Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

હોસ્પિટલ સ્ટાફે દર્દીઓનો ૫૦ લાખનો સામાન પરત કર્યો

જામનગરની કોવિડ હોસ્પિટલે માનવતા મહેંકાવી : ૩૩૮ દર્દીઓના સામાનની સંભાળ રાખી વસ્તુઓ પાછી આપીને કોરોના વોરિયર્સ તરીકે પોતાની ફરજ અદા કરી

જામનગર, તા.૬ : જામનગરની જી.જી. હોસ્પિટલના કોવીડ-૧૯ બિલ્ડિંગમાં આર્મીમેનની સિક્યુરીટી ટીમ તેમજ નર્સ અને બ્રધર દ્વારા પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પડાયું .જી.જી.ના કોવીડ વોર્ડમાં દાખલ થયેલા ૩૦૦થી વધારે દર્દીઓના સોના-ચાંદીના દાગીના અને ૯૧,૫૩૯ જેટલી રોકડ રકમ સહિતની તમામ સામગ્રી પરત કરી દઈ સાચા અર્થમાં કોરોના વોરિયર બન્યા છે.

કોરોના મહામારી દરમિયાન જામનગરની સરકારી કોવીડ હોસ્પિટલમાં અનેક એવી બાબતો બની છે કે જેમાં ખાસ અત્યાર સુધીમાં હોસ્પિટલમાં ૩૩૮ જેટલા દર્દીઓ એવા હતા કે તેમની પાસે રહેલી ચીજવસ્તુઓની પોતે સારસંભાળ રાખી શકે તેમ ન હતા જેથી ત્યાં ફરજ બજાવતા ડોક્ટર, પેરા મેડિકલ, નર્સિંગ, વર્ગ-૪ ના કર્મી, સિક્યુરિટી સ્ટાફ અને અટેડન્સ દ્વારા દર્દીઓની આવી કિંમતી ચીજવસ્તુઓ સાચવીને રાખવાની સાથે દરેક દર્દીઓના સાગા સબંધીને અને પરિવારજનોને પરત આપી કોરોના વોરિયર તરીકે ફરજ અદા કરી છે.

જામનગરમાં છ માસ કરતા વધુ સમય સુધી કોરોનાએ હાહાકાર મચાવ્યો તેમાં અસંખ્ય દર્દીઓ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં આવ્યા હતાં. તેમાંથી ધણાં દર્દીઓના કોવિડ-નોનકોવિડના કારણે મૃત્યુ થયા હતાં. લગભગ ૩૦૦ જેટલા મૃત્યુ કેસમાં દર્દીઓ પાસેથી મળેલા ઘરેણાઓ મૃતકના પરિવારજનોને પરત કરવામાં આવ્યા હતાં. જેની કિંમત અંદાજે રૂ.૫૦ લાખ જેટલી થાય છે.

જામનગરની સરકારી હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લેનારા અને મૃત્યુ કેસમાં લાખો રૂપિયાના ઘરેણા મૂળ માલિકોને પરત કરી તબીબ સહિતના તમામ સ્ટાફે માનવતાનું અને પ્રામાણિક્તાનું ઉત્તમ ઉદાહરણ પૂરૃં પાડ્યું છે. ત્યારે કોવીડ હોસ્પિટલના સમગ્ર સ્ટાફની આ પ્રશંસનિય કામગીરીની આજે ખરા અર્થમાં બિરદાવવવાની તમન્ના લોકોમાં ઉઠવા પામી છે.

સ્ટાફ દ્વારા પરત કરવામાં આવેલી વસ્તુઓમાં રૂ. ૯૧૫૩૯ રોકડા, ૫૯ સોનાની બુટી, ૩૫ સોનાની વીંટી, ૪૬ સોનાના દાણા, ૩ સોનાના ચેન, ૨૫ ચાંદીના સાકરા, ૪ ચાંદીની કંઠી, ૮ ચાંદીની વીંટી, ૪ ચાંદીની માછલી, ૮ ચાંદીના કયડા, ૬૧ સોનાની બંગડી, ૧૧૫ એન્ડ્રોયડ મોબાઇલ, ૧૪૬ સાદા મોબાઇલ, ૧૪ ઘડિયાળ, ૨૯ ટેબલ પંખા, ૧૩૭ મોબાઇલ ચાર્જરનો સમાવેશ થયા છે.

(8:38 pm IST)