Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

રાજકોટ-હરમડીયા તથા રાજકોટ-ખરેડી વાયા લોધીકા રૂટ કેન્સલ થતા વિદ્યાર્થી-મુસાફરોમાં રોષની લાગણી

(સલીમ વલોરા દ્વારા) લોધીકા તા. ૬: રાજકોટ ડેપોની રાજકોટ-હરમડીયા તથા રાજકોટ ખરેડી વાયા લોધીકા આ બંને રૂટ કેન્સલ કરી દેવાતા વિદ્યાર્થી મુસાફરોમાં રોષની લાગણી વ્યાપી ગયેલ છે.

આ અંગે વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તા. પ નાં રાજકોટથી ૬-૦૦ કલાકે ઉપડતી રાજકોટ-હરમડીયા વાયા પાળ-રાવકી-લોધીકા રૂટ કેન્સલ કરવામાં આવેલ તથા રાજકોટ ખરેડી વાયા શાપર-લોધીકા રૂટ રાજકોટથી સાંજે ૭-૧૦ કલાકે ઉપડતી બસને પણ આગોતરી કોઇ જાણ કર્યા વગર બંધ કરી દેવાતા વિદ્યાર્થી-મુસાફરોમાં રોષની લાગણી ફેલાયેલ છે. આજ બંને રૂટ સવારે લોધીકાથી રાજકોટ પરત જાય છે જેમાં વિદ્યાર્થીઓ નિયમિત અપડાઉન કરે છે. વિદ્યાર્થીઓ પાસ કઢાવી આ બંને રૂટનો ઉપયોગ કરે છે ત્યારે આ બંને રૂટ આજે કેન્સલ થતા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ અભ્યાસ માટે રાજકોટ જઇ શકેલ નથી વિદ્યાર્થીઓના અભ્યાસ બગડે છે. વિદ્યાર્થીઓને ના છુટકે ખાનગી વાહનોમાં જવું પડે છે. રાજકોટ-એસ.ટી. તંત્ર દ્વારા છાસવારે રૂટ કેન્સલ કરી દેવાય છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ આ અંગે ઘટતું કરે તેવી વિદ્યાર્થીઓ-મુસાફરોની રજુઆત છે.

(11:47 am IST)