Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

વાંકાનેરના ચંદ્રપુરમાં વોન્ટેડ નામચીન દાઉદ પકડાયોઃ પોલીસ પાર્ટી પર ખુની હુમલો કર્યો

કુવાડવાના મર્ડર કેસમાં સજા પડયા બાદ બબ્બે વખત પોલીસ જાપ્તામાંથી નાસી છુટેલ : વાંકાનેરના પીએસઆઇ એચ.જે.ધાંધલ તથા સ્ટાફે ઘરે છાપો મારતા છરીથી હુમલો કર્યોઃ પોલીસમેન ઘનશ્યામદાનને હાથમાં ઇજાઃ ખુની હુમલો છતાં આરોપીને દબોચી લેવાયો

તસ્વીરમાં વોન્ટેડ નામચીન આરોપી દાઉદ (નીચે બેઠેલા સાથે) વાંકાનેરના પીએસઆઇ ધાંધલ અને પોલીસ સ્ટાફ ઇન્સેટ તસ્વીરમાં પીઆઇ એચ.એન.રાઠોડ નજરે પડે છે.

રાજકોટ તા.૬ : વાંકાનેરના ચંદ્રપુર ગામે ગતરાત્રે વોન્ટેડ નામચીન આરોપીને પકડવા ગયેલ પોલીસ પાર્ટી પર છરીથી ખુની હુમલો થયો હતો જો કે તેમ છતાં પોલીસે વોન્ટેડ આરોપીને દબોચી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ કુવાડવાના મર્ડર કેસમાં સજા પડયા બાદ બબ્બે વખત પોલીસ જાપ્તામાંથી નાસી છુટેલ વોન્ટેડ નામચીન દાઉદ ઉર્ફે દાવલો આમદભાઇ જેસાણી, જાતે સંધી, રહે.ચંદ્રપુર, તા.વાકાનેર, ચંદ્રપુર ગામે પોતાના ઘરે આવ્યો હોવાની બાતમી વાંકાનેર પીએસઆઇ  એમ.જે.ધાંધલને મળતા પીઆઇ એચ.એન.રાઠોડ સાથે ગતરાત્રેે વોન્ટેડ દાઉદને ઝડપવા ચંદ્રપુર ગામે તેના ઘરે છાપો માર્યો હતો પરંતુ નામચીન દાઉદે પોતાની પાસે રહેલ ધારદાર છરીથી પીઆઇ ધાંધલ પર ખુની હુમલો કર્યો હતો પરંતુ તેઓ આ હુમલામાંથી બચી ગયા હતા અને તેની સાથે રહેલ પોલીસને ઘનશ્યામદાન ભરતદાનને જમણા હાથમાં છરી લાગી હતી.

પોલીસ પાર્ટી પર ખુની હુમલો કરવા છતાં પીઆઇ ધાંધલ તથા સ્ટાફે મચક આપી ન હતી અને વોન્ટેડ આરોપી દાઉદ જેસાણીને દબોચી લીધો હતો. ખુની હુમલો કરવા સબબ પીઆઇ એમ.જે.ધાંધલે ખુદ ફરિયાદી બની આરોપી દાઉદ સામે આઇપીસી ૩૦૭, ૩૩ર સહિતની કલમો તળે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પકડાયેલા આરોપી દાઉદ ઉર્ફે દાવલાને  કુવાડવાના મર્ડર કેસમાં આજીવન કેદની સજા પડી હતી. આ સજા પડયા બાદ આરોપી દાઉદ એકવાર રાજકોટ કોર્ટમાંથી અને એકવાર રાજકોટ સીવીલ હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપી નાસી છુટયો હતો. દાઉદ સામે ત્રણ ચોરી, બે મારામારી, મર્ડર સહિતના ગુનાઓ નોંધાયા છે.

(11:40 am IST)