Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ધ્રોલના હમાપર જેવા નાના ગામની દીકરીએ પરિવારને સધિયારો આપતા આપતા મેળવ્યો ગોલ્ડ મેડલ...

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ૫ : ધ્રોલ તાલુકાના છેવાડાના હમાપર જેવા ગામની દીકરી સુમિતાબેન રાયમલભાઈ શિયારએ કાયમ ૧૩ કિમી સુધી અપડાઉન કરીને ધ્રોલ ખાતે આવેલા ગાર્ડી કોલેજમાં ઉચ્ચ અભ્યાસ એવા બી.એ.માં છેલ્લા વર્ષમાં તાજેતરમાં પરિણામ આવતા હિન્દી વિષયમાં પ્રથમ ક્રમાંકે ઉત્તિર્ણ થયેલ છે અને હિન્દી વિષયમાં ગોલ્ડ મેડલ મેળવવા પાત્ર હોવાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જાણ કરવામાં આવતા ધ્રોલ તાલુકાના સહિત હમાપર ગામ ના આહીર સમાજ ની દીકરી આ સિદ્ઘિનો આનંદ છવાયો છે.

હમાપર ગામ નાના ખેડૂત એવા સુમીતાબેન રાયમલભાઈ અને માતા લક્ષ્મીબેન ની ચાર સંતાનમાં સુમિતાબેન એ માતા પિતાના ઉચ્ચ અભ્યાસ માટે સતત પ્રેરણા આપી હોય અને દીકરી સુમિતા એ માતા-પિતાનું નામ રોશન કરી ઘરની તમામ પરિસ્થિતિ વચ્ચે હમાપર થી ૧૩ કિલોમીટર સુધીના અપડાઉન કરી અભ્યાસ કરીને બી.એ.ના છેલ્લા વર્ષમાં પ્રથમ નંબરે પાસ થતાં રોન.ગાર્ડી કોલેજના આચાર્ય વિજયભાઈ સોજીત્રા ને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ને જાણ કરેલ હોય અને આગામી તારીખ ૧/૨/૨૦૨૨ ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ડિગ્રી સમારંભ યોજાશે. જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે સુનિતાબેન આહીરને ગોલ્ડ મેડલ અર્પણ કરી બહુમાન કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખીય છે કે સુમિતાના માતા પિતા ખેડૂત હોય અને ચાર સંતાનો હોવાથી સુમિતા ખાનગી જોબ કરીને પરિવાર ઉપર બોજ બન્યા વગર અને પરિવારને પણ સંધિયારો આપતા આપતા ઉચ્ચ અભ્યાસમાં પૂરતું ધ્યાન આપીને અંતે બી.એ.ના છેલ્લા વર્ષમાં પ્રથમ નંબરે પાસ થઈને ગોલ્ડ મેડલ મેળવવાની સિદ્ઘિ પ્રાપ્ત કરતાં હમાપર ગામ સહિત સમગ્ર આહીર સમાજનું ગૌરવ વધારેલ છે અને આ વાતની જાણ હમાપર ગામમાં થતા આનંદ છવાયો છે.

(12:52 pm IST)