Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

વડાપ્રધાન માટે બનાવેલા હેલીપેડના ૨૦ લાખના ચુકવણાના મુદ્દે ભુજમાં કોન્ટ્રાકટર અને અધિકારી વચ્ચે ઢીસુમ ઢીસુમ

આર એન્ડ બી ઓફિસમાં બનેલા મારામારીના બનાવ બાદ પોલીસ પહોંચીઃ વડા અધિકારીની દરમિયાનગીરી બાદ મામલો થાળે

ભુજ તા. ૭ : કામ કરતી સરકારના દાવાઓ વચ્ચે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલીપેડના બીલનો અઢી મહિનાથી નિકાલ ન થતાં ભુજની આર એન્ડ બી ઓફિસમાં ઉશ્કેરાયેલા કોન્ટ્રાકટર અને અધિકારી વચ્ચે ઢીસુમ ઢીસુમ થતાં આ ઘટનાએ ચકચાર સર્જી છે.

કાલે મંગળવારે બપોરે ભુજની આર એન્ડ બી કચેરીમાં કોન્ટ્રાકટર પ્રજ્ઞેશ ઠક્કરે છેલ્લા અઢી મહિનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે માતાના મઢમાં બનાવેલા હેલીપેડની ૨૦ લાખની રકમનાં બીલની ઉઘરાણી કરી હતી.

લાંબા સમયથી આ બીલ 'ઇરાદાપૂર્વક' અટકાવાયેલું હોવાનું જાણતાં કોન્ટ્રાકટર પ્રજ્ઞેશ ઠક્કરે પ્લાનીંગ બ્રાંચના હેડ બી.ડી.પ્રજાપતિ (મદદનીશ ઇજનેર)નો કાંઠલો પકડતા બંને વચ્ચે ઢીસુમ ઢીસુમ થતાં કચેરીનો સ્ટાફ એકઠો થઇ ગયો હતો. દરમિયાન મદદનીશ ઇજનેર પ્રજાપતિએ ૧૦૦ નંબર ડાયલ કરતા પોલીસ દોડી આવી હતી.

અંતે કાર્યપાલક ઇજનેર જેઓ શાહે મામલો થાળે પાડીને સુલેહ કરાવતા પોલીસ ફરિયાદ ટળી હતી. દરમિયાન ઉશ્કેરાયેલા કોન્ટ્રાકટર પ્રજ્ઞેશ ઠક્કરનાં જણાવ્યા પ્રમાણે બીલો ટેન્ડર ભર્યા પછી'યે ચંચુપાત કરીને પેમેન્ટ અટકાવાયું હતું. જોકે ચર્ચાતી હકીકત મુજબ ૨૦ લાખનું બીલ 'વહીવટ'નાં કારણે અટકાવી રખાયું હતું.

(11:41 am IST)