Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

કોરોના વેકિસનેશન માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા વિશિષ્ટ પગલું : રસી લેનારને આપશે સ્માર્ટફોન

ગાયત્રી મોબાઇલ વર્લ્ડના સહયોગથી ડ્રો મારફતે છ સ્માર્ટફોન આપવાની જાહેરાત

જામ ખંભાળિયા,તા. ૬ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હાલ કાબૂમાં છે. પરંતુ એમિકોન વાયરસના વધતા જતા કેસો તેમજ કોરોના સામે સાવચેતીના પગલારૂપે ચાલી રહેલા વેકિસનેશન કાર્યક્રમને વેગ મળે તથા મહત્ત્।મ લોકો કોવિડ વેકિસનના બંને ડોઝ તાકીદે લઈ લ્યે તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા વિશિષ્ટ અને નક્કર આયોજનના ભાગરૂપે આગામી સપ્તાહમાં વેકિસન લેનાર વ્યકિતઓને ડ્રો મારફતે સ્માર્ટ ફોન આપવાનું  નકકી કરવામાં આવ્યું છે. આ માટે અહીંના જાણીતા ગાયત્રી મોબાઇલ વર્લ્ડનો સહયોગ સાંપડ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેર, ખંભાળિયા ગ્રામ્ય, સલાયા, દ્વારકા તથા ઓખા અર્બન અને ઓખા તાલુકા મળી કુલ છ વિસ્તારના જુદા જુદા કેન્દ્રો ખાતે સોમવાર તારીખ ૬ થી આગામી રવિવાર તારીખ ૧૨ ડિસેમ્બર સુધી કોરોના વેકિસનનો પ્રથમ કે બીજો ડોઝ મુકાવે, તે વ્યકિતઓને ચોક્કસ ડિજિટનો કોડ આપવામાં આવશે અને આ કોડના ડ્રો મારફતે જુદા-જુદા ૬ વ્યકિતઓને સ્માર્ટફોન ભેટ તરીકે આપવામાં આવશે. આ સ્માર્ટ ફોન અહીંના જાણીતા ગાયત્રી મોબાઇલ વર્લ્ડવાળા પ્રશાંત સોમૈયાના સહયોગથી ભેટ અપાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૮ વર્ષથી ઉપરની વયના કુલ ૬.૦૨ લાખ પૈકી આજ સુધીમાં કોવિડ વેકિસનના પ્રથમ ડોઝ ૫.૪૨ લાખ અપાઇ ચૂકયા છે. જેની કામગીરી ૯૦ ટકા જેટલી પૂર્ણ થઈ ચૂકી છે. જયારે બીજો ડોઝ ૪.૨૪ લાખ વ્યકિતઓને આપવામાં આવ્યો છે.

આમ, બાકી રહેતું વેકિસનેશન તાકીદે પૂર્ણ થાય તે હેતુથી આરોગ્યતંત્ર દ્વારા તા. ૬ થી તા. ૧૨ ડિસેમ્બર સુધી મહત્ત્।મ સંખ્યામાં લોકો રસિકરણ યોજનાનો લાભ લ્યે તેવી અપીલ જિલ્લાની જનતાને જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવી છે.

(12:52 pm IST)