Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

મોરબીમાં વૃધ્ધને માર મારનારા પોલીસ કર્મચારી સહિતના સામે કાયદેસર કાર્યવાહી કરવા જીલ્લા ભાજપની માંગણી

બનાવને વખોડતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા

મોરબી તા.૭ : મોરબીની રવાપર ચોકડી પાસે સોમવારની સાંજે આઘેડ બાઇક ચાલક અને પોલીસ વચ્ચે ટ્રાફીક નિયમ મુદે સટાસટી બોલી ગયા બાદ શહેરભરમાં આ બાબતે ચર્ચાઓ જાગી હતી અને મોરબી જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મંજુલાબેન દેત્રોજાએ ગઇકાલે જ આ બનાવ અંગે આગળ કાર્યવાહી કરવાના નિર્દેશો આપ્યા હતા. જેના પગલે આજે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, મહિલા પ્રમુખ મંજુલાબેન દેત્રોજા સહિત જીલ્લા ભાજપ અગ્રણીઓ પાટીદાર અગ્રણીઓએ મોરબી જીલ્લા પોલીસ વડાને આવેદન પાઠવ્યુ હતુ.

આવેદનમાં સોમવારની સાંજે રવાપર ચોકડી પાસે લક્ષ્મણભાઇ ગોવિંદભાઇ દેત્રોજા પર પોલીસે ગુજારેલ દમન અને તેમને ઢોરમાર મારનારા તમામ પોલીસ કર્મીઓ સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે અને હવે પછી મોરબીમાં શાંતિપ્રિય નાગરિકો સામે પોલીસ પોતાની આ જાતની કાર્યવાહી બંધ કરે.

અત્રે ઉલ્લેખનીય છે કે વૃધ્ધને ઢોરમાર મારનારા પોલીસ કર્મીઓનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાઇરલ થતા લોકોમાં તેની ખાસી ચર્ચાઓ ચાલી હતી.

ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ મોરબી જીલ્લા પોલીસ વડાને મોરબીમાં રાહદારીને ઢોરમાર મારવાના બનાવમાં રજુઆત કરતા જણાવ્યુ છે કે, મોરબીમાં એક રાહદારીને જે રીતે પોલીસ દ્વારા ઢોરમાર મારવામાં આવી રહ્યા છે તેનો વિડીયો વાયરલ થયો છે તેમજ સમાચાર માધ્યમો દ્વારા પણ પ્રસિધ્ધ થઇ રહ્યુ છે તે જોતા એક વ્યકિત પર જાહેરમાં આ રીતે અનેક પોલીસ કર્મીઓ મળી બળપ્રયોગ કરતા જણાય છે અને તે જોતા રક્ષક ખુદ ભક્ષક બન્યાનું ખુબ વરવુ પ્રદર્શન પોલીસે કર્યાનું સ્પષ્ટ જણાય છે અને  આ બાબત ખુબ નિંદનીય અને વખોડવા પાત્ર છે. કોઇપણ ગુનામાં કોઇ આરોપી સંકળાયેલ હોય તો તેની પુછપરછ કરવાનો માત્ર પોલીસનો અધિકાર છે અને સત્તા છે અને તેમાં કોઇને વાંધો ના હોઇ શકે પરંતુ એક સામાન્ય બાબતમાં પોલીસે જે બળપ્રયોગ કર્યો છે એક વ્યકિત પર પોલીસવાળા તુટી પડયા છે તેના ઘેરા પ્રત્યાઘાત મોરબી પંથકમાં પડયા છે.

તેથી આ સમગ્ર બનાવની તટસ્થ તપાસ કરી તેમાં સંકળાયેલા પોલીસ કર્મીઓ સામે જરૂરી કાર્યવાહી કરવાની લોકલાગણી અને માંગણી ધ્યાને લેવાય તેવી માંગણી કરી છે.

મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાની આગેવાનીમાં ભોગ બનનારા પરિવારજનો સહિતનાએ આક્રોશ વ્યકત કર્યો હતો. આ તકે જીલ્લા ભાજપના મંજુલાબેન દેત્રોજા હાજર રહ્યા હતા. તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા ની એસપીએ ખાત્રી આપી હતી. (૩-૧ર)

(1:47 pm IST)