Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

અંજારની રાહુલ ગાંધીની સભા અંડર કરંટનો સંકેત?

હજારોની ભીડે ભુખ્યા તરસ્યા સાડા ત્રણ કલાક ધીરજ ધરી રાહ જોઇ, રાહુલ ગાંધી લોકો સાથે મળ્યા, કોંગ્રેસી નેતાઓ સાથે અંગત મુલાકાત કરીઃ યુવક કોંગ્રેસના કાર્યકરો-નાની બાળાઓ સાથે સેલ્ફી પડાવી

ભુજ તા. ૬ :.. છેલ્લી ચાર થી પાંચ ચૂંટણીઓને નજીકથી નિહાળી હોય તેવા કચ્છના પીઢ રાજકારણીઓ, અભ્યાસુ પત્રકારો અને રાજકીય વિશ્લેષકોમાં અત્યારે અંજારની રાહુલ ગાંધીની સભાની ચર્ચા છે.

વિષમ હવામાન વચ્ચે અંજારમાં ઉમટેલી દસ હજાર લોકોથી યે વધુની ભીડે સાડા ત્રણ  કલાક સુધી ભુખ્યા, તરસ્યા રાહુલ ગાંધીની રાહ જોઇ. જાણે, ઇંદીરા ગાંધીની રાજકીય કરિશ્માની અસર અનુભવાઇ.

તો રાહુલ ગાંધીએ પણ લોકોની વચ્ચે ભળીને પોતાની સરળ, મિલનસાર છબીને વધુ લોકપ્રિય બનાવી ને ઉંટ ગાડીની સવારી કરી યુવક કોંગ્રેસના નેતાઓ સાથે સેલ્ફી પડાવી કળશધારી  નાની બાળાઓને પણ વ્હાલકરી તેમની સાથે સેલ્ફી પડાવી. સભા પુરી થયા બાદ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ નેતાઓ અને  કચ્છ કોંગ્રેસના નેતાઓ તેમજ આગેવાનો, ઉમેદવારો સાથે અંગત મુલાકાત કરી ચર્ચા કરી હતી.

જો રાજકીય પરિસ્થિતિની વર્તમાન ચર્ચાની તટસ્થતાપૂર્વક વાત કરીએ તો એક સવાલએ પણ ઉભો થાય છે કે શું રાહુલ ગાંધીની અંજારની સભાએ અંડર કરંટનો સંકેત છે...?

(11:48 am IST)