Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માવઠાની આગાહીના પગલે ખેડૂતોને તકેદારી રાખવા સુચના

દેવભૂમિ દ્વારકા તા. ૬ : હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને હાલમાં ઓખી નામના સાયકલોન ના કારણે કમોસમી વરસાદ/ માવઠાની આગાહી થયેલ છે. જે પરિસ્થિતિને જોતાં નીચે મુજબના તકેદારીના પગલા લેવા ખેડુતોને ભલામણ કરવામાં આવે છે.

ખરીફ સીઝનના લાંબા ગાળાના પાકો તેમજ રવી સીઝનના ઉભા પાકમાં આ અઠવાડીયા દરમિયાન પીયત ટાળવું જેથી વધારે ભેજવાળું હવામાન ટાળી શકાય અને રોજ જીવાતનો ઉપદ્રવ અટકાવી શકાય.કાપણી થયેલ પાક ખુલ્લા ખેતરમાં હોય તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી.  જીરૂ /વરીયાળીનો પાક કમોસમી વરસાદ / માવઠા પ્રત્યે ખુબજ સંવેદનશીલ હોય તેમાં ચરમી (કાળીયો), અથવા તો ભૂકીછારો જેવા રોગ થી પ્રભાવીત થઈ શકે છે જેથી જીરૂ/ વરીયાળી પાકને નુકશાન થઈ શકે છે. આવા ચરમી (કાળીયો)ના નુકશાનથી બચવા વરસાદ પહેલા અને વરસાદ પડ્યા બાદ તુરંતજ મેન્કોઝેબ ૭૫% વેટેબલ પાવડર નામનો ફૂગનાશક પાવડર ૨૫ થી ૩૦ ગ્રામ / ૧૦ લીટર પાણીમાં દેશી સાબુનું સંતુલીત દ્રાવણ ભેળવીને છંટકાવ કરવો. તેમજ ભૂકી છારો માટે સલ્ફર વેટેબલ પાવડર ૨૫ ગ્રામ /૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. વરસાદ પડ્યા બાદ છંટકાવ કરવો અતિ આવશ્યક છે.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ  અધિકારી/મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(વિ.), અથવા કિસાના કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર–૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવ્યું છે.

(1:07 pm IST)