવા મળેલ હતાં. (૯.પ)

(3:44 pm IST)