Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

અજાબમાં ખૂંખાર દિપડાનો આતંક

પાવર દિવસે આપવાની માંગ સાથે ખેડૂતોનું આવેદન

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૬: અજાબ ગામની સીમમાં ખેતરોમાં ખુંખાર દિપડો ફરી રહ્યો છે.ખેડુતોએ મોટા પ્રમાણમાં તુવેરની ખેતી કરી છે.જે તુવેરના ખેતરોમાં ખુંખાર દિપડો ફરી રહ્યો છે.

છેલ્લા આઠ દિવસથી ફરી રહેલા દિપડાના કારણે ખેડુતો અને શ્રમિકોમાં ભારે ખોફનાક આતંક છવાઈ ગયો છે.વિજ પુરવઠા વિભાગ દ્વારા રાત્રીના સમયે વિજ પુરવઠો આપવામાં આવે છે.જેના કારણે રાત્રે ખેતરમાં કામ કરતા ખેડુતો પર હુમલાની સંભવનાઓ વધી રહી છે.ખુંખાર દિપડાના હુમલાના ડરના કારણે ખેડુતોનું જીવન દોજખમાં મુકાઈ ગયું છે.

બે દિવસ પહેલાં જ રાત્રીના સમયે ખુંખાર દિપડાએ હરીભાઈ લાલજીભાઈના ખેતરમાં કામ કરી રહેલા લોકો પર અચાનક હુમલાનો પ્રયાસ કર્યો હતો.જોકે ખેડુતોએ ભારે બુમબરાડા મચાવતા દિપડો ભાગી છુટવામાં સફળ રહ્યા હતા.જયારે દિપડાનો હિંસક હુમલાનો નિષ્ફળ પ્રયાસ રહ્યો હતો.

દિપડાના હુમલાના પ્રયાસના કારણે ખેડુતો અને પરિવારજનોમાં ખોફનાક ડર છવાઈ ગયો છે.ખેડુતોએ સ્થાનિક મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું.જેમાં ખુંખાર અને લોહી તરસ્યા દિપડાના આતંકના કારણે ઈલેકટ્રીક સપ્લાય રાત્રીના બદલે દિવસના સમયે આપવા માંગ કરી છે.જો દિવસના સમયે વિજ પુરવઠો આપવામાં આવે તો ખુંખાર લોહી તરસ્યા દિપડાના હુમલાની સંભવના ઓછી રહેશે અને ખેડુતો તથા તેમના પરિવારજનોની સલામતી પણ જળવાઈ રહેશે.

(11:30 am IST)