Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ચૂંટણી પૂરી થયા પછી કચ્છમાં કોરોનાના કેસ વધીને ફરી ડબલ ફીગરમાં

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૬ : વિધાનસભાની પેટા ચુંટણી સમયે કચ્છના ચુંટણી વાળા ત્રણેય તાલુકાઓ કોરોના ફ્રી થઈ ગયા હતા તેમ જ અન્ય ૭ તાલુકાઓ સહીત સમગ્ર જિલ્લામાં કોરોના અંકૂશમાં આવી ગયો હોય તેમ કેસ ઘટીને સીંગલ ફીગરમાં આવી ગયા હતા. પણ, જેમ ચુંટણી પુરી થઈ તેમ ચુંટણી વાળા તાલુકા સહીત સમગ્ર કચ્છમાં કોરોનાના કેસ દેખાવા લાગ્યા છે. નખત્રાણામાં ૨ સહીત સમગ્ર જિલ્લામાં બે દિવસથી કોરોનાના કેસ ડબલ ફીગરમાં આવી ગયા છે. સતત બે દિવસ થયા બંને દિવસે ૧૩-૧૩ કેસ નોધાયા છે. આંકડાકીય રીતે જોઈએ તો કુલ દર્દીઓ ૨૮૦૪ થયા છે. સાજા થનાર ૨૪૯૪ છે. સારવાર હેઠળ ૧૯૬ દર્દીઓ છે. મોતનો આંકડો સરકારી ચોપડે ૭૦ છે, પણ બિનસતાવાર મોતનો આંકડો ૧૨૦ હોવાનું ચર્ચાય છે.

અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલને કોવિડ-૧૯ના દર્દીઓને જ્યારથી સારવાર માટે ઘોષિત કરવામાં આવી છે. ત્યારથી આજ સુધી દાખલ થયેલા કોરોના પોઝિટિવ ૧૩૯૩ આરડીઓ પૈકી ૬૦ વર્ષ ઉપરના ૨૫૬ દર્દીઓ સાજા થઇ નવજીવન પામ્યા છે.

જણાવ્યા અનુસાર અત્યાર સુધી કોરોનાના પોઝિટિવ અને નેગેટીવ સહિત કુલ ૨૩૭૨ દર્દીઓ દાખલ થયા હતા પરંતુ તેમાંથી ૧૩૯૩નો આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવતા તમામ વયજુથના ૧૩૯૩ દર્દીઓને જ સારવાર આપવામાં આવી તે પૈકી ૨૫૬ અર્થાત ૧૮ ટકા ૬૦ વર્ષની વયમર્યાદા વટાવી ચૂકેલા દર્દીઓને સાજા કરવામાં આવ્યા હતા.

જેમાં ૬૦ વર્ષથી વધુ વયના ૨૫૬ દર્દીઓની રિકવરી થઇ તેમ બાળકો અને કિશોર કહી શકાય તેવા ૧૫ વર્ષથી નીચેના ૧૨ બાળ દર્દીઓને પણ સારવાર આપી સાજા કરવામાં આવ્યા હતા અને જો કે હવે વિતેલા માસના બીજા પખવાડિયાથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં નિશ્ચિત સમયાંતરે ઘટાડો થઇ રહ્યો છે. જી.કે.ની ફલૂ ઓપીડીમાં પણ કેસ હવે ક્રમશઃ ઘટી રહ્યા છે.

સામાન્ય રીતે હોસ્પિટલમાં પથારીની ચાદરનો કલર સફેદ હોય છે પરંતુ જી.કે.જનરલ હોસ્પિટલના કોવિડ-૧૯માં ચાદર રોજેરોજ બદલી અને સ્વચ્છતા જળવાય એ માટે અઠવાડિયાના પ્રત્યેક વાર માટે જે કલર નિર્ધારીત કરવામાં આવ્યો હોય એ કલરની ચાદર પાથરવામાં આવે છે જેથી સંબંધિત કર્મી કાર્યમાં સુસ્તી ન દાખવે અને નિરીક્ષક સ્ટાફ તથા અધિકારીને પણ ખ્યાલ આવે કે બેડશીટ બદલાઇ છે.

(11:28 am IST)