Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

મોરબીમાં બેફિકરાઇથી સ્કૂલ બસ ચલાવાતી હોવાનો વિડીયો વાયરલ થતાં વાલીઓમાં ચિંતા

મોરબી તા. ૭ : બાળકોને ઘરેથી શાળાએ લઇ જતી અને મૂકી જતી સ્કૂલ બસના ડ્રાઈવર બેફિકરાઈ દાખવતા હોય ત્યારે માસૂમ બાળકોની જિંદગી જોખમાઈ જતી હોય છે આવો જ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં સ્કૂલ બસ શાકભાજીની રેંકડી સાથે અથડાતી જોવા મળે છે અને બસનો ડ્રાઈવર બેફીકરાઇથી બસ ચલાવતા હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે.

મોરબીની ક્રિષ્ના સાયન્સ સ્કૂલની બસનો એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં સ્કૂલ બસની અથડામણ રેકડી સાથે જોઈ સકાય છે. આ સ્કૂલ બસનો ડ્રાઈવર બેફામ બસ ચલાવતો હોય જે રોડ પર શાકભાજીની રેંકડી સાથે બસ અથડાવતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નજીકના સ્થળે લાગેલા સીસીટીવી ફૂટેજમાં આ દ્રશ્યો કેદ થયા છે અને આ સીસીટીવીમાં સ્કૂલ બસના ડ્રાઈવરની હરકત વાલીઓને માલૂમ પડ્યા બાદ વાલીઓનો રોષ ભભૂકી ઉઠ્યો છે. વાલીઓને આ ઘટનાની જયારે જાણ થઇ કે સ્કૂલબસનો ડ્રાઈવર બેફીકરાઇથી બસ ચલાવે છે ત્યારે વાલીઓએ આ ફૂટેજ સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યું છે અને આ વાયરલ મેસેજ સાથે વાલીઓ જોગ એવો સંદેશો લખવામાં આવ્યો છે કે તમામ વાલીઓ શાળાએ જઈને સંચાલકોને આ ફૂટેજ બતાવે અને લેખિતમાં અરજી કરે છે.

બાળકો સાથે કોઈ અકસ્માત સર્જાશે તો ટ્રસ્ટીઓની જવાબદારી રહેશે ત્યારે સોશ્યલ મીડિયામાં આ વિડીયો હાલ ખુબ જોવાઈ રહ્યો છે અને ઠેર ઠેર આ વિડીયોની ચર્ચા જોવા મળી રહી છે.

(12:48 pm IST)