Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

શુક્રવારથી ગિરનારની ગોદમાં મહા શિવરાત્રી મેળાનો પ્રારંભ

નવનાથ, ચોર્યાસી સિધ્ધ અને ચોસઠ જોગણીના જયા બેસણા છે તેવા ગરવા ગિરનારની ગિરીકંદરા પાંચ દિવસ હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠશેઃ પ૭ એકર જમીનમાં મેળાનું ભવ્ય આયોજન ૧૦૦ જેટલા ઉતારા અન્નક્ષેત્રમાં ભોજન ભજન ભકિતનો ત્રિવેણી સંગમઃ મેળાનું મુખ્ય આકર્ષણ નાગાબાવાઓની રવેડીઃ લાખો ભાવિકો ઉમટશેઃ મંગળવારે મધરાતે પુર્ણાહુતિઃ લોકવાયકા મુજબ અશ્વથામા, ગોપીચંદ, રાજાભરથરી, પરશુરામ, વિભીષણ જેવા મહાપુરૂષો પધારતા હોવાની માન્યતાઃ વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી

જૂનાગઢ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં પૌરાણિક મેળાની રંગત જામશેઃ જૂનાગઢઃ શુક્રવારથી ગરવાગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં પૌરાણિક મેળો યોજાનાર છે જેની ફાઇનલ તસ્વીરી ઝલકમાં ભાવિકોનો અવિરત ભવનાથ તળેટી તરફ પ્રયાણ  તેમજ ભવનાથ મહાદેવનુ મંદિર અને દિગંબર સાધુ તેમજ નાગાબાવાઓની રવેડી છેલ્લે મૃંગીકુંડીમા શાહી સ્નાન કરતા સાધુઓ નજરે પડે છે. (તસ્વીર-મુકેશ વાઘેલા-જૂનાગઢ)

જુનાગઢ તા.૭: ભારતભરમાં પ્રાચીન તંત્ર, ઇતિહાસના જયા દર્શન થાય છે જયા રાષ્ટ્રીય એકતા અખંડીતતા બિન સાંપ્રદાયીકતાનું અનેરૂ મહત્વ ધરાવતા સમગ્ર એશીયા ખંડનું ગીર અભીયારણ સમાં ગાંડી ગીર ડાલા મથા સિંહની ડણક સંભળાઇ છે.

દેશની પ્રથમ જયોર્તિલીંગમાં પ્રથમ એવા સોમનાથ દાદા બીરાજમાન છે ભકત કવિ નરસિંહ મહેતા અને દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ ભોમકા એવા સોરઠ પ્રદેશ કે જયાં પર્વતોના પ્ર.પિતામહ સમો ગરવો ગઢ ગીરનાર કે વાદળો સાથે વાતો કરે છે એવા તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો જયા વાસ છે.

નવનાથ બાવન વિર અને ચોર્યાસી સિધ્ધ, ચોસઠ જોગણીઓના જયાં બેસણા છે તેવા ગીરનારની ગોદમાં શ્રી ભવનાથ મહાદેવના સાનિધ્યમાં મહાવદ નોમને તા.૯ને શુક્રવારથી  પાંચ દિવસ દરમિયાન મહાશિવરાત્રીનો મેળો ભરાશે.

ગુજરાત રાજય એટલે લોક સંસ્કૃતિનો વારસો ગુજરાતભરમાં અસંખ્ય મેળાઓ ભરાઇ છે જેમાં મહાશિવરાત્રીના મેળાનું અનેરૂ મહત્વ છે આ મેળાનો તા.૯ને શુક્રવારથી પ્રારંભ થઇ રહ્યો છે.

દેશભરમાં મેળાનું અનેરૂ સ્થાન

સંતો મહંતો જતી સતી અને ઓલીયાઓની સોરઠ ધરા પર નાના મોટા અનેક મેળા ભરાય છે તેમાં સમગ્ર દેશમાં અદકેરૂ સ્થાન ધરાવતા બે મોટા મેળાઓ ભરાય છે જેમાં એક મહાશિવરાત્રી મેળો અને બીજો માધવપુર ઘેડ ખાતે ઉજવાતો શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીના લગ્ન સમો માધવરાયજી મેળો ગુજરાતની પ્રજાને યાદગાર સમા ત્રણ મેળા પાંચાળની ધરા એવા સુરેન્દ્રનગર જિલ્લાના થાન ખાતે ભરાતો તરણેતરનો મેળો માધવપુર ઘેડમાં ઉજવાતો માધવરાયજી અને ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ઉજવાતો મહાશિવરાત્રી મેળો આ મેળા જેટલુ જ અથાગ ગિરનારની પરિક્રમા લઇ જાય છે. મહાશિવરાત્રી મેળો અને પરિક્રમાંમાં લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. આ મહાશિવરાત્રીના  મેળાને મીની કુંભ સમાન ગણવામાં આવે છે.

ત્રણેય મેળાની માનવ જીવન વય સાથે સરખામણી

ગુજરાત રાજયના અગત્યના આ ત્રણેય મેળા મેળાઓ માનવજીવન સાથે સંકળાયેલા છે. સુરેન્દ્રનગર જીલ્લામાં ભરાતો તરણેતરનો મેળો યુવા હૈયાઓને થનગનાટ કરતા યુવાનો  એકબીજાને મળવા માટે જીવન પસંદગીનો મેળો છે. આ મેળામાં યુવક યુવતીઓ એકબીજાની પસંદગી કરી સ્નેહભર્યા કળશ ઢોળી જીવનપથ પર સાથે ચાલવાનો કોલે બંધાય છે આમ તરણેતરના મેળામાં બે યુવા હૈયા એકબીજાની પસંદગી કરે છે.

બીજો મેળો માધવપુરમાં ભરાય છે આ મેળામાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ થાય છે જે મેળામાં અગત્યનો પ્રસંગ છે માધવપુરના મેળામાં માધવરાયજીના લગ્ન થાય છે જેમાં મેળા દરમ્યાન મંડપારોપણ લગ્નગીતોની રમઝટ ભગવાન શ્રીકૃષ્ણની જાન જોડાય છે આમ આ મેળામાં બે આત્મા લગ્નગ્રંથી જોડાય છે.

આજે પણ આ વિસ્તારમાં અને પંથકમાં લગ્નગ્રંથિથી જોડાયેલા નવદંપતિઓ માધવરાયજીના મંદિરે દર્શન કરવા આવે છે. દર્શન કરી નવદંપતિ ધન્યતા અનુભવતાની સાથે શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીજી જેવુ જીવન જીવવાના સંકલ્પો કરે છે.

આમ પ્રથમ મેળો તરણેતરમાં બે યુવા એકબીજાને પસંદગી કરે છે બીજો મેળો માધવપુરનો જેમાં બે આતમા લગ્નગ્રંથીથી જોડા છે.

જયારે મહાશિવરાત્રી મેળામાં આથમતી સંધ્યાએ જીવ શિવની ઉપાસના કરવાની શુભ ભાવનાથી જોડોલ મેળો એટલે હર હર મહાદેવનો મહાશિવરાત્રી મેળો.

આમ સોરઠની ધરા પર ત્રણ મેળાનું અનેરૂ મહત્વ જોવા મળે છે તેમા બેમેળા માધવપુરનો મેળો અને શિવરાત્રીનો મેળો ત્રીજો કાર્તિકી મેળો કાર્તિકી પુનમે ભરાતો સોમનાથ દાદા સાનિધ્યમાં ઉજવાતો કાર્તિકી મેળો  મહાશિવરાત્રી મેળામાં જીવ દ્વારા શિવની આરાધના થાય છે.

જુનાગઢમાં મહાશિવરાત્રી મેળા જેટલું માનવ મહેરામણ પરિક્રમાં પણ ભાગ લેવા ઉમટે છે.

જુનાગઢ જીલ્લામાં આમ તો અડધો ડઝન જેટલા મેળા ભરાય છે તેમાં ગિરનારની છત્રછાયામાં મહાશિવરાત્રી મેળો એટલે પરિક્રમા દરમ્યાન ૧૦ થી ૧ર લાખ જેટલો માનવ મહેરામણ ઉમટે છે.

ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવના સાનિધયમાં પ્રતિવર્ષ મહા વદ નોમથી મહાવદ તેરસ સુધી શિવરાત્રી મેળો યોજાય છે.

આસી. ટેકસ કમિશ્નર પ્રફુલ્લ કનેરીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે જીલ્લા કલેકટરશ્રી રાહુલ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ મ્યુ. કમિશ્નર શ્રી વી જે રાજપુતની સુચના મુજબ વહિવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રી મેળા અંગે તડામાર તૈયારીઓ થઇ રહી છે.

અંદાજે પ૮ એકર જમીનની વિશાળ જગ્યા પર ૧૦૦થી વધુ ઉતારા અન્નક્ષેત્રમાં ભોજન ભજન અને ભકિતની રમઝટ બોલશે જેને ધ્યાને લઇ મ.ન.પા દ્વારા પાણી લાઇટ પ્લોટની ફાળવણીની કામગીરી હાથ ધરવામાં આવી છે અને દામોદર કુંડની સફાઇ હાથ ધરી છે અને ત્યાર બાદ કુંડમાં નવું પાણી ભરવામાં આવશે અને દત ચોક ખાતે યાત્રિકોની માહિતી માટે ર૪ કલાક યાત્રિક કેન્દ્ર ખુલ્લુ મુકાશે. જેથી મેળામાં વિખુટા પડેલ લોકોને તેના પરિવાર સાથે મિલાપ કરાવશે.

મેળામાં સાધુ સંસારીમાં  સરખો ઉત્સાહ

આ મેળામાં નાગા સાધુ સંતો અને સંસારીઓ મેળામાં મોજશોખ ભજનની મોજ માણે છે. ખાણીપીણીનો આસ્વાદ મસ્ત મનોરંજન માણવા ઉમટી પડે છે જયારે સાધુ સંતો અલખની આરાધનાની ધુણી ધખાવી અનંતમાં ગરકાવ થઇ જાય છે રાત્રે ભજન ભકિતની આરાધના સાથે શિવમય બની જાય છે.

મેળાનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર નાગાબાવાનું સરઘસ (રવેડી)

અતિ પૌરાણિક એવા મહાશિવરાત્રી મેળો છ દિવસ સુધી રંગત જમાવશે તેમાં સમગ્ર દેશભરના સાધુ સંપ્રદાય સાધુ સંતો પધારશે મેળાનું મુખ્ય આકર્ષણ નાગાબાવા છે.

મેળાના અંતિમ દિન મહાશિવરાત્રીના દિવસે નાગાબાવાનું સરઘસ રવેડી સ્વરૂપે નીકળે છે જેમાં નાગા બાવા અંગ કસરતના દાવ તલવારબાજી ઇન્દ્રીય દ્વારા જીપ ખેંચે વગેરે સરઘસમાં જોવા મળે છે તે વેળાએ નાગાબાવાના દર્શનાર્થે ખુબજ ઘસારો થાય છે.

મહાશિવરાત્રીના દિવસે બપોરે ૩ કલાકથી રવેડીનો મુખ્ય માર્ગ બંધ કરી સાફ સફાઇ કરી પાણીનો છંટકાવ કરવામાં આવે છે.

બરાબર રાત્રીના ૧૦ના ટકોરે જુના અખાડાથી નાગા બાવાઓ સરઘસ સાથે નીકળી રૂટ ઉપર ઠેરઠેર અંગ કસરતના વિવિધ દાવપેચ લાઠી દાવ તલવાર દાવ ઇન્દ્રીય વડે જીપ ખેતવી ઇન્દ્રીયને લાકડીમાં આંટી ચડાવી તે લાકડી પર બન્ને બાજુ સાધુ ઉભા રાખવા જેવા વિવિધ અંગ કસરતના દાવ કરતા રાત્રીના બારના ટકોરે ભવનાથ મંદિર ખાતે મૃગી કુંડમાં સ્નાન કરે છે.

તે દરમ્યાન લોકવાયકા મુજબ મૃગી કુંડમાં સ્નાનવિધી બાદ આખા નાગા સાધુ સંતો ગણત્રીની મીનીટોમાં જ કયાંક અદૃશ્ય થઇ જાય છે.

તે રાત્રીના ભગવાન ભોળાનાથની આરતી વિધી થયા બાદ દર્શનાર્થે ભાવિકોની ભીડ થાય છે અને સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે.

અને લોકવાયકા મુજબ અશ્વસ્થામાં બલીરાજા ગોપીચંદ, રાજા ભરથરી, પરશુરામ વિભીષણ,અશ્વથામા વિ. અમરત્વ મહાપુરૂષો મહાશિવરાત્રીની રાત્રે સ્નાનવિધીમાં પધારતા હોવાની માન્યતા છે.

મોડી રાત્રે ભાવિકો શિવરાત્રીનો મેળો પુરો થતા અન્ય ધાર્મિક સ્થળો સતાધાર પરબ સોમનાથ તરફ જવા પ્રયાણ કરે છે અને રાવટીઓ વિવિધ જ્ઞાતિના ઉતારામાં લોકો પાછા ફરે છે.

ભાંગ વિના શિવરાત્રી અધુરી

જૂનાગઢ તા. ૭: શિવરાત્રી મેળો ભગવાન ભોળાનાથની રાત એટલે ભાઁગ તો હોય અને શિવરાત્રીના દિવસે શિવજીની ભાંગ લેવા લોકોની પડાપડી થાય છે.તમામ ઉતારાઉતારૂઓમાં સાધુ સંતોના ડેરામા બે દિવસ અગાઉથી જ ભાંગની તૈયારી ચાલુ થઇ જાય છે. ભાંગ માટે કાજુ બદામ પિસ્તા એલચી કેસર દ્રાક્ષ સાથે અન્ય સુકા મેવાઓ ગાંજો લઢાય છે.

અને આ લઢાયેલ અર્કમાં દુધ ભેળવી ભાંગ બનાવવામાં આવે છે. શિવરાત્રી મેળામા અને પ્રત્યેક શિવ મંદિરોમાં અચુક ભાંગની પ્રસાદ અપાય છે.

શિવરાત્રી મેળા દરમ્યાન ભારતી આશ્રમે ખ્યાતનામ કલાકારો દ્વારા સંતવાણી

જુનાગઢ તા.૭: શુક્રવારથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ભવનાથના કેન્દ્ર બિંદુ સમા ભારતી આશ્રમ ખાતે શ્રી પંચ દશનામ જુના અખાડાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર પુ.વિશ્વંભર ભારતીજી મહારાજના સાનિધ્યમાં તા.૧૦ થી ૧૩ દરમ્યાન દરરોજ રાત્રે સંતવાણીના કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવી યોગેશપુરી ગોસ્વામી નિરંજન પંડયા કરશન સાગઠીયા તેમજ નામી અનામી કલાકારો સંતવાણીમાં શ્રોતાઓને ડોલાવશે.

તો શિવરાત્રીના આ પાવન પર્વે ધર્મપ્રેમી જનતાને સંતવાણીનો અને ભોજન પ્રસાદનો લાભ લેવા પુ.ભારતીબાપુએ નિમંત્રણ પાઠવ્યું છે.

વન વિભાગ પણ વાયરલેશ વોકીટોકી સાથે સજ્જઃ વન્ય પ્રાણી આવી ચડે તો ખસેડવા ટ્રેકર પાર્ટીઃ રેસ્કયુ ટીમ ખડેપગે પાંચ જગ્યાએ વાયરલેશ સેટ ગોઠવાયાઃ બે વધારાની મોબાઇલ સ્કવોડ પેટ્રોલીંગ કરશેઃ ૧૦૦થી વધુ અધિકારી કર્મચારી ખડેપગે

 જુનાગઢ તા.૭: શુક્રવારથી શરૂ થઇ રહેલ મહાશિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ભાગ લેવાના હોય ત્યારે વન્ય સંપદાને કોઇ પણ પ્રકારની હાની ન થાય તેમજ વન્ય પ્રાણી ભવનાથ તરફ આવી ચડે તો જંગલમાં પરત ખસેડવા ટ્રેકર ટીમ સહીત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

વન વિભાગના ડીસીએફ શ્રી આર. સિશીલકુમારના માર્ગદર્શન હેઠળ એસીએફ બી કે ફટાણા ઇ.ચા. દક્ષિણ રેન્જના આરએફઓ શ્રી જે એ મિયાત્રા તેમજ ઉતર  રેન્જના આરએફઓ એસ ડી ટીલાળાની દેખરેખ હેઠળ વન વિભાગ વ્યવસ્થા જાળવશે. આ ઉપરાંત વન ખાતા દ્વારા ભવનાથ વડલી ચોક સહીત પાંચ સ્થળોએ વાયરલેશ સેટ ગોઠવવામાં આવેલ છે. સમગ્ર મેળા દરમ્યાન વનકર્મીઓ વાયરલેશ અને વોકીટોકીથી સંદેશા  વ્યવહાર જાળવી અને જંગલની સુરક્ષાનું જતન કરશે.  કોઇ પણ જગ્યાએ આગ લાગવાનો બનાવ ન બને તે માટે સતત પેટ્રોલીંગ કરશે.

અને જંગલમાંથી કોઇ પણ સમયે વન્યપ્રાણીઓ ભવનાથ તરફ આવી ચડે તો તેને ખસેડવા માટે ૧ ટ્રેકર પાર્ટી સકકરબાગની રેસ્કયુ ટીમ સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે તેમ વધારાની બે મોબાઇલ સ્કવોડ પણ સતત પેટ્રોલીંગ હાથ ધરશે. આમ વન ખાતા દ્વારા પણ વન્ય સંપદા અને યાત્રિકોની સુવિધા માટે વ્યવસ્થા ગોઠવી છે.

મહાશિવરાત્રી મેળા દરમ્યાન એસ.ટી.વિભાગ ૪૦મીની બસો દોડાવશે

જૂનાગઢ તા.૭: શુક્રવારથી શરૂ થઇ રહેલ મહાશિવરાત્રી મેળા દરમ્યાન લોકોને અવર-જવર માટે એસ.ટી.વિભાગ દ્વારા ૪૦મીની બસો દોડાવવામા આવનાર છે.

 જુનાગઢ એસ.ટી.ના વિભાગીય નિયાક શ્રી રણદિપવાળાના માર્ગદર્શન હેઠળ શુક્રવાર સવારે ૯.૩૦ કલાકે એસ.ટી.બસ સ્ટેશન ખાતેથી આ બસ સેવાનો પ્રારંભ થશે. આ બસ સ્ટેશનથી ભવનાથ તળેટી જીલ્લા પંચાયત ગ્રાઉન્ડ સુધી જશે આ સમગ્ર વ્યવવસ્થાશ્રી વાળાના માર્ગદર્શન હેઠળ ડીટીઓ એચ.એન.ખાંભલા અને એસ.ટી.ના કર્મચારીઓ જાળવશે. અને યાત્રિકોને કોઇ મુશ્કેલી પડે તેની કાળજી લેશે.

: ખાસ અહેવાલ :

વિનુ એસ જોષી

અકિલા બ્યુરો - જુનાગઢ

: તસ્વીરો :

મુકેશ એચ. વાઘેલા

(11:41 am IST)