Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

સત્તાધારમાં ‘શ્રધ્‍ધા'નો ચમત્‍કારઃ દર્શનાર્થી પરિવારનો ભુલાઇ ગયેલ થેલો મળી ગયો

પૂ. આપાગીગા, પૂ. શામજીબાપુની જયાં અમિદ્રષ્‍ટિ વરસે છે તેવી પાવનકારી જગ્‍યા એટલે સતનો આધાર સત્તાધાર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૬ :.. રવિવારની રજાનો દિવસ હતો અને ભાવિક પરિવારને થયુ કે ચાલો આજે પરીવાર સાથે સતાધાર પૂ. આપાગીગા, પૂ. શામજીબાપુ અને પૂ. ભુતડાદાદાનાં દર્શને જઇએ અને ટેક પુરી કરી આવીયે મનમાં એક ભાવ ઉભો થયો અને બસ તુરત અમલ કર્યો. ભગવાનનું નામ સ્‍મરણ સાથે સતાધાર દર્શને ઉપડયા. વાહનની મુસાફરી બાદ સત્તાધાર પૂ. આપાગીગા, પૂ. શામજીબાપુની જગ્‍યામાં આવી પહોંચ્‍યા. લગ્નગાળાની સીઝન હોવા છતાં શ્રધ્‍ધાળુઓ-ભાવિકોની દર્શનાર્થે ભીડ હતી. પૂ. આપાગીગા, પૂ. શામજીબાપુનાં સમાધી સ્‍થાનનાં પૂર્ણ શ્રધ્‍ધા સાથે દર્શન કર્યા. ઉપરાંત મંદિર પરીસરમાં આવેલા ધાર્મિક સ્‍થળોનાં દર્શન કર્યા. કંઇક શ્રધ્‍ધાળુ પોતાની માનતા પુરી કરવા આવેલા આ સાથે જ પૂ. ભુતડાદાદાનાં પણ દર્શન કર્યા બાદ સૌ સાથે બેસી પ્રસાદ પણ લીધો હતો. અને ત્‍યારબાદ પરીવારજનો સાથે આસપાસ ફરવા લાગ્‍યા. આમ ફરતા ફરતા એક કલાક ઉપરાંત સમય થઇ ગયો હતો. ત્‍યાં ઓચીંતુ યાદ આવ્‍યું કે આપણી પાસે પાકીટ (પોર્ટફોલીયો) હતો તે કયાં છે ? તપાસ કરતાં યાદ આવ્‍યું કે પૂ. આપાગીગા, પૂ. શામજીબાપુની જગ્‍યાનાં પ્રવેશની બહાર પૂ. શામજીબાપુનું કટઆઉટ જયાં જોવા મળે છે એ કટ હાઉસ પાસે ઓટલા ઉપર પાકીટ (પોર્ટફોલીયો) મુકયું હતું. જે યાદ આવતાં તેની તપાસ કરતાં નિયત જગ્‍યાએ પાકીટ એજ સ્‍થિતિમાં વિશ્વવંદનીય પૂ. શામજીબાપુનાં કટઆઉટ પાસે જોવા મળ્‍યું હતું.

 પાકીટ ખોલતાં રોકડ રકમ, કિંમતી ચીજ વસ્‍તુઓ અને ડોકયુમેન્‍ટ યથાવત અને બધી જ વસ્‍તુ એમને એમ સચાવેલી પડી હતી.

આ જોઇ મનોમન સંતોનાં દર્શન કર્યા  મસ્‍તક ઝૂકાવી અને હાથ આપોઆપ પ્રણામની મુદ્રામાં ગોઠવાઇ ગયા. વાત આ નાની સુની નથી કારણ કે જયાંથી અનેક લોકો પસાર થતાં હોય પાકીટ બિલકુલ રેઢુ પડયું હોય અને કોઇ લઇ જાય તો પણ લઇ શકે તેમ હોવા છતાં પાકીટ મળી આવ્‍યું હતું અને આ વાત ભલે નાની ગણાય પરંતુ અમે તો તેને અંતરમાં સમાવી છે. કારણ કે આ નાનકડી વાત દ્વારા જ અમોને સંતોનો સાક્ષાત્‍કાર ગણો કે ઇશ્વરની અનુભૂતિ કે શ્રધ્‍ધાનો ચમત્‍કારનો પરચો અમોને હાજરાહજુર મળ્‍યો છે. ત્‍યાર સંતોને પ્રણામ કરીએ છીએ.

સતાધારની જગ્‍યાકે જયાં પૂ. આપાગીગા, પૂ. શામજીબાપુ, પૂ. ભૂતડાદાદા દિનદુઃખીજનોનાં દુઃખ દર્દ દૂર કરે છે. સુખનો રાજીપો આપે છે. અવારનવાર ભાવિકો ભકતજનોની હાજરાહજુર રહી મનોકામના પૂણૃક રે છે અને ભકતજનો પણ મનોકામના પૂર્ણ થતાં પોતાની માનતા ઉતારવા અહી પહોંચે છે. એવી સતાધારની જગ્‍યા કે જયાં પૂ. આપાગીગા, પૂ. શામજીબાપુ તેમજ સંતોએ દિનદુઃખીયાઓની સેવા કરી છે. જયાં ટુકડો ત્‍યાં હરી ઢુકડોની કહેવત ચરીતાર્થ કરી છે. અહીં આવનાર દર્શનાર્થી ભાવિકોને નાતજાતનાં ભેદભાવ વિના પ્રેમથી પ્રસાદ ભોજન કરાવેલ છે. એવી પાવનકારી જગ્‍યામાં દૂરદૂરથી ભાવિકો મોટી સંખ્‍યામાં દર્શનાર્થે આવે છે. સૌને પ્રેમથી પ્રસાદ ભોજન કરાવવામાં આવે છે. વર્તમાન ગાદીપતિ પૂ. વિજયબાપુની સીધી દેખરેખ હેઠળ અહીં સેવાકીય પ્રવૃત્તિ, ધાર્મિક કાર્યો, ગૌશાળા તેમજ અનેક પ્રકારના સેવાના કાર્યો સાથે જગ્‍યાનો વિકાસ પણ થઇ રહ્યો છે. અહીં આવનારા ભાવિકોને કોઇ અગવડતા ન પડે તે માટેની પણ સુંદર વ્‍યવસ્‍થા નિઃસ્‍વાર્થ ભાવે કરવામાં આવી રહી છે. ત્‍યારે સૌરાષ્‍ટ્ર કચ્‍છ ગુજરાત તેમજ દેશભરમાં પ્રખ્‍યાત એવી સુપ્રસિધ્‍ધ સતાધારની પાવનકારી પવિત્ર ભૂમિ અને જગ્‍યાની ભાવિકો-દર્શનાર્થીઓએ અચુક મુલાકાત લેવી. ‘જય આપાગીગા, જય શામજીબાપુ...'

(1:23 pm IST)