Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

જસદણમાં પતંગ દોરાની ઘરાકી જામતી નથી

જસદણ તા.૭ : મકરસંક્રાંતિના તહેવારને આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આમ છતા પતંગ અને દોરાની જોઇએ એવી ઘરાકી જામતી નથી. એમ પતંગ અને દોરાના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓએ જણાવ્યુ હતુ. શહેરમાં વર્ષોથી હાઇસ્કુલ સામે પતંગ દોરાના પ્રજાપતિ વેપારીએ આ અંગે જણાવ્યુ હતુ કે, કોરોના કાળમાં આમ તો દરેક વેપાર રોજગાર પર જબરી અસર છે પણ આ વર્ષે પતંગ દોરાના વેપારને પણ કોરોના વળગ્યો હોય એવી હાલત છે.

ગત વર્ષ કરતા પણ આ વર્ષે પતંગ દોરાના ભાવ પણ છુટક વેચાણ જેટલા જથ્થાબંધ ખરીદીમાં ચુકવ્યા છે ત્યારે ગ્રાહકોને શું ભાવે વેચાણ કરવુ? આ વર્ષે માલ પણ ઓછો આવ્યો છે પંદર દિવસ પહેલા દુકાને ગ્રાહકોની ભીડ રહેતી હોય છે પણ અત્યારે કાગડા ઉડે એવી હાલત છે. ઉતરાયણને હાલ ફકત આઠ દિવસની વાર છે પણ પતંગ રસિયાઓ ઓછા છે પણ ૧૪ મી જાન્યુઆરીએ ધાબા અગાશીઓ પતંગ સાથે મનના પેચ લગાડનારાઓનીથી ભરચક થઇ જશે એમાં કોઇ શક નથી.

(11:34 am IST)