Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

જસદણની ચૂંટણી વખતે સરકારે જાહેર કરેલી વીજ બીલ માફી યોજના કાગળ પરજ રહી ગઇ!

તા.૨૮મીએ મુદત પૂરી થાય છે છતા હજુ કોઇ પરિપત્ર જ થયો નથીઃ મુખ્યમંત્રીને પરેશ ધાનાણીનો પત્ર

 ગાંધીનગર તા.૭: ઘરવપરાશ, ધંધાકીય તેમજ ખેતીવાડી હેતુવિષયક વીજ જોડાણોવાળા ગ્રાહકોને વીજ બીલ ભરપાઇ ન થવાના કારણે કાયમી ધોરણે કપાયેલા હોય તેવા તેમજ હાલના ચાલુ વીજ જોડાણોમાં એક યા બીજા કારણોસર પુરવણી બીલો આપવામાં આવ્યા હોય તેવા તમામ વીજ ગ્રાહકો પાસેથી બાકી નીકળતી રકમ ભરપાઇ કરવામાંથી મુકિત આપવા 'એક વખતની સંપૂર્ણ માફી યોજના'ની તા. ૧૮-૧૨-૨૦૧૮ના રોજ જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી અગાઉ માન. ઉર્જા મંત્રીશ્રી દ્વારા માત્ર જાહેરાત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધેલ. પરંતુ તેનો અમલ થયો નથી તેમ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું છે.

સરકારની જાહેરાતને કારણે ખેડૂતોને તેમનું વીજ જોડાણ પુનઃ સ્થાપિત થવાથી ચાલુ વર્ષે અપુરતા વરસાદને કારણે સર્જાયેલ અછતના સમયમાં વીજળી પ્રાપ્ત થતાં સિંચાઇની સુવિધા મળશે અને ખેત ઉત્પાદનમાં વધારો થશે તથા આવક વધતાં જીવન ધોરણ સુધરશે, વીજ જોડાણો ચાલુ થતાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મોટી રાહત મળશે અને તેમનું જીવન સુવિધાપૂર્ણ બનશે, ગ્રામ્ય વિસ્તારોમાં ગૃહ ઉદ્યોગ પુનઃ ધમધમતા થશે તેવી આશા ઉભી થઇ હતી, પરંતુ આ જાહેરાતને દોઢ માસ ઉપરાંતનો સમય પસાર થઇ ગયો હોવા છતાં સરકાર દ્વારા 'એક વખતની સંપૂર્ણ માફી યોજના' અંગે કોઇ ઠરાવ થયેલ નથી અને વીજ કંપનીઓને આ અંગે કોઇ સુચના પણ અપાઇ હોય તેમ જણાતું નથી. તેમ પરેશધાનાણીએ મુખ્યમંત્રીને પત્રમાં જણાવ્યું છે.

સદર યોજનાની જાહેરાત બાદ જયારે વીજ ગ્રાહકો સ્થાનિક વીજ કચેરીઓમાં જાય છે ત્યારે તંત્ર દ્વારા જવાબ મળે છે કે આ અંગે સરકાર દ્વારા કોઇપણ લેખિત સૂચના કે પરિપત્ર મળેલ નથી, જેથી આવા વીજ ગ્રાહકોમાં હતાશાનું વાતાવરણ જોવા મળે છે. સરકાર દ્વારા અવારનવાર વિવિધ જાહેરાતો કરવામાં આવે છે પરંતુ જાહેરાતના અમલ માટે પરિપત્ર કે ઠરાવ સમયસર થતા નથી, જેના કારણે પ્રજાને પોતાની સાથે છેતરપિંડી થતી હોય તેવો અનુભવ થાય છે.

ઉર્જા મંત્રીશ્રી દ્વારા દોઢેક માસ અગાઉ 'એક વખતની સંપૂર્ણ માફી યોજના'ની થયેલ જાહેરાતનું અમલીકરણ નથી થયું ત્યારે આ જાહેરાત ફકત ચૂંટણીલક્ષી જ હતી કે પ્રજા માટે આશીર્વાદ સમાન હતી? તેવી ચર્ચા આજે સમગ્ર રાજ્યમાં આશા રાખીને બેઠેલા પ્રજાજનોમાં થઇ રહી છે. ત્યારે જસદણની પેટા ચૂંટણી સમયે થયેલ જાહેરાતનું સત્વરે અમલીકરણ થાય તે માટે તાત્કાલિક અસરથી પરિપત્ર કરી, સંબંધિત વીજ કંપનીઓને તે અંગે જાણ કરી, યોજનાનું સત્વરે અમલીકરણ કરાવવા વિનંતી છે. તેમ વિપક્ષી નેતાએ જણાવ્યું છે.

(10:26 am IST)