Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

જસદણની સબ રજીસ્ટાર ઓફિસ બંધ રહેતા પારાવાર મુશ્કેલીઃ મુખ્યમંત્રીને રજૂઆત

 જસદણ, તા.૭: જસદણ સબ રજિસ્ટ્રાર ઓફિસ ચાલુ ઓફિસના સમય દરમિયાન પણ બંધ રહેતા દસ્તાવેજ કરવા આવેલા અનેક લોકોને મુશ્કેલી પડી હતી. આ અંગે નાગરિકોએ મુખ્યમંત્રી, કલેકટર સહિતનાને લેખિત રજૂઆત કરી છે.

જસદણના દેવેનભાઇ પ્રવીણભાઈ ડોડીયા, જીગ્નેશભાઈ એમ વાળા, ભગવાનભાઈ મેરામભાઇ, મેહુલભાઈ રાઠોડ સહિતના નાગરિકોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજકોટ કલેકટર, જસદણ ડેપ્યુટી કલેકટર સહિતનાને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યા મુજબ તા. ૬-૨ ને બુધવારના રોજ અનેક લોકો જસદણ

તાલુકા સેવા સદન ખાતે આવેલ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં દસ્તાવેજ નોંધણી કરાવવા ગયેલા હતા પરંતુ આ ઓફિસ બપોરે ૧૨ કલાક સુધી ખુલ્લી ન હતી તેમજ સબ રજીસ્ટ્રાર આવ્યા ન હતા વધુમાં રજુઆતમાં જણાવ્યા મુજબ ફ્લેટ સહિતની વિવિધ મિલકતના ખરીદ વેચાણ સામે આપવાની થતી રકમ ખરીદનાર દ્વારા વેચાણ કરનારને ચૂકવ્યા બાદ ઓફિસમાં દસ્તાવેજ કરવા ગયા હતા. પરંતુ સબ રજીસ્ટર હાજર નહીં હોવાથી તેમજ વેચાણ કરનાર ફરીવાર સરળતાથી દસ્તાવેજ કરવા આવે તેમ નહીં હોવાથી અનેક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત સબ રજીસ્ટર અવાર નવાર ગેરહાજર હોય છે અને ઓફિસ ના સમય દરમિયાન પણ પૂરતા સમય સુધી હાજરી આપતા નથી જસદણના સબ રજીસ્ટર સામે શિક્ષાત્મક પગલાં ભરવા અંતમાં દેવેનભાઇ પ્રવીણભાઈ ડોડીયાએ રજૂઆત કરી છે.(૨૩.૪)

(11:17 am IST)