Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

બગસરાના મોટા મુંજીયાસરમાં દિપડાનો ભોગ બનેલા ખેડૂતનો મૃતદેહ બીજા દિવસે પણ ન સ્વીકારાયો

 બગસરા, તા. ૬ : બગસરા પંથકમાં દિપડાઓના હુમલાઓમાં વધારો થવા પામ્યો છે. વનતંત્રની બેદરકારીને કારણે દિપડાઓ બેખોફ રખડી રહ્યા છે. જેમાં થોડા દિવસ પહેલા સુડાવડ ગામેથી પકડાયેલા દિપડાને ઠાર મારવાના મામલે ગ્રામજનોને વનખાતા સાથે માથાકૂટ પણ થઇ હતી. આ દિપડાને સાસણ એનીમલ કેરમાં લઇ જવાતા આ દિપડો માનવભક્ષી હોવાનું ખૂલતા ગ્રામજનોને રાહત થઇ હતી, પરંતુ ગઇકાલે જ મોટા મુંજીયાસર ગામના ખેડૂત વજુભાઇ બોરડ (ઉ.વ.પપ) પોતાની વાડીએ સુતા હતાં ત્યારે અચાનક ફરી માનવભક્ષી દિપડો આવી ચડતા ખેડૂત ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને આખા શરીરે બટકા ભરી લેતા શરીરના સાત ભાગ કરી નાખ્યા હતા. આ ઘટનાના સમાચાર મળતાની સાથે જ ગ્રામજનોમાં આક્રોશ ફાટી નિકળ્યો હતો અને ખેડૂતની લાશને સ્વીકારવા માટે ઇન્કાર કરી દેતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ દિપડાએ આ જ ગામમાં ઓસરીમાં સુતેલા વૃદ્ધ ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા ફરી એકવાર દિપડાએ ખેડુતને ફાડી ખાતા ગ્રામજનોમાં વનખાતાની સામે આક્રોશ ફેલાયો છે.

દિપડાને મારી નાખવાની મંજૂરી આપો

આ પંથકમાં અનેકવાર દિપડાએ હુમલા કરી અનેકને મોતને ઘાટ ઉતારી દીધાના બનાવો બન્યા છે, પરંતુ વનખાતાને માનવીના બદલે પ્રાણીની ચિંતા હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ દિપડાએ અનેક પરિવારના સભ્યોને મારી નાખ્યા હોવાથી લોકરોષ ભભૂકી ઉઠયો છે જેના લીધે કાયદાનો ડર મૂકી લોકો પણ દિપડાને મારી નાખવાની મંજૂરી માગી રહ્યા છે. આમ, સરકાર દ્વારા દિપડાઓને મારવાના આદેશ નહીં કરે તો લોકો જાતે જ દિપડાનો સફાયો બનાવશે તેવું લોકરોષ જોતા લાગી રહ્યું છે.

(3:36 pm IST)