Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

પ૦૦ લોકોની પુછપરછ અને ૧પ૦ પોલીસ કર્મીની દોડધામથી પકડાયો બોટાદની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમ

તપાસનીશ પી. આઇ. એન. કે. વ્યાસ સહિત અધિકારીઓની મહેનત ફળી

 જૂનાગઢ તા. ૬ :.. પ૦૦ લોકોની પુછપરછ અને ૧પ૦ પોલીસ કર્મીની દોડધામથી આખરે બોટાદની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમને ગઇકાલે પકડી લેવાયા બાદ તેને રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ગત તા. ર૯ નવેમ્બરનાં રોજ બોટાદમાં પતંગની લાલચ આપી સાડા છ વર્ષની બાળકીને લક્ષ્મી નારાયણ પાર્ક બે ના ખુલ્લા પ્લોટમાં લઇ જઇ બાળકી પર બળાત્કાર ગુજારીને અજાણ્યો શખ્સ નાસી ગયો હતો.

અજાણ્યા શખ્સની હેવાનીયતાથી બોટાદ પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ બનાવનાં પગલે બોટાદમાં પી. આઇ. એન. કે. વ્યાસે તાત્કાલીક તપાસનાં ચક્રો ગતિમાન કરી દીધા હતાં.

આ બહુચર્ચિત બનાવને આઇ. પી. નરસિમ્હા કોમારની સુચનાના પગલે એસ. પી. હર્ષદ મહેતાએ ભાવનગર અને સુરત ખાતેથી સ્કેચ એક્ષપર્ટની મદદ લઇ નરાધમનો સ્કેચ જારી કરવામાં આવેલ.

તેમજ ડીવાયએસપી રાજદિપસિંહ નકુમ, પી. આઇ. એન. કે. વ્યાસ, એલસીબીનાં પીઆઇ એચ. આર. ગોસ્વામી, એસઓજીનાં એમ. એમ. દિવાન, રાજકોટ ડીસીબીના પી. એસ. આઇ. આર. સી. કાનમીયા સહિત ૧પ૦ જેટલા પોલીસ કર્મચારીઓની ૭ ટીમ  નરાધમને પકડવા માટે બનાવવામાં આવેલ.

સીસી ટીવી કેમેરા વગેરેની મદદ લેવા ઉપરાંત ૪પ૦ થી પ૦૦ જેટલા લોકોની પુછપરછ કરવામાં આવી હતી.

આખરે ગઇકાલે પીઆઇ એન. કે. વ્યાસ સહિતનાં પોલીસ અધિકારીઓની સતત દોડધામ -રાત ઉજાગરાના અંતે સાડા છ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ આચરનાર બોટાદના કુલદિપસિંહ ઉર્ફે અરૂણ રાજુભા પરમાર (ઉ.ર૪) ની ધરપકડ કરવામાં પોલીસ ને સફળતા મળી હતી.

નરાધમ કુલદીપ મુળ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાનો વતની છે. અને હાલ બોટાદમાં રહી હિરા ઘસવાનું કામ કરે છે. આ શખ્સ ધો. ૭ ભણ્યો છે ગત વર્ષે ધો. ૧૦ ની પરીક્ષામાં પોતાની જગ્યાએ બીજા વિદ્યાર્થીને બેસાડતા પકડાયો હતો. જે ગુનામાં ધરપકડ બાદ કુલદિપસિંહ પરમાર હાઇકોર્ટનાં જામીનનાં આધારે મુકત થયેલ.

આ નરાધમને તપાસનીશ પી.આઇ. એન. કે. વ્યાસે રીમાન્ડ ઉપર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

(12:12 pm IST)