Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

અમરેલીનાં પાદરમાં સિંહોના ધામાથી ફફડાટ

ખેડૂતોમાં ફફડાટઃ વન વિભાગ દ્વારા લોકેશન શોધવા કવાયત

અમરેલી તા.૬ : અમરેલીના પાદર સુધી ગીરના જંગલના સિંહો આવી ચડતા અમરેલીના સીમ વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. બે દિવસ પહેલાં જેસીંગપરા પાછળ મારણ કરાયા બાદ આજે સાંગાડેરીમાં બળદનું મારણ કરવાનો પ્રયાસ કરાયો હતો અને સંભવીત અમરેલીનો ઠેબી કાંઠો રોજડાઓની વધી રહેલી સંખ્યાને કારણે સિંહનું નવુ રહેઠાણ બની રહયુ છે.

ભુતકાળમાં અમરેલીના કુંડલા રોડ ઉપર સિંહો દેખાયા હતા બાદ હવે નવા વર્ષના પ્રારંભ અમરેલીના જેસીંગપરમાં રંગપુર જવાના માર્ગ ઉપર જેસીંગપરા એક ખેડુતની વાડીમાં બળદનું મારણ કર્યુ હતુ તથા ત્યારબાદ તે પ્રતાપપરા નજીક દેખાયા હતા આ વિસ્તાર ઠેબીનો કાંઠો ગણાય છે અને ગત રાત્રીના સિંહો પ્રતાપપરાની ઉપરવાસમાં આવેલા સાંગાડેરી ગામે ધીરૂભાઇ હરજીભાઇ કમાણીની વાડીમાં ખાબકયા હતા.

જયાં તેના બળદનું મારણ કરવાનો પ્રયાસ કર્યો હતો આથી  આ વાડીમાં સુતેલા મજુરો જાગી જતા સિંહ બળદને મુકી ચાલ્યો ગયો હતો આ અંગે સરપંચ શ્રી પ્રવિણભાઇ કમાણીએ વનતંત્રને જાણ કરતા આરએફઓ શ્રી ગઢવીની સુચનાથી વનતંત્રના સ્ટાફે સ્કેનીંગ કરતા જેસીંગપરામાં જ દેખાયેલ સિંહ જ સાંગાડેરીમાં આવ્યો હોવાનું જણાયુ હતુ.

આ અંગે લીલીયા વાઇલ્ડ લાઇફ આરએફઓ શ્રી ગઢવીએ જણાવેલ કે, એક સિંહ હોવાનું હાલમાં જણાયુ છે અને તે અત્યારે કયા છે તેનુંં કોઇ લોકેશન નથી પણ કદાચ તે પરત બૃહદગીર તરફ ચાલ્યો ગયો હોય તેમ પણ બની શકે છે જાનવરોને ખોરાક અને પાણી મળે ત્યાં તે રહી જતા હોય છે.

(1:28 pm IST)