Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

સોમનાથમાં યાત્રિપથ યાત્રિકો માટે યાદગાર સંભારણુ : અમિતભાઇ શાહ

શ્રી સોમનાથ મહાદેવને અમિતભાઇ શાહ - પરિવાર દ્વારા ધ્વજારોહણ : ચોપાટી ઉપર ૪૫ કરોડના ખર્ચે નિર્માણધીન વોક-વે પ્રોજેકટનું ખાતમુહૂર્ત

વેરાવળ : શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમીતભાઇ શાહ આજે સોમનાથ મંદિરે તેમના ધર્મપત્નિ-પુત્ર-પુત્રવધુ-પૌત્રી સાથે દર્શનાર્થે પહોચેલ હતા. તેઓએ અભિષેક તથા પૂજા સામગ્રી અર્પણ કરેલ. આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પ્રવિણભાઇ લહેરી, જીતુભાઇ વાઘાણી, ભીખુભાઇ દલસાણીયા, રાજેશભાઇ ચુડાસમા, ચુનિભાઇ ગોહેલ,ઙ્ગ ઝવેરીભાઇ ઠકરાર, રાજશીભાઇ જોટવા, કિશોરભાઇ કુહાડા, જશાભાઇ બારડ, ગોવિંદભાઇ પરમાર, દિનુભાઇ સોલંકી, ડોલરભાઇ કોટેચા, શિવાભાઇ સોલંકી, રાજુભાઇ ધ્રુવ સહીત સ્થાનીક આગેવાનો જોડાયા હતા. અમિતભાઇ એ તત્કાલ મહાપૂજન અને ધ્વજાપુજન કરેલ હતું. આ પ્રસંગે પુજાચાર્યશ્રી ધનંજયભાઇ દવે એ પુષ્પહાર પહેરાવી તેઓનુ સન્માન કરેલ હતું. ટ્રસ્ટી સેક્રેટરી પ્રવિણભાઇએ શાલ તેમજ સ્મૃતિભેટ આપી અમિતભાઇ તથા અન્ય પરિવારજનો અને મહાનુભાવોનું સન્માન કરેલ હતું. (તસ્વીર - અહેવાલ : દિપક કક્કડ, વેરાવળ)(

 વેરાવળ તા. ૬ : પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહનું કાલે સાંજે આગમન થયા બાદ આજે શ્રી અમિતભાઇ શાહ અને પરિવારે ભગવાન શ્રી સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કરીને પૂજન - અર્ચન કર્યું હતું ત્યારબાદ શ્રી અમિતભાઇ શાહના હસ્તે રૂ. ૪૫ કરોડના ખર્ચે નિર્માણધીન વોક-વે પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

શ્રી અમિતભાઇ શાહ કાલે સાંજે તેમના પત્ની તથા પુત્ર, પુત્રવધુ અને પૌત્ર સાથે સોમનાથ ખાતે આવી પહોંચ્યા હતા.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અમિતભાઇ શાહ ગઇકાલે બુધવારે સમીસાંજે જગવિખ્યાત સોમનાથ તીર્થધામમાં આવી પહોંચતા સાગર દર્શન ખાતે વેદમંત્રોચ્ચાર સાથે સોમનાથ ટ્રસ્ટ અને ભાજપના અગ્રણીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. જયારે આજે સવારે સોમનાથ મહાદેવની પરિવાર સાથે પૂજા-અર્ચના કર્યા બાદ અંદાજે ૪૫ કરોડના ખર્ચે સોમનાથ ચોપાટી પર તૈયાર થનાર પદપથ નિર્માણનું ભૂમિ પૂજન કર્યું હતું.

આ તકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, સોમનાથમાં બનનાર યાત્રિક પથ યાત્રિકો માટે યાદગાર સંભારણુ બની રહેશે.

તાજેતરમાં ત્રણ રાજયોની ચૂંટણી પૂર્ણ થઈ અને બુધવારે બાકીના બે રાજયોમાં પ્રચાર પડઘમ શાંત થતા અમિતભાઇ શાહ બુધવારે સાંજે પરિવાર સાથે સોમનાથ આવી પહોંચતા સોમનાથ ટ્રસ્ટના સચિવ પી.કે. લહેરી અને સ્થાનિક ભાજપના અગ્રણીઓ દ્વારા તેઓનું સ્વાગત કરાયું હતું. દરમ્યાન અહીં સ્વાગત વિધિ બાદ શ્રી અમિતભાઇ શાહ સહિતનો કાફલો કાઠીયાવાડી ભોજન માટે ગડુ પાસે આવેલી નંદનવન હોટલમાં પહોંચ્યો હતો અને અહીં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય સહિતે કાઠીયાવાડી ભોજન લીધું હતુ.

દરમિયાન સોમનાથ મંદીરની ચોપાટી ઉપર ગુરૂવારે સવારે ગુજરાત પ્રવાસન નિગમ અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા ૪૫ કરોડને ખર્ચે નિર્માણાધીન સોમનાથ મંદિર સી-લીંક પથનું ખાતમુહુર્ત કર્યું હતું. આ યોજના સાકાર થતા નરીમાન પોઈન્ટ જેવો લૂક આવે તેવો આ પથ બનશે તેવું પણ ટ્રસ્ટના સુત્રોએ જણાવ્યું છે.

સાગરદર્શનથી શરૂ થઈને ત્રિવેણી સંગમ સુધી નિર્માણ થનાર યાત્રિપથમાં યાત્રીકોને સુંદર બેઠક વ્યવસ્થા સાથે ભકિતમય સંગીતની સુરાવલીઓનો પણ લાભ લઈ શકશે. સમૃદ્ર સાથે સોમનાથના સૌદર્યને નિહાળવા આધુનિક લાઈટીંગ વ્યવસ્થા પણ રાખવામાં આવશે. યાત્રિપથ ધાર્મિક, આર્થિક તેમજ દાર્શનીક અનુભુતિનુ ત્રિવેણી સંગમ સ્થળ બનશે.

(3:38 pm IST)