Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

કલ્યાણપુર લાંચ કેસઃ PSI ભદોરીયાના રહેણાંક મકાને સર્ચ કરાતા રૂ. ર,૬૧,૦૦૦ ની રોકડ મળીઃ રિમાન્ડની તજવીજ

એસીબી ડીવાયએસપી હેમાંશુ દોશીના માર્ગદર્શન હેઠળ પીઆઇ સુરેજા ટીમની કામગીરી, ઝડપાયેલા પીએસઆઇને લોકઅપ કરાયા બાદ આજે વધુ પુછપરછ હાથ ધરાશે

ખંભાળીયા તા. ૬ :.. કલ્યાણપુર પોલીસ મથકના પીએસઆઇ શૈલેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ ભદોરીયા (એસ. એસ. ભદોરીયા) ને રાજકોટ એસીબીએ રૂ. ત્રણ લાખ લાંચ લેતા પોલીસ મથકમાં જ રંગે હાથે ઝડપી લેતા હાલારના પોલીસ બેડામાં ખડભડાટ મચી જવા પામ્યો હતો. ગત રાત્રીના કલ્યાણપુર ખાતેના તેમના પોલીસ કવાટર ખાતે એસીબી દ્વારા સર્ચ કરવામાં આવતા રૂ. ર,૬૧,૦૦૦ ની રોકડ મળી આવી હતી. આ સહિતની મીલ્કતો બાબતે તપાસ હાથ ધરી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ શૈલેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ ભદોરીયા (એસ. એસ. ભદોરીયા) ને તેમની જ ફરજનાં પોલીસ મથકમાંથી રાજકોટ એસીબીએ રૂ. ૩ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયા હતાં. કલ્યાણપુર પંથકના નિવૃત આર્મીબેનના પિતાને સરકાર દ્વારા સાંથણીની જમીન આપવામાં આવી હતી. જે જમીન પર કેટલાક શખ્સોએ દબાણ કર્યુ હોવાથી કલ્યાણપુર મામલતદાર દ્વારા દબાણ કર્યા સિવાયની જમીનનો કબ્જો સોંપેલ હતો જે જમીન ફરતે ફેન્સીંગ અને કાંટાની જાળીઓ કાઢવા માટે દબાણકારો ફરીયાદીને અડચણ ઉભી કરતા હોવાથી ફરીયાદી અરજદારે કલ્યાણપુર પોલીસ મથકમાં અરજી કરી હતી.

આ અરજી સંદર્ભે પીએસઆઇ ભદોરીયાએ દબાણ દુર કરવાનું કામ કરી આપવાનું જણાવી ફરીયાદી પાસેથી રૂ. ૩ લાખની માંગણી કરી હતી. જેની ફરીયાદી અરજદારે હાં જણાવી તુરંત એસીબીનો સંપર્ક સાધતા રાજકોટ એસીબી ડીવાયએસપી હેંમાશુ દોશીના માર્ગદર્શન અને સુચના થી એસીબી પીઆઇ સી. જે. સુરેજા સહિતની ટીમે ગત બપોરના સમયે જ કલ્યાણપુર પોલીસ મથકમાં છટકૂં ગોઠવી અરજદાર દ્વારા આપવામાં આવનાર રૂ. ૩ લાખ પી. એસ. આઇ. ભદોરીયા સ્વિકારતાં એસીબી ટીમે રંગે હાથ ઝડપી પાડયા હતાં.

એસીબીની સફળ ટ્રેપ અંગે માહિતી મળતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. એસીબી પીઆઇ સુરેજા દ્વારા જણાવ્યું હતું કે, પીએસઆઇ ભદોરીયાના કલ્યાણપુર પોલીસ કવાર્ટર ખાતે એસીબીએ સર્ચ કરતા રોકડ રૂ. ર,૬૧,૦૦૦ ની રકમ મળી આવી હતી. આ રકમ કયાંથી આવી કોણે આપી તેમજ અન્ય તેમની પાસે કેટલી મીલ્કત છે તે સહિતની બાબતે એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. આ કેસની વધુ તપાસ પોરબંદર એસીબી પીએસઆઇ એન. એચ. જાડેજા ચલાવી રહ્યા છે. તેમણે ઝડપાયેલા પીએસઆઇ ભદોરીયાને તાત્કાલીક લોકઅપ કરાયા હતાં.

જે બાદ આજે તેમની મિલ્કત સબંધી પુછપરછ હાથ ધરી એસીબી કોર્ટમાં રીમાન્ડ અંગેની તજવીજ હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગરથી સસ્પેન્ડ થયેલા પીએસઆઇ ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદ અને કમાઉ દિકરાની જેમ છેલ્લા કેટલાક વર્ષથી દ્વારકા જિલ્લામાં હરતા-ફરતાં ફરજ બજાવતા હતા અને અંદાજિત બે વર્ષથી વધુના સમયગાળાથી મલાઇદાર કલ્યાણપુર પોલીસ મથકમાં જ ચિપકી ગયા હતા. જિલ્લામાં કોન્સ્ટેબલથી  લઇ પીએસઆઇ સુધીની બદલીઓ કરવામાં આવે છે પરંતુ પીએસઆઇની કેટલાક સમયથી કલ્યાણપુર પોલીસ મથકમાં બદલી પણ કરવામાં આવેલ નહતી. ત્યારે ઝડપાયેલા પીએસઆઇ ભદોરીયાની એસીબી દ્વારા કોલ ડીટેઇલ તથા બેંક એકાઉન્ટ સહિતની ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવે તો લાખો -કરોડો રૂપિયાના બેનામી વ્યહાવર મળી શકવાની સંભવિતપણે શકયતા છે.

અને પીએસઆઇ સપડાયા

વિશ્વસનિય સુત્રોમાંથી મળતી માહિતી મુજબ લાંચ કેસમાં સપડાયેલા પીએસઆઇ ભદોરીયા 'વહીવટ' કામકાજમાં નિપુણ હોવાનું અનેક વખત સામે આવ્યું હતું. જેથી તે કેટલાક સમયથી એસીબીની સર્વેલન્સની રડારમાં હતા. જયારે આ વખતે એસીબીને સફળતા મળી હતી.

જામનગરમાં ફરજ દરમ્યાન પીએસઆઇને સસ્પેન્ડ કરાયા હતા

લાંચ માંગવાના આરોપસર રંગે હાથે ઝડપાયેલા પીએસઆઇ ભદોરીયા અગાઉ જામનગર એરપોર્ટ સિકયુરિટીમાં પીએસઆઇ તરીકે ફરજ બજવતા હોય ત્યાં ફરજમાં બેદરકારી દાખવતા જામનગર જિલ્લાના તત્કાલીન એસ.પી. પ્રદિપ સેજુળ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

(3:42 pm IST)