Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

રઢિયાળી રાત - બે ભાગમાં બે દિ'નો ટીવી ઉપર કાર્યક્રમ

ચોટીલા તા.૬ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણી સંશોધિત-સંપાદિત પ્રાચીન લોકગીતો-રાસ-ગરબાનો વિશેષ કાર્યક્રમ 'રઢિયાળી રાત' ૨ ભાગમાં ડી.ડી. - ગિરનાર ટીવી ચેનલ પર રજૂ થશે. ૭ (ગુરુ) અને ૮ (શુક્ર) ડીસેમ્બરના રોજ પ્રસારણ સવારે ૯.૩૦ કલાકે અને પુનઃપ્રસારણ બપોરે ૨.૩૦ કલાકે થશે.

આપણી સંસ્કૃતિ અને સાહિત્યની મહામૂલી વિરાસતથી નવી પેઢી પરિચિત તેમ જ પ્રેરિત થાય એ હેતુથી ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન (જી.આઈ.ઈ.ટી.) અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક કાર્યક્રમનું નિર્માણ કરાયું છે. ઝવેરચંદ મેઘાણીની ૧૨૧મી જન્મજયંતી વર્ષ ચાલી રહ્યું છે તેથી આ કાર્યક્રમનું સવિશેષ મહત્ત્વ છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્ય પર વિશિષ્ટ અને ગહન સંશોધન કરેલુ. 'ધૂળધોયા'નું ભગીરથ કાર્ય કરેલું. લોકગીતોનો જયારે લગભગ નાશ થઈ ચૂકયો હતો તે વેળા એની શોધમાં નીકળેલા ઝવેરચંદ મેઘાણીએ ગામડાં ખૂંદ્યાં. અહીંતહીં છિન્નભિન્ન સ્વરૂપે ગીતો મળ્યાં તેના વેરણછેરણ ટુકડાઓના સાંધા જોડવા પ્રયાસ કર્યો. તેનું શુધ્ધ ગેય સ્વરૂપ મેળવ્યું. તેની અંદર જે કાવ્યતત્વ અસલ પડ્યું હોવું જોઈએ તે તપાસવા પોતાની કવિતાની સમજ, તર્કશકિત, કલ્પના અને છેલ્લે, પોતાની ચાતુરી પણ વાપરી. એ પછી બંધાયેલું જે અખંડિત સ્વરૂપ લાધ્યું તેને પોતાના સંગ્રહ 'રઢિયાળી રાત'માં મૂકયું. ૪૫૦થી વધુ પ્રાચીન લોકગીતો-રાસ-ગરબાનાં સંગ્રહ 'રઢિયાળી રાત'નો પહેલો ભાગ ૧૯૨૫માં અને ચોથો ભાગ ૧૯૪૨માં પ્રગટ થયો હતો. 'લોકગીતો માત્ર શુષ્ક ગ્રામીણ જોડકણાં નથી પણ લોક-આત્માનું અંતરતમ સૌંદર્ય ઝીલનારી કાવ્ય-કૃતિઓ છે. લોકગીતો જનતાના આત્માનાં સૌંદર્ય-ઝરણાં છે.' તેમ ઝવેરચંદ મેઘાણી લાગણીભેર કહેતા.

(11:50 am IST)