Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ગારીયાધાર લોહાણા સમાજ દ્વારા હાર્દિક પટેલના નિવદનના વિરોધમાં આવેદન

ગારીયાધાર તા. ૬ :.. પાસના કન્વીનર હાર્દિક પટેલ દ્વારા જાહેર સભામાં જૂનાગઢના સેવાના ભેખધારી અને સર્વ જ્ઞાતિ સમાજના સ્વીકૃત ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ સામે આક્ષેપો કરીને અડધો અડધ જમીન તેમના નામે છે તેવા પાયા વિહોણા આક્ષેપો કરેલ છે. મહેન્દ્રભાઇ મશરૂએ સમાજ સેવા માટે લગ્ન ન કરી સમાજ ઉપયોગી આશય બ્લડ બેંક, અને અન્ય સેવાકીય સંસ્થાઓ ચલાવે છે જે ધારાસભ્ય હોવા છતાં પગાર પણ નથી લેતા તેમજ સરકારી સવલતોનો લાભ પણ નથી લેતા. તેવા રઘુવંશી સમાજના કર્મીનિષ્ઠ, પ્રમાણીક અને આદર્શરૂપ વ્યકિત સામેના પાયા વિહોણા હાર્દિક પટેલના આક્ષેપોને ગારીયાધાર રઘુવંશી સમાજ વખોડી કાઢે છે.

હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો તે સાબીત કરે અથવા મહેન્દ્રભાઇ મશરૂ અને રઘુવંશી સમાજની જાહેરમાં માફી માંગે અન્યથા રઘુવંશી સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારાઇ છે.

ગારીયાધાર લોહાણા સમાજ દ્વારા ગારીયાધાર મામલતદારને આવેદન પાઠવાયું હતું જેમાં જલારામ યુવક મંડળ, જલારામ સત્સંગ મંડળ સહિતના રઘુવંશી સમાજના અગ્રણીઓ જોડાયા હતાં. તેમજ આવેદન પત્ર માટે લોહાણા સમાજ દ્વારા રેલી યોજાઇ હતી શહેરના જાહેર માર્ગો પર હાર્દિકના નારાઓ સાથે ફરીને મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી.

 

(12:11 pm IST)