Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

આજે ૬ઠ્ઠી ડીસેમ્બર હોમગાર્ડ ડે

જામનગરના હોમગાર્ડ કમાન્ડટ ભટ્ટે રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવી ગુજરાતને ગૌરવ અપાવેલ

જામનગર તા.૬: સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં એક માત્ર સર્વોચ્ચ રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનારા તેમજ હોમગાર્ડઝ ક્ષેત્રે ૧૯૭૬માં ગવર્નર એવોર્ડ, ૧૯૮૦માં રાષ્ટ્રપતિ એવોર્ડ, પરશુરામ ગોલ્ડ મેડલ તેમજ સામાજિક ક્ષેત્રે પણ પ્રશંસનિય કામગીરી કરી જામનગર હોમગાર્ડઝનું નામ ભારતમાં રોશન કરનાર જિલ્લાનાં પૂર્વ હોમગાર્ડઝ કમાન્ડન્ટ શ્રી આર. એસ. ભટ્ટ ને મહાપાલિકા જામનગર દ્વારા પ્રતિષ્ઠિત મેયર એવોર્ડ આપવામાં આવ્યો હતો.

૧૯૫૨ થી ૧૯૯૪ ની હોમગાર્ડઝ યાત્રામાં શ્રી ભટ્ટે આપતિના સમયે વાવાઝોડા, ધરતીકંપ, કોમી હુલ્લડ, પ્લેનકેશ, મોરબી પુર હોનારત, ૧૯૬૫ તથા ૧૯૭૧ ની ભારત - પાક તથા ૧૯૬૨ ની ચીન સાથેની લડાઈ વખતે જાનની પરવા કર્યા વિના પ્રશંસનીય કામગીરી કરતાં રાજય સરકારે ૧૯૭૬ માં ગવર્નર એવોર્ડ, ૧૯૮૦ માં રાષ્ટ્રપતિ એવોર્ડ તથા ૧૯૯૪ માં સર્વોચ્ચ રાષ્ટ્રપતિ એવોર્ડ કેન્દ્ર સરકારે આપ્યો હતો. ૨૦૧૫ માં માનનીય ગર્વનરશ્રી તરફથી સ્કાઉટનો લાઈફ એચીવમેન્ટ એવોર્ડ મલ્યો.

ભટ્ટે સમર સેવા મંડલ, સંગ્રામ મેડલ, પશ્ચિમ સ્ટાર મેડલ, શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, બ્રહ્મ સમાજનો ગૌરવવંતો પરશુરામ ગોલ્ડ મેડલ સહિત અનેકવિધ એવોર્ડ તથા સર્ટીફીકેટસ મેળવ્યા છે. હોકી - ફૂટબોલ, એપ્લેટીકસ જેવી રમતોમાં રાજયકક્ષાએ ભાગ લઈ જામગનરનું ગૌરવ વધારી ચૂકયા છે. શિક્ષણ સમિતિમાં ચેરમેન તથા વાઈસ ચેરમેન પદે તેમજ મોઢ બ્રાહ્મણ જ્ઞાતિમાં આંતરરાષ્ટ્રિય પ્રમુખપદે સેવા આપી ચૂકયા છે. હાલ તેઓ જામનગર તાલુકા અભ્યુદય મંડળમાં પ્રમુખપદ સંભાળી રહ્યા છે. એક સમય એવો હતો કે પોલીસ ન પહોંચે એ પહેલાં શ્રી ભટ્ટ તથા તેમની ટીમે અનેક વખતે પહોંચીને હોમગાર્ડઝનું નામ રોશન કર્યું છે.

(1:05 pm IST)