Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

વિસાવદર નગરપાલિકા 'સ્વચ્છ સર્વેક્ષણ - ૨૦૨૧'માં સમગ્ર રાજ્યમાં પ્રથમ : દેશમાં ૬૫માં ક્રમે : ગૌરવરૂપ ઘટના

પાલિકા પ્રમુખ કૌશિક વાઘેલા - ઉપપ્રમુખ ઘનશ્યામ ડોબરીયાએ કર્મચારીઓની પીઠ થાબડી અભિનંદન આપ્યા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા. ૬ : વિસાવદર નગર પાલિકાના પ્રમુખ શ્રી કૌશિકભાઈ વાઘેલા, ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામ ડોબરીયા તથા ચીફ ઓફિસર શ્રી પી.એસ.ચૌહાણે જાહેર કર્યો મુજબ 'સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૧'માં સમગ્ર રાજયમાં વિસાવદર નગર પાલિકાએ રાજયમાં પ્રથમ સ્થાન અને દેશમાં ૬૫મો ક્રમ હાંસલ કર્યો છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં મહત્વકાંક્ષી સ્વચ્છ ભારત મીશન યોજના હેઠળ દર વર્ષે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્રારા શહેરોમાં સ્વચ્છતા અંગે સર્વે કરવામાં આવે છે.જેમાં ગત વર્ષે સમગ્ર રાજયમાં વિસાવદર નગર પાલિકાનો દ્વિતીય નંબર આવ્યો હતો.આ વર્ષે પણ આજ સર્વે કરવામાં આવ્યો હતો અને જે સર્વેનુ પરિણામ ગત તા.૨૦-૧૧-૨૦૨૧નાં રોજ દેશના રાષ્ટ્રપતિ શ્રી રામનાથજી કોવિંદ દ્વારા જાહેર કરવામાં આવેલ છે.જેમાં ૨૫ હજારથી ઓછી વસ્તી ધરાવતી નગરપાલિકાઓમાં રાજય લેવલે વિસાવદર નગરપાલિકાએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે તેમજ દેશમાં ૬૫જ્રાફ્ર સ્થાન પ્રાપ્ત કર્યુ છે. ઉપરાંત ગાર્બેજ ફ્રિ સીટી રેટીંગમાં રાજયની તમામ નગરપાલિકાનાઓમાં વિસાવદર નગરપાલિકાએ નંબર વન સ્ટાર હાંસલ કરેલ છે.

'સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૧'માં સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાન અને દેશમાં પાંસઠમો ક્રમ મેળવવાનો સાચો શ્રેય વિસાવદર નગર પાલિકાનાં તમામ કર્મચારીઓ અને સેનીટેશન શાખાને ફાળે જાય છે તેમ ગૌરવ સાથે જણાવી પાલિકા પ્રમુખ શ્રી કૌશિકભાઇ વાઘેલા-ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઇ ડોબરીયા-ચીફ ઓફિસર શ્રી પી.એસ.ચૌહાણે તમામ કર્મચારીઓની પીઠ થાબડી અભિનંદન આપ્યા છે.

વિસાવદર નગર પાલિકાને સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૧માં રાજયમાં પ્રથમ સ્થાન અને દેશમાં પાંસઠમો ક્રમ મેળવવામાં પાલિકા પ્રમુખ વાઘેલા,ઉપપ્રમુખ ડોબરીયા, ચીફ ઓફિસર ચૌહાણ, હેડ કલાર્ક અરૂણકુમાર બી.ભટ્ટ, ટેક્ષ ઇન્સ્પેકટર એસ.પી.પાણેરી,એકાઉન્ટ બી.કે.જોષી,ઇજનેર વિશાલ પાંભર, સેનેટરી ઇન્સ્પેકટર રમેશભાઇ એમ.ડાંગર,સુપરવાઈઝર જયદેવ ડી. ભટ્ટ,રાજેશ આર.કવા,તાહેર એસ.વાઘ, સત્યજીત દાહીમા સહિતનાં કર્મચારીઓ, સફાઇ કામદાર ભાઇઓ-બહેનોનો સંપૂર્ણ સહયોગ રહ્યો હતો.

(12:51 pm IST)