Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

મોરબી રોડ રોણકીના પાટીયે ટ્રક-ટેન્કરના ચાલકોને ધોકાવી લૂંટ

રાત્રીના સવા બારથી પોણા વચ્ચે બનાવઃ ડ્રાઇવર કલીનરના મોબાઇલ પણ લૂંટી લીધા'તાઃ હાથ જોડતાં પાછા આપી દીધાઃ ગાંધીગ્રામ પોલીસે લૂંટારાઓને શોધવા કોમ્બીંગ કર્યુઃ પડધરીથી બાવળા લોખંડ ભરીને જતાં ટ્રકના પાછલા ટાયરમાં પંચર પડતાં ડ્રાઇવર મહેશ અને કલીનર વિજય ટાયર બદલવા બેઠા ત્યાં જ ત્રણ બુકાનીધારી હિન્દીભાષી લૂંટારા આવ્યા અને ધોકાવાળી કરી ૧૬ હજાર લૂંટી ગયાઃ એ જ રીતે જામનગરથી લીમડી જઇ રહેલા ટેન્કરમાં પણ પાછલા ટાયરમાં પંચર પડતાં ચાલક દેવેન્દ્રસિંહ જાડેજા નીચે ઉતરતાં લૂંટારા મારકુટ કરી ૫ હજાર રોકડા લૂંટી ગયા

રાજકોટ તા. ૭: મોરબી રોડ બાયપાસ રોણકી ગામના પાટીયા પાસે મોડી રાત્રે હિન્દીભાષી બુકાનીધારી ત્રણ લૂંટારૂઓએ એક ટેન્કર અને એક ટ્રકના ટાયરમાં કોઇપણ રીતે પંચર પાડી તેના ચાલકો-કલીનરને ધોલધપાટ કરી રોકડ લૂંટી લેતાં સનસનાટી મચી ગઇ છે. પંચમહાલના ટ્રકચાલક આદિવાસી યુવાનને માથામાં લાકડી ફટકારી તેમજ કલીનરને પણ ધોલધપાટ કરી રૂ. ૨૧ હજાર લૂંટી જવાયા હોઇ બંનેએ સારવાર લઇ ફરિયાદ નોંધાવતાં ગાંધીગ્રામ પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે. લૂંટારા બનાવ બાદ રેલનગર તરફના નાલામાં થઇને ભાગ્યા હોઇ પોલીસે એ વિસ્તારમાં કોમ્બીંગ કર્યુ હતું પરંતુ કોઇ હાથ આવ્યું નહોતું.

બનાવની વિગત એવી છે કે પંચમહાલના શેરા તાબેના આમરોલી ગામે રહેતો અને ટ્રક ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો મહેશ રત્નાભાઇ બાંભણીયા (આદિવાસી) (ઉ.૨૪) ગઇકાલે રાત્રે અગિયારેક વાગ્યે પડધરીથી ટ્રક નં. જીજે૩૧ટી-૨૨૯૬માં લોખંડનો સામાન ભરી બાવળા જવા રવાના થયો હતો. તેની સાથે કલીનર તરીકે વિજય રયજીભાઇ પરમાર હતો. ટ્રક રાત્રે સવા બારેક વાગ્યે મોરબી રોડ બાયપાસ પર રોણકી ગામના પાટીયા પાસે અતિથી દેવો ભવ હોટેલ પાસે પહોંચ્યો ત્યારે અચાનક ટ્રકમાં કલીનર સાઇડના પાછળના ટાયરમાં પંચર પડી ગયું હતું.

આથી મહેશે ટ્રક ઉભો રાખ્યો હતો. સ્પેર વ્હીલ હોઇ કલીનર વિજય ટ્રકની નીચે બોલ્ટ ખોલવા ગયો હતો અને મહેશ પંચરવાળા ટાયર પાસે જેક ચડાવતો હતો ત્યાંં જ ત્રણ શખ્સો આવ્યા હતાં. જેમાંથી એકે વિજયને પકડી લીધો હતો અને બીજા શખ્સોએ 'આપ કે પાસ જેબ મેં જો પૈસા હૈ વો સબ દેદો' કહી લાકડીથી મહેશ પ્રહાર કરી માથા-વાંસાના ભાગે બેફામ માર મારતાં તે પડી ગયો હતો અને તેના ખિસ્સામાંથી રૂ. ૧૬ હજાર લૂંટી લીધા હતાં. કલીનર વિજયને પણ ધોલધપાટ કરી શર્ટ ફાડી નાંખ્યો હતો. મહેશ અને વિજયના મોબાઇલ પણ લૂંટી લીધા હતાં. પણ બંનેએ હાથ જોડી મોબાઇલ પાછા આપી દેવા વિનંતી કરતાં લૂંટારૂઓએ મોબાઇલ પાછા આપી દીધા હતાં.

બનાવ બાદ બુકાનીધારી લૂંટારા નજીકના રોડ સાઇડમાં ખુલ્લી ઝાડીમાં થઇ રેલનગર નાલા નીચેથી ભાગી ગયા હમતાં. એ પછી કલીનર વિજયએ પડધરી વર્લ્ડ સ્ટીલ કંપનીમાં કામ કરતાં તલારભાઇને ફોન કરી બનાવની જાણ કરતાં ટ્રાન્સ્પોર્ટ સંચાલક સહિતના ઘટના સ્થળે આવવા રવાના થયા હતાં. એ દરમિયાન મહેશ પોતાને જ્યાં લૂંટાયો તેનાથી થોડે આગળ આવતાં એક ટેન્કર જીજે૩એટી-૪૭૬૯ ઉભેલુ જોતાં તેમાં પણ પાછલા વ્હીલમાં પંચર પડ્યું હોઇ તેના ચાલક સાથે વાતચીત કરતાં તેના ચાલકએ પોતાનું નામ દેવેન્દ્રસિંહ જાડેજા હોવાનું અને પોતે જામનગરથી લીમડી જઇ રહ્યા હોઇ પોતાના ટેન્કરમાં પણ રોણકી પાસે પંચર પડતાં ટાયર બદલતાં હતાં ત્યારે ત્ણ શખ્સોએ આવી પૈસા માંગી માર મારી રૂ. ૫ હજાર લૂંટી લીધાની વાત કરી હતી.

આ ત્રણ લૂંટારાઓમાં એક શખ્સે સફેદ ભુરા કલરની લીટીવાળો શર્ટ, પેન્ટ તથા બીજા શખ્સોએ કાળા રંગના શર્ટ પેન્ટ પહેર્યા હતાં. ત્રણેયની ઉમર ૨૫ થી ૩૦ વર્ષની હતી અને હિન્દી ભાષા બોલતા હતાં. ત્રણેય લૂંટારા કુલ ૨૧ હજારની લૂંટ કરી ગયા હતાં.

મહેશ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતાં હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે જાણ કરતાં ગાંધીગ્રામના પીએસઆઇ એમ. ડી. વાળા અને ટીમે હોસ્પિટલે પહોંચી મહેશની ફરિયાદ પરથી ત્રણ શખ્સો સામે આઇપીસી ૩૯૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો હતો. પી.આઇ. વી.વી. ઓડેદરા, પીએસાઇ આર. જે. જાડેજા અને ટીમે રાત્રે જ ઘટના સ્થળે અને લૂંટારા જે તરફ ભાગી છુટ્યા એ તરફ દોડધામ કરી હતી. પરંતુ સગડ મળ્યા નહોતાં. (૧૪.૫)

 

(11:23 am IST)