Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

જોડીયામાં ''જય ભોલે બાબા''નો નાદ ગુંજયોઃ ભંડારામાં મેદની ઉમટી

ગામો ગામથી સંતો-મહંતોની પધરામણીઃ ભોજન અને ભજન સંગાથે ઉત્સવી ઉજવણી

ભંડારા પ્રસંગે પૂ.ભોલેબાબાજીના મંદિરમાં બપોરે ઢોલ-નગારા અને શંખોદ્યારથી જયજયકારના ઘોષથી મહાઆરતી જોડીયા રામવાડીના સેવક શ્રી શનીભાઇ વડેરાએ ઉતારેલ હતી. આરતી પ્રસંગે વિશાળ જનમેદની એ લાભ લીધેલ હતો. મહોત્સવ દરમ્યાન પૂ.બાબાજીના દર્શનથી ધન્ય થયા હતા તે સમયની તસ્વીરો નજરે પડે છે.

 જોડીયાધામ તા.૭: જામનગર જિલ્લાના જોડીયા ધામમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટીર-''રામવાડી'' આશ્રમ ખાતે ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરૂશ્રી ચંન્દ્ર ભગવાન એવમ શ્રી જયોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજ દાદા તેમજ પ્રાત સ્મરણીય ૧૦૦૮ સદ્દગુરૂદેવ પૂજયપાદ શ્રી ભોલેબાબાજીની અસીમ કુપાથી તેમજ મહંત પૂ. શ્રી હરીદાસજી બાપુ ગુરૂશ્રી કરણદાસજી બાપુ તેમજ સંતો-મહંતોની પાવન નિશ્રામાં જોડીયા રામવાડી આશ્રમનાં મહંત પ્રાંત સ્મરણીય પૂજયપાદ સંતશ્રી ભોલેદાસજી બાપુ ગુરૂશ્રી કરણદાસજી બાપુનો ''સતરમીનો ભંડારો'' ધામધૂમે ઉજવાયો હતો.

ભંડારામાં વિશાળ સંખ્યામાં અનેક જગ્યાઓ માંથી સમગ્ર સૌરાષ્ટ્ર -ગુજરાત માંથી સંતો-મહંતો પધાર્યા હતા. રમતારામ મહાત્માઓ-દરેક પંથના સાધુ-સંતો-ભજનની સાધુની મંડળીઓ તેમજ વિશાળ સંખ્યામાં ભુકત સમુદાયે ''મહાપ્રસાદ'' લીધેલ.

સાંજના જોડીયા ગામ સમસ્ત ધુવાણાબંધ જમણવાર યોજાયેલ. પૂર્વ દિવસે ''ધ્વજારોહણ વિધિ'' તેમજ શ્રી જયોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજ દાદાના પાવન સન્મુખ સૌ-સાધક -ભાવિક-ભકતજનો દ્વારા ''સુંદરકાંડ''ના પાઠ-ધૂન-સંકિર્તન કરાયા હતા. તેમજ સાંજે ''દીપમાળા મહાઆરતી'' થયેલ. રાત્રીના સંતવાણી-ભજનો થયેલ. જેમાં ગુજરાત-સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ કલાકાર સુરેશભાઇ રાવળ-ભાવેશ ભાઇ રાવળ, બેબી મીતલ સહિતના કલાકારોએ ભજનોની રંગત જમાવી હતી. કાર્યક્રમનું સંચાલન લોકસાહિત્યકાર શ્રી વિક્રમભાઇ ગઢવીએ કરેલ.

સમગ્ર કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટયથી મહંત પૂ. શ્રી હરિદાસજી બાપુ ગુરૂશ્રી કરણદાસજી બાપુ તેમજ સુરત-શ્રી પંચમુખી હનુમાન-ઉદાસી આશ્રમના મહંત પૂ. શ્રી સંતદાસબાપુ-તાલાલા ગીર -ઉદાસીન આશ્રમના મહંત પૂ. શ્રીસતનામદાસ બાપુ-પોરબંદર મીવાણી-ઉદાસીન આશ્રમના મહંત પૂ. શ્રી બ્રહ્મમુનીજી જુનાગઢ-શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ અખાડાના મહંત પૂ. શ્રી ગંગાદાસજી મહારાજ-જામવાડી,જામવાડી (ગીર) શ્રીઉદાસીન આશ્રમના મહંત શ્રી હરીદાસજીબાપુ ગુરૂશ્રી શ્યામદાસબાપુ કોટવાલ પ.પૂ. મહંતશ્રી લવકુશમુનીજી સહિતનાં સંતો-મહંતોના હસ્તે થયેલ.

આ પ્રસંગે જામનગર જિલ્લો-ગીર પંથકમાંથી વિશાળ સંખ્યામાં મહાત્માઓ પધાર્યા હતા. ભજન-ભોજન અને સત્સંગનો ત્રિવેણી સંગમ થયેલ હતો. ''ભોલેબાબા કી જય'' ''ભોલેદાસજી બાપુ કી જય'' ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠેલ હતું. મીની શિવરાત્રીના મેળા જેવો માહોલ સર્જાયેલ હતો.

સમગ્ર મંદિરને -રામવાડી ને લાઇટ-ડેકોરેશન તેમજ અનેરા પુષ્પહારોથી સુશોભિત કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવાં ''રામવાડી'' ગૃપના દરેક યુવાનોએ જહેમત ઉઠાવેલ હતી તેમ જોડીયા રામવાડીના ભકતજનો મહેશભાઇ વડેરાએ જણાવેલ  છે.

આ પ્રસંગે સર્વે મીડીયાનો આભાર જોડીયા રામવાડીના  સેવક શનીભાઇ વડેરાએ વ્યકત કરેલ.(૧.૧૦)

(11:56 am IST)