Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ધોરાજીનું હડમતીયા ગામ છેલ્લા ચાર ટર્મથી સમરસ : સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ ગ્રામ પંચાયત

ધોરાજી :રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની જન્મભૂમિ એવા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની હડમતીયા ગ્રામપંચાયત મહિલા અનામત તરીકે સમરસ થઈ છે. છેલ્લી ચાર ટર્મથી હડમતીયા ગ્રામ પંચાયત સમરસ થઇ રહી છે.

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના હડમતીયા ગામની ગ્રામ પંચાયત સમરસ થઈ છે.

હડમતીયા ગામ ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની જન્મ ભૂમિ છે. જવાહર ચાવડાના પ્રયાસથી આ ટર્મમાં ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ અને મહિલા સદસ્ય બિન હરીફ થયા છે. સ્થાનિકોએ આ ગામમાં છેલ્લા ચાર ટર્મથી ચૂંટણી નહીં યોજવાનો નિર્ણય કર્યો છે. જેથી આ ગામમાં છેલ્લા ચાર ટર્મથી આ ગ્રામ પંચાયત સમરસ થતી આવે છે.

ગામની સુવિધાની વાત કરીએ તો ગામમાં પેવર રોડ, સીસી રોડ અને પીવાનું શુધ્ધ પાણી વિતરણ વ્યવસ્થા છે. અહીંના સ્થાનિકોનું કહેવું છે કે ગામમાં સરકારી શાળાનું નવું બિલ્ડિંગ છે. એમાં ચાર ઓરડા છે જે વધારી અને આઠ ઓરડા કરવાની જરૂર છે. ગામમાં રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે. સ્થાનિકો ગ્રામ પંચાયતના સરપંચ તરીકે આવેલ મહિલા સદસ્ય અને સરપંચ પાસે એવી આશા રાખી રહ્યા છે કે ગામને સીસીટીવી કેમેરાથી સજજ કરવામાં આવે.

નવા મહિલા સરપંચએ પણ ગ્રામજનોએ એમની પર મુકેલ વિશ્વાસને સાર્થક કરી બતાવવાનું અને લોકોને તમામ પ્રાથમિક સુવિધાઓ આપવાની ખાતરી આપી છે. અને ગામના વિકાસના કામને અગ્રતા આપવામાં આવશે એવું જણાવેલ હતું.

હડમતીયા ગામમાં છેલ્લા 20 વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. અહીંના પૂર્વ સરપંચનું કહેવું છે કે ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રીના સહિયારા પ્રયાસથી ગામની ગ્રામ પંચાયત સમરસ બની છે. ગામ લોકોએ ચૂંટણી ના યોજવા અને મહિલાઓને સુકાન સોંપવા નિર્ણય કર્યો હતો. ગામમાં ગત ટર્મમાં વિકાસના દરેક કામો થયા છે. ગામ ધોરાજી તાલુકાનું સ્વસ્થ અને સુંદર ગામ છે.

અહી ગ્રામ પંચાયતમાં હવે સરપંચ તરીકે મહિલા અને સભ્ય તરીકે મહિલાઓએ સુકાન સાંભળ્યું છે. તલાટી મંત્રી પણ મહિલા છે. સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ આ ગામમાં પૂરું થતું જોવા મળે છે. ગામમાં પંચાયત કોમ્પ્યુટરથી સજજ છે. ગામ લોકોને ગ્રામ્ય લેવલે સરકારની દરેક યોજનાનો લાભ મળી રહે છે.

(7:01 pm IST)