Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

કંડલા પોર્ટ ઉપર દુબઇના જહાજમાં ભારતીય ક્રુને બંધક બનાવાતા ચકચાર

પુત્રને છોડાવવા કોલકોતાથી વૃધ્ધ પિતા ગાંધીધામ આવીને કરગરી રહ્યા છેઃ જહાજ માલિકો અને એજન્ટો વચ્ચેની તકરાર

ભુજ તા. ૭ : કંડલા પોર્ટ ઉપર ઘણા સમયથી કોર્ટ મેટરના કારણે લાંગરેલા દુબઇના જહાજ અંતર્ગત જુના નવા જહાજ માલિકો અને શીપીંગ એજન્ટો વચ્ચે નાણાકીય વિવાદ ચાલી રહ્યો છે.

દરમિયાન આ વિવાદ વચ્ચે કોલકોતાના આસનસોલથી ગાંધીધામ આવેલા મહમ્મદ મુખ્તારખાન નામના પ્રૌઢે આક્ષેપ કર્યો છે કે જહાજ માલિકો અને એજન્ટો વચ્ચેના વિવાદમાં તેમના પુત્ર શાહબાઝખાનને જહાજમાં બંધક બનાવી રખાયો છે.

શાહબાઝખાનની માતા કેન્સરથી પીડાય છે, પુત્રને જોવા માંગે છે પણ શાહબાઝખાનને મુકત કરાતો નથી. દરમિયાન જહાજનાં શીપીંગ એજન્ટ અમૃત શીપીંગના જણાવ્યા પ્રમાણે તેઓ જહાજના ક્રુ મેમ્બરને મુકત કરવા તૈયાર છે પણ પોલીસ તથા ઇમીગ્રેશન વિભાગ મંજુરી આપતા નથી. જોકે, જહાજ માલિક બદલાયા છે. શિપીંગ એજન્ટ બદલાયા છે એ બંને વચ્ચે જહાજમાં કામ કરતા ક્રુ મેમ્બર્સનો પગાર અટવાયો છે. લાંબા સમયથી ચાલતો આ વિવાદ કોર્ટમાં પેન્ડીંગ છે. દુબઇનું આ જહાજ કોર્ટ મેટરના કારણે કંડલા પોર્ટ ઉપર લાંગરેલું પડયું છે.

જોકે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે પગાર નહી મળતા ક્રુ મેમ્બર્સ જહાજ છોડવા તૈયાર નથી. તો, શીપીંગ એજન્ટના રૂપિયા અટકતા તેમણે જહાજના ક્રુ મેમ્બર્સના દસ્તાવેજો પોતાની પાસે રાખી દીધા છે. લાંબા સમયથી અટવાયેલા આ મામલે કંડલા પોર્ટ પ્રશાસન દ્વારા કોઇ સત્તાવાર કાર્યવાહી કે, માહિતીનો અભાવ જોવા મળી રહ્યો છે.

વિદેશમાં અટવાતા ભારતીય નાગરિકોના પ્રશ્ન ઉકેલતી ભારત સરકાર દેશમાં જ અટવાયેલા ભારતીય ક્રુ મેમ્બર્સના મુદ્દે મૌન છે અને એક પિતા પોતાના પુત્રને છોડાવવા ઘેર લઇ જવા ઠેર ઠેર ભટકી રહ્યા છે.

(11:45 am IST)