Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

જૂનાગઢ જિલ્લા જેલ મોબાઇલ પ્રકરણમાં ૪ કેદી સામે નોંધાતો ગુનો - સઘન તપાસ

એસપીએ સરપ્રાઇઝ ચેકીંગ કરતા ૬ મોબાઇલ મળ્યા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૬ : જૂનાગઢ જિલ્લા જેલના મોબાઇલ પ્રકરણમાં પોલીસે ૪ કેદી સામે રાત્રે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જુનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી તેમજ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પી.આઇ. આર.કે.ગોહિલ, પીએસઆઇ ડી.જી.બડવા, એસઓજી પી.આઇ. એચ.આઇ.ભાટી, પીએસઆઇ જે.એમ.વાળા સહિતના પોલીસ સ્ટાફે ગઇકાલે બપોરના બે વાગ્યાથી જૂનાગઢ જિલ્લા જેલમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધર્યું હતું.

ચાર કલાકના આ સર્ચ ઓપરેશન દરમિયાન જૂનાગઢ જેલમાંથી ૬ મોબાઇલ ફોન, ચાર્જર, કેબલ વગેરે મળી આવેલ. કુલ રૂ. ૯ હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

આમ, જેલમાંથી પ્રતિબંધીત મોબાઇલ મળી આવતા પોલીસ કાફલો ચોંકી ઉઠયો હતો.  જૂનાગઢ જેલમાંથી અગાઉ પણ મોબાઇલ, ગુટખા, તમાકુ, બીડી સહિત પ્રતિબંધીત વસ્તુ મળી આવ્યાની ઘટના પોલીસ દફતરે નોંધાયેલ પરંતુ જેલમાં સીસીટીવી કેમેરા વગેરેથી દરેક હિલચાલ પર વોચ રાખવામાં આવતી હોય છે તેમ છતાં મોબાઇલ વગેરે જેલમાં કેદીઓ પાસે કઇ રીતે પહોંચી જાય છે તે સવાલ છે.

આમ, આ બાબતમાં જેલ પ્રશાસનની શંકાસ્પદ ભૂમિકા હોવાની શકયતા નકારી શકાતી નથી.

જૂનાગઢ જેલમાં ૬ મોબાઇલ વગેરે મળી આવવાના મામલે રાત્રે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કેદી મોહસીનખાન શબીરખાન પઠાણ, સાગર જીવાભાઇ ગઢીયા અને અન્ય બે અજાણ્યા કેદી વિરૂધ્ધ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

જેની આગળની તપાસ એ-ડીવીઝનના પીએસઆઇ વી.યુ.સોલંકી ચલાવી રહ્યા છે.

(11:27 am IST)