Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ઉપલેટાના ડુમીયાણીમાં સાફસફાઇ મુદે કામગીરી ન થતા લોકરોષ

 ઉપલેટા, તા.૭: તાલુકાના ડુમીયાણી ગામે છેલ્લા ઘણા સમયથી સાફ સફાઇ મુદે અવાર નવાર ગામના સરપંચ રંજનબેન દિનેશભાઇ મકવાણાને રજુઆત કરેલ હોય તેમ છતા કોઇ કાર્યવાહી ન થતા ડુમીયાણી ગામના વોર્ડ નં.૬ અને ૭ ના રહીશોએ સરપંચ તથા તલાટીમંત્રીને પંચાયતની ઓફીસમાં રજુઆત કરવા ગયેલ ત્યારે ગ્રામપંચાયતનો વહીવટ કરતા સરપંચના પતી દિનેશભાઇ મકવાણાએ તોછઢુ વર્તન કર્યાનો ગ્રામજનોએ આક્રોશ વ્યકત કર્યો.

શેરીની આસપાસની ગંદકી એટલી બધી હોવાથી મચ્છરોના ત્રાસના લીધે રોગચારો ફાટી નીકળ્યો હોય દરેક ઘરમાં દર્દીઓના ખાટલા બંધ થવાનુ નામ જ લેતા નથી. લોકો શૌચાલય કરવા માટે શેરીઓમાં બેસે છે. ગંદકી કચરો પણ એટલી હદે ફેલાયેલો હોવાથી દુર્ગધ પ્રસરી ગયેલ છે. શેરીમાંથી કોઇ નીકળી શકતુ નથી. છતાં આ અંગે સરપંચ કોઇ વાત ધ્યાને લેતા નથી.

વોર્ડ નં.૬ પટેલ વિસ્તાર હોય જયારે વોર્ડ નં.૭ દલીત વિસ્તાર હોય. આ અંગે લાગતા વળગતા તંત્રને ઉપર સુધી ગ્રામ પંચાયતના સદસ્યોએ ફરિયાદો કરેલ હોવા છતા પણ કોઇ નિરાકરણ આવેલ નથી. ના છુટકે ગ્રામજનોએ શેરીઓમાં ઉતરવુ પડયુ હોય તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો જણાવી રહ્યા છે કે થોડા સમય પહેલા પણ સરપંચ વિરૂધ્ધ ભ્રષ્ટાચાર મુદે અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી હતી. જેમાં બે સભ્યોને ખરીદી પોતાની તરફેણમાં કરવાનો પણ આરોપ મુકવામાં આવ્યો હતો. જો આ અંગે વહેલાસર કોઇ નિરાકરણ નહી  આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે એવી ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી હતી.(૨૩.પ)

 

(11:21 am IST)