Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

થાનગઢમાં રાજેશ દરજીને બાજુવાળા હસમુખ દરજીએ પડખામાં કાતર ઝીંકી

મારી દૂકાને આવતાં ગ્રાહકોને તું કેમ બોલાવી લે છે? કહેતાં ડખ્ખો

રાજકોટ તા. ૭: થાનગઢમાં દરજી યુવાનને તેની બાજુમાં જ દરજી કામની દૂકાન ધરાવતાં દરજી શખ્સે પડખામાં કાતર ઝીંકી દેતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

થાનમાં રહેતો અને ઘર નજીક દરજી કામની તથા અન્ય મટીરીયલ્સની દૂકાન ધરાવતો રાજેશભાઇ મનુભાઇ ગોહેલ (ઉ.૩૯) પોતાની દૂકાને હતો ત્યારે ગ્રાહકો આવતાં હોઇ તેને બાજુના દરજી હસમુખ લાલજીભાઇ મકવાણાએ હાથ ઉંચો કરી પોતાની દૂકાનમાં બોલાવી લેતાં રાજેશભાઇ તેને આ રીતે નહિ કરવાનું સમજાવવા જતાં તેણે ઉશ્કેરાઇ જઇ કાતરથી હુમલો કરી પડખામાં ઘા ઝીંકી દીધો હતો.

લોહીલુહાણ હાલતમાં રાજેશભાઇને થાન હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. તેણે કહ્યું હતું કે અવાર-નવાર હસમુખ દરજી આ રીતે મારી દૂકાને આવતાં ગ્રાહકોને બોલાવીને ખેંચી જાય છે. આ વખતે પણ આવું કરતાં સમજાવવા જતાં સીધો હુમલો કરી દીધો હતો.

(11:29 am IST)