Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

પડધરી - ટંકારા વિસ્‍તારમાં પંજાની લીડ નિકળે તો કગથરા રિપીટ, પણ ભર્યુ નાળિયેર !

ગામે ગામ કોના મત વધુ નિકળશે તેના ઉપર દાવ મંડાયા, લાખોની હારજીત છતાં મતદારોનું મન અકળ : રંગપરમાં સૌથી વધુ ૯૪.૧%, સૌથી ઓછું મકનસર-૩ બૂથમાં ૪૧.૨% અને કુલ મતદાન ૭૧.૧૮% : ગત વર્ષ કરતા ૩% ઓછું મતદાન

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા તા. ૬ : ટંકારા પડધરી વિસ્‍તારમાં ધારાસભાને ચૂંટણીમાં મતદાન પછી પણ મતદારોમાં અકળ મૌન છે. તેના મનને ભાજપ તથા કોંગ્રેસ પક્ષ તાગી શકતો નથી. બંને પક્ષના જીતના દાવા છે અને લાખોની હારજીત થશે.

ટંકારા પડધરી વિસ્‍તારમાં મતદાન પુરૂં થયું ત્‍યારથી જ ભાજપ તથા કોંગ્રેસના આગેવાનો રાત દિવસ ગામે ગામના મતદાનના આંકડાઓ મેળવી સમીકરણો માંડી રહેલ છે. બુથ લેવલે તથા ગામ લેવલે મતદાનની ગણતરી કરી કોને કેટલા મત મળશે તેની ગણતરી કરાય છે. પરંતુ આપના ઉમેદવાર કેટલા મત લઈ જશે તે અંગે દ્વિધા છે.

મતદાન પૂરૂ઼ થયા પછી ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયાએ ટંકારા ખાતે જીતનો દાવો કરેલ, તેમજ કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ કગથરાએ પણ પોતે આ વખતે ધારાસભ્‍ય તરીકે રીપીટ થાય છે તેમ જણાવેલ અને જીતનો દાવો કરેલ ટંકારા સીટ ઉપર ૭૧.૧૮% મતદાન થયેલ છે સૌથી વધુ મતદાન રંગ પર ૯૪.૧% અને સૌથી નીચું મતદાન મકનસર ૩ બુથમાં ૪૧. ૨ ટકા થયેલ છે ગત વર્ષ કરતા મતદાનની ટકાવારી ત્રણ ટકા જેટલી ઓછી છે.

મતના સમીકરણોમાં મોરબીના રવાપર ટંકારા અને પડધરીની લીડ મતદાનના આંકડાઓ અસર કરતા છે.

ટંકારા પડધરી સીટના પરિણામ ઉપર લાખોની હારજીત થશે. હારજીતના ભાવો અપાય છે. અમુક લીડથી વધુ મત, મત દીઠ ભાવ તથા હવે ગામેગામ કોના મત વધુ નીકળશે તેના પર દાવ મંડાઇ રહેલ છે.

ટંકારા સીટ ઉપર સાચો જંગ ભાજપ તથા કોંગ્રેસ વચ્‍ચે છે પરંતુ તેમાં આપના ઉમેદવાર કેટલા મતો ખેંચી જાય છે અને તે કોને નુકસાન કરતા કે લાભ કરતા થશે તે એક પ્રશ્ન છે.

મોરબી વિસ્‍તારના ગામડાઓમાં કોની લીડ નીકળશે તે જોવાનું રહેશે પડધરી ટંકારા વિસ્‍તારમાં જો પંજાની લીડ નીકળે તો ધારાસભ્‍ય રીપીટ થશે.

ટંકારા-પડધરી વિધાનસભા વિસ્‍તારની ચૂંટણીમાં અધિકારીઓના સુંદર આયોજન અને વ્‍યવસ્‍થાથી ચૂંટણી કર્મચારીઓમાં રાહત અને આનંદની લાગણી અનુભવાયેલ.

ટંકારા-પડધરી વિધાનસભા ચૂંટણીનું આયોજન તથા વ્‍યવસ્‍થા ઓરપેટ સંકુલ ખાતે કરાયેલ. તેમાં ચૂંટણી અધિકારી ડી. સી. પરમાર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી ટંકારા તથા અન્‍ય અધિકારીઓ દ્વારા સુંદર આયોજન તથા વ્‍યવસ્‍થા કરાયેલ.

આ કામગીરીમાં નાયબ મામલતદારો આસિસ્‍ટન્‍ટ તાલુકા વિકાસ અધિકારી બંને કચેરીઓના સ્‍ટાફ તથા નિમાએલ ચૂંટણી અધિકારીઓ દ્વારા ખુબજ વ્‍યવસ્‍થિત સરસ કામગીરી કરાયેલ.

ડિસ્‍પેચિંગᅠᅠ કામગીરી ખૂબ જ ઝડપીતેમજ શાંતી થી કરાયેલ. ૧૧ વાગ્‍યાં સુધીમાં ૩૦૦ બુથના અધિકારીઓ સ્‍ટાફ, બસો તથા વાહનો બુથ પર જવા રવાના થઇ ગયેલ.સવારે ચૂંટણી ફરજ ઉપર મુકાયેલ ચૂંટણી સ્‍ટાફ માટે નાસ્‍તાની વ્‍યવસ્‍થા કરાયેલ.

અધિકારીઓના સુંદર આયોજન અને જહેમત થી ૩૦૦ બુથમાંથી ફક્‍ત પાંચ જ બુથ ઉપર વીવીપેટ બદલવા પડેલ. ઇવીએમ મશીનના ફોલ્‍ટની ફરીયાદ પણ નહિવત હતી.

તારીખ ૩ ના સાંજના પણ રિસીવિંગ કામગીરી ઝડપી થયેલ. સાંજના મતદાન મથકેથી પરત આવેલ સ્‍ટાફ પાસે થી ઈવી એમ મશીન,ચૂંટણી સાહીત્‍ય કાળજી પુર્વક મેળવાયેલ.

ચૂંટણી સ્‍ટાફને સાંજે રીંગણાનો ઓળો, સેવ ટમેટાનું શાક, પરોઠા,ખીચડી, કઢી, છાશ સલાટ અને લાઈવ ભજીયા ચટણી જમાડાયેલ.

રાત્રિના ૧૨ વાગ્‍યા સુધીમાં તો તમામ ચૂંટણી સાહિત્‍ય ઈવીએમ મશીન સેટ સાથે કંપ્‍લિટ કરી મોરબી ખાતે વાહનમાં રવાના કરાયેલ.

આ ચૂંટણીમાં એક પણ ગેરરીતી કે પોલીસ ફરિયાદ નથી. કોમ્‍પ્‍યુટર સ્‍ટાફે પણ ઝડપી કામગીરી કરી વાંકાનેર સીટ મોરબી સીટના કરતા સૌથી પહેલા ૩૦૦ બુથના મતદાનના આંકડા, ટકાવારી જાહેર કરેલ.

પોલીસ સ્‍ટાફ, હોમગાર્ડ, મિલેટ્રી સ્‍ટાફ દ્વારા ફરજ બજાવેલ.પી એસ આઈ તથા અધિકારીઓએ રાઉન્‍ડ ધ કલોક સુપર વિઝન કરેલ. ચૂંટાયેલા પદાધિકારી તથા ઉમેદવાર ને પણ મોબાઇલ મતદાન મથકમાં લઇ જવા દેવાયેલ નહિ. દર ચૂંટણી સમયે, અધિકારીઓ તથા કર્મચારીઓમાં ટેન્‍શન અને નાની-મોટી ફરિયાદો હોય છે. પરંતુ આ ચૂંટણીમાં અધિકારીઓ તથા કર્મચારીઓએ આનંદથી ફરજ બજાવેલ અને ચૂંટણી અધિકારીઓના આયોજન અને વ્‍યવસ્‍થાને બિરદાવેલ.

(11:49 am IST)