Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ભુજ શહેર, તાલુકા ભાજપ પ્રમુખના નામની ભલામણ અંગે ધારાસભ્ય નીમાબેન આચાર્યએ મુખ્યમંત્રીને લખેલો પત્ર વાયરલ થતાં રાજકીય ખળભળાટ

(ભુજ) કચ્છ ભાજપમાં નવા સંગઠન માળખાની થઈ રહેલી તૈયારીઓ દરમ્યાન જિલ્લા કક્ષાના નેતાઓ દ્વારા કરાતી ભલામણોએ રાજકીય ચર્ચા સાથે પક્ષમાં આંતરિક હલચલ સર્જી છે. અત્યારે સૌથી વધુ રાજકીય ઘમાસાણ અને ખેંચતાણ ભુજ શહેર ભાજપ પ્રમુખ માટે થઈ રહી છે. ભુજ શહેર ભાજપ પ્રમુખ તરીકે નવીન લાલનની જગ્યાએ કોણ આવશે? અહીં દરેક મોટા નેતાઓ ક્યાંક કોઈની ભલામણ કરી રહ્યા છે, તો ક્યાંક હોશિયાર દાવેદારો સામેથી પોતાના નામ માટેની ભલામણ કરાવવા માટે કચ્છ થી ગાંધીનગર સુધીના ચક્કર કાપી રહ્યા છે. જોકે, જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલની જગ્યાએ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કોણ આવશે તેની ચર્ચા કરતાંયે વધુ ચર્ચા અત્યારે ભુજ શહેર ભાજપની થઈ રહી છે. તેમાંયે આ ચર્ચામાં ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યના પત્રએ રાજકીય ગરમાટો સર્જ્યો છે.

કચ્છ ભાજપમાં જૂથવાદ છે...ધારાસભ્યના પત્રએ ખોલી પોલ..

આમ તો કચ્છ ભાજપમાં જૂથવાદ છે અને વારંવાર તે હકીકત આંતરિક રાજકીય લડાઈ સ્વરૂપે સામે પણ આવી ચૂકી છે. જોકે, જાહેરમાં પ્રદેશ ભાજપના આગેવાનો, કચ્છ ભાજપના પ્રભારી તેમ જ પ્રમુખ સહિત જિલ્લા ભાજપનું સંગઠન ભલે જૂથવાદને નકારે પણ સાંસદની ચૂંટણી દરમ્યાન કચ્છ ભાજપનો જૂથવાદ મોરબી સહિત કચ્છના દસે દસ તાલુકામાં અનુભવાયો. જોકે, ફરી જિલ્લા મથક ભુજ તરફ પાછા ફરીએ તો ભુજમાં ભુજ નગરપાલિકાની નબળી કામગીરી અને સમસ્યાઓના ઢગ વચ્ચે આંતરિક જૂથવાદ ચરમસીમાએ છે, એનો જ પડઘો ભુજ શહેર ભાજપ પ્રમુખની ચૂંટણીમાં પડી રહ્યો છે. ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્રમાં કચ્છ ભાજપમાં ચાલતા જૂથવાદની વાત લખીને પોલ ખોલી નાખી છે. ગ્રુપીઝમને કારણે ભુજ શહેરમાં ભાજપને ખૂબ નુકસાન ગયું હોવાની સ્પષ્ટ વાત નીમાબેને મુખ્યમંત્રીને લખેલા પોતાના પત્રમાં લખી છે. ભુજ શહેર માટે ભાડાના પૂર્વ ચેરમેન કિરીટ સોમપુરા અને ભુજ પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન ઘનશ્યામ સી. ઠકકર એ બન્નેમાંથી કોઈ એકને નિયુક્ત કરવા અને ભુજ તાલુકા ભાજપ માટે ધનજીભાઈ ભુવા અથવા રામજીભાઈને પ્રમુખ બનાવવા નીમાબેને મુખ્યમંત્રીને ભલામણ કરી છે. જોકે, નીમાબેન સાથે ગાંધીનગર સુધી રાજકીય પ્રભુત્વ ધરાવતાં દિલીપ ત્રિવેદી પણ સમંત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અન્ય નવ જેટલા દાવેદારોની ચાલતી વાતો વચ્ચે એકાએક શહેર પ્રમુખ માટે બે વાર ભાડાના ચેરમેન રહી ચૂકેલા કિરીટ સોમપુરાનું નામ પણ રાજકીય ગતિવિધિઓ તેજ બની હોવાની ચર્ચા છે., બીજી રાજકીય ચર્ચાઓ અને હલચલની વાત કરીએ તો,વર્તમાન સાંસદ તરફથી પ્રફુલસિંહ જાડેજાનું નામ, તો પૂર્વ રાજયમંત્રી તરફથી શીતલ શાહનું નામ મુકાયું હોવાની ચર્ચા છે. આ બધા વચ્ચે ક્ષત્રિય અગ્રણી મનુભા જાડેજા પણ મેદાનમાં છે. ભુજ થી ગાંધીનગર સુધી મનુભા જાડેજાએ લોબિંગ કર્યું હોવાની પણ ચર્ચા ભાજપ વર્તુળોમાં છે. તો,  યુવા અગ્રણી અને નગરસેવક જગત વ્યાસ પણ યુવા ભાજપના રાહુલવ ગોરની ભલામણ સાથે યુવા ચહેરા તરીકે સ્પર્ધામાં છે. જોકે, જે ભુજ શહેર ભાજપનો પ્રમુખ બનશે તેનો હાથ ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં ઉપર રહેશે. પણ, સામે મોટો પડકાર ભુજ નગરપાલિકાની નિષફળતા અને ભ્રષ્ટાચાર વચ્ચે ફરી વિજય મેળવવાનો રહેશે. જોઈએ હવે કોના પાસા સવળા પડે છે અને કોણ ભુજ શહેર ભાજપ પ્રમુખ બનવામાં સફળ થાય છે?

કેવી રીતે પત્ર થયો વાયરલ?

ધારાસભ્ય નીમાબેન સહિત કચ્છ ભાજપને જુથવાદના મુદ્દે ચર્ચામાં લાવનાર પત્ર કેવી રીતે વાયરલ થયો એ પણ રસપ્રદ હકીકત છે. ખુદ ભાજપના સુત્રોમાંથી જ મળેલી હકીકત મુજબ ૫ મી નવેમ્બરે મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ આ અંગે રજૂઆત કરવા ઇચ્છતા ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય પાસે લેખિત પત્ર ન હોઈ તેમણે તેમના મહિલા પીએ દ્વારા સોશ્યલ મીડીયા મારફતે એ પત્ર મંગાવ્યો અને મુખ્યમંત્રી સમક્ષ સોશ્યલ મીડીયા દ્વારા રજુઆત કરી. બસ પછી એ પત્ર તેમના પીએ દ્વારા કચ્છ ભાજપના ગ્રુપમાં મૂકી દેવાયો. જોકે, જેવો આ પત્ર વાયરલ થયો તેવા જ અન્ય દાવેદરોએ ધારાસભ્ય નીમાબેનને ફોન કર્યા હોવાનું અને પોતાના નામની ભલામણ શા માટે ન કરી એવા પૂછાણા લઈને નારાજગી પણ વ્યક્ત કરી હોવાનું ભાજપના આંતરિક સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે.

(3:28 pm IST)