Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

જૂનાગઢમાં પાંચ લાખની ખંડણી માંગી ગુરૂદ્વારા બંધ કરાવી દેવાની ધમકી

કરણ હંમેશા શિખ ધર્મનું અપમાન કરે છેઃ સીંધી વેપારીની ફરીયાદ

જૂનાગઢ, તા. ૭ :. જૂનાગઢમાં એક શખ્સે પાંચ લાખની ખંડણી માંગી ગુરૂદ્વારા બંધ કરાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વેપારીએ ફરીયાદ કરતા સનસની મચી ગઈ હતી.

આ બનાવની વિગતો એવી છે કે જૂનાગઢમાં ઉપરકોટ પાસે આવેલ પાર્શ્વનાથનગરમાં રહેતા સીંધી લોહાણા વેપારી ગિરીશસિંગ આસનદાસ ટીલવાણી (ઉ.વ. ૩૨)ને કરણ ચંદ્રકાંત દક્ષિણા નામનો શખ્સ જાહેરમાં અવારનવાર શીખ ધર્મનું અપમાન કરતો હતો.

તેમજ ગુરૂદ્વારા ચલાવવુ હોય અને અમૃત સંચારની વિધિ કરવી હોય તો દર વર્ષે રૂ. પાંચ લાખ આપવા પડશે તેમ જણાવી અને જો ખંડણી નહિ આપે તો ગુરૂદ્વારા બંધ કરાવી દઈશ અને તને તથા તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી કરણ દક્ષિણાએ આપી હતી.

જુલાઈ ૨૦૧૯થી આ શખ્સની લુખ્ખાગીરીથી તંગ થયેલા વેપારી ગિરીશસિંગ ટીલવાણીએ ગત રાત્રે એ-ડિવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરૂદ્ધ કલમ ૩૮૭, ૨૯૫ (ક), ૨૯૪ (ખ) અને ૫૦૬ (૨) મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ બનાવ અંગે પીએસઆઈ આર.જી. મહેતાએ ત્વરિત તપાસ હાથ ધરીને ગત રાત્રે જ કરણ દક્ષિણાને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(11:45 am IST)