Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

બોટાદ જિલ્લાના મતદારો ફોટો ઓળખકાર્ડની અવેજીમાં ચૂંટણી પંચે માન્ય કરેલા વૈકલ્પિક દસ્તાવેજો રજૂ કરી મતદાન કરી શકશે

બોટાદ તા. ૬ : બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવ્યા પ્રમાણે, વિધાનસભાની સામાન્ય ચૂંટણી - ૨૦૧૭ માટે ભારતના ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર પ્રથમ તબકકા માટે બોટાદ જિલ્લામાં તા.૯ના સવારના ૮ થી સાંજના ૫ વાગ્યા સુધી મતદાન યોજાનાર છે. મતદાન માટે આવતા મતદારોએ મતદાન મથકોએ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે ચૂંટણી કાયદા હેઠળ ચૂંટણી પંચે મતદાર ફોટો ઓળખકાર્ડ રજુ કરવા નિર્દેશ કરેલ છે. પરંતુ જો કોઇ મતદાર તેને આપવામાં આવેલ મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC) અથવા ચૂંટણી તંત્ર તરફથી મતદારોને આપવામાં આવેલી અધિકૃત મતદાર ફોટો કાપલી (VOTER SLIP) રજુ ન કરી શકે અથવા તેમાં દર્શાવવામાં આવેલ ફોટો મતદાર સાથે મળતો ના આવે તો વૈકલ્પિક દસ્તાવેજી પુરાવાઓ ભારતના ચૂંટણી પંચે માન્ય કરેલ છે.

ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવેલ આ વૈકલ્પિક દસ્તાવેજોમાં પાસપોર્ટ, ડ્રાઇવીંગ લાયસન્સ, ઇન્કમટેક્ષ (PAN) ઓળખકાર્ડ, રાજય સરકાર, કેન્દ્ર સરકાર, જાહેર સાહસો અથવા પબ્લીક લીમીટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવતાં ફોટા સાથેનાં ઓળખકાર્ડ, બેંન્કો અને પોસ્ટ ઓફિસો તરફથી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજના (NREGA) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેના જોબકાર્ડ, ફોટા સાથેના પેન્શન દસ્તાવેજો, નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) સ્કીમ હેઠળ RGI દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ, આધાર કાર્ડ, શ્રમ મંત્રાલય તરફથી આપવામાં આવેલ હેલ્થ ઈન્સ્યુરન્સ સ્કીમના સ્માર્ટકાર્ડ તેમજ સંસદસભ્ય / વિધાનસભ્ય / વિધાન પરિષદના સભ્યો દ્વારા આપવામાં આવેલ અધિકૃત ઓળખપત્રો  વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આથી બોટાદ જિલ્લામાં તા. ૯ ના રોજ યોજાનાર મતદાન સમયે મતદાન મથકે મતદાર પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC)/અધિકૃત મતદાર ફોટો કાપલી (VOTER SLIP) રજુ ના કરી શકે તો ઉપરોકત દસ્તાવેજી પુરાવાઓની આ વધારાની સવલત ચૂંટણી પંચે આપેલ છે. જે રજુ કરી મતદાર મતદાન કરી શકશે.

(11:42 am IST)