Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

મોરબીમાં રાજકોટ નાગરિક બેંકના કર્મચારીએ ખાતા ધારકોના ૧.૯૨ કરોડની ઉચાપત કરી

કર્મચારી પ્રકાશ નકુમ ૨૦૧૯ થી ૨૦૨૧ દરમિયાન ૫૯ ખાતા ધારકોના રૂપિયા ચાઉ કરી જતા પોલીસમાં ફરિયાદ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૬ : મોરબીમાં રાજકોટ નાગરિક સહકારી બેન્કના કર્મચારી એ તેની નોકરી દરમિયાન ખાતેદારો પાસેથી નાણા લઈને બેંકમાં ખોટી એન્ટ્રી કરી ખોટા ખાતામાં રકમ જમા કરી ચેકમાં પોતાની સહી કરી નેટ બેન્કિંગ ચાલુ કરી ૧.૯૨ કરોડના નાણાની ઉચાપત કરી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર આવેલ રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે કામ કરતા ધર્મેશભાઈ કાશીરામ મોરે (ઉ.૪૬) એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી પ્રકાશભાઈ ગોવિંદભાઈ નકુમ રહે-મોરબી વાવડી રોડ કારિયા સોસાયટી તથા તપાસમાં ખુલે તે શખ્સોએ સને ૨૦૧૯ થી તા.૧૯-૭-૨૦૨૧ સુધીમાં આરોપી પ્રકાશ નકુમે રાજકોટ નાગરિક બેંકમાં કર્મચારી તરીકે નોકરી દરમિયાન આર્થિક લાભ લેવાના બદઈરાદે જુદા જુદા ખાતા ધારકો ની કોઈપણ જાતની રસીદ વગર પ્રી-મેચ્યોર કરી કોમ્યુટરમાં ખોટી એન્ટ્રીઓ કરી અને ખોટા ખાતામાં રકમ જમા કરાવી તેમજ પાસબુકના નેરેશન બદલીને ખાતાધારકના ચેકોમાં પોતે સહીઓ કરી ચેકનો ખરા તરીકે ઉપયોગ કરી કોમ્યુટરમાં ખોટી એન્ટ્રી કરી ખાતાધારકની જાણ બહાર નેટબેન્કિંગ ચાલુ કરી ઓનલાઈન ઉચાપતના નાણા ટ્રાન્સફર કરી કુલ-૫૯ ખાતાધારક સાહેદોના ખાતાની અંદાજીત કુલ પાકતી રકમ રૂ.૧,૯૨,૯૯,૦૬૪ ની નાણાકીય ઉચાપત કરી બેંકમાંથી અંગત ઉપયોગ માટે ઓળવી જઈ મજકુર ઇસમ તથા તપાસમાં ખુલે તે આરોપીઓએ બેંક સાથે ઠગાઈ વિશ્વાસઘાત કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

મોરબી એ ડીવીઝન પોલીસે બનાવ અંગે આઈપીસી ૪૦૯, ૪૨૦, ૪૦૬, ૪૬૫, ૪૬૭, ૪૭૧ મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ એસ. એમ. રાણા ચલાવી રહ્યા છે.

(11:50 am IST)