Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

વૃષપુર - બળદીયા કચ્છમાં વચનામૃત દ્વિશતાબ્દી અને અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહ્યા...

વિવિધ ગ્રંથોનું પ્રકાશન, લાખો રૂપિયાનું માતબર દાન કરાયું : વિશ્વ પ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા લંડન, બોલ્ટન, અમેરિકા, નાઈરોબી અને ઇન્ડિયાનું પર્ફોમન્સ....: હજારો હરિભક્તોને મહેરામણ ઉમટયો...

ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલ વૃષપુર - બળદિયા ગામમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પુનિત નિશ્રામાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ તથા શ્રીજી સ્વયંમૂર્તિ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવનો દબદબાભેર શુભારંભ થયો હતો. વિશ્વમાંથી અનેક રાષ્ટ્રો જેવા કે અમેરિકા, કેનેડા, કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, યુનાઈટેડ કિંગડમ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ, આરબ અમીરાત વગેરેમાંથી હરિભક્તોનો મેહરામણ ઉમટ્યો છે. વિશ્વ પ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડ નાઈરોબી, લંડન, બોલ્ટન, અમેરિકા અને ઇન્ડિયાના ૨૦૦ કરતાં પણ વધારે યુવા સદસ્યોએ કર્ણપ્રિય સૂરાવલિઓ રેલાવી ભક્તિ પ્રદર્શિત કરી હતી. 

ગરવી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહીને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ, દર્શન પામ્યા હતા. પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજનું પુષ્પ હાર આરોપણ કરી અને કૃતાન્વિત બન્યા હતા. મુખ્યમંત્રીશ્રીનું પાઘ બંધાવી શાલ, પુષ્પ હાર પહેરાવી અને સન્માન કરવામાં આવ્યું હતું. તે સિવાય અન્ય મહાનુભાવોનું પણ સંસ્થાન વતી યથાયોગ્ય સન્માન કરવામાં આવ્યું હતું. 

માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતના વિવિધ સંપ્રદાય જેમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારકાધીશ , સોમનાથ મહાદેવ ધર્મસ્થાનો થી અને તેના કારણે ગુજરાતની પ્રગતિ થઈ રહી છે. તેના કાર્યકર્તા સંતો મહંતોના વચનોથી આજના નવયુવાનો પલાંઠીવળીને ભૂમિ ઉપર બેઠા છે. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા થતી સમાજસેવાના કાર્યોની સૌરભના સર્વાંગી પ્રસરી રહી છે તથા સમાજમાં માનવીને વ્યસનમુકત બનાવવાનું પણ મોટું કાર્ય કરી રહ્યું છે.  શ્રી સ્વામિનારાયણ  ગાદી સંસ્થાનના અનેકવિધ શૈક્ષણિક, સામાજીક કાર્યોથી પ્રભાવિત થઈ કાર્યોની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. શ્રીહરિના રત્નો ભાગ ૧ અને ભાગ ૨ વગેરે અનેક સદ્ ગ્રંથોના વિમોચન પણ કરવામાં આવ્યા હતા. તે તે વિવિધ સંસ્થાઓને લાખો રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી, વાસણભાઈ આહિર, ધારાસભ્ય વિરેન્દ્ર ભાઈ જાડેજા , પ્રદ્યુમનસિંહ જાડેજા જિલ્લા કલેકટર શ્રી નાગરાજન , આઈ. જી. પી. શ્રી સુભાષભાઈ ત્રિવેદી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રભવ જોશી , પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, જિલ્લા ભાજપના અધ્યક્ષ આશાબેન મકવાણા પૂર્વ મંત્રી તારાચંદ છેડા, નીમાબેન આચાર્ય વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા .  બાળ શિબિર, યુવાશિબિર મોટાપાયે યોજાઈ હતી અને મોટા પ્રમાણમાં બળદિયામાં ભક્તિનું ઘોડાપુર ઉમટ્યું હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી બળદિયા જેવા નાના ગામમાં સૌ પ્રથમ વખત ઉપસ્થિત રહ્યા હતા.

(12:37 pm IST)