Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

વાંકાનેરમાં હનુમાનજી મંદિરે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે સંપન્ન

વાંકાનેર તા. ૬ :.. વાંકાનેરના દેવીપૂજક વિસ્તારમાં નૂતન મંદિરમાં ભગવાન શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે સંપન્ન થયો હતો.

વાંકાનેર દેવીપૂજક વાસમાં રામ ભકત શ્રી હનુમાનજીનું મંદિર બનાવવા માટે આ વિસ્તારના નગરપાલિકાના સદસ્ય કાંતિલાલ કુંઢીયાએ નિરધાર કરેલ અને ગત તા. ૧૩-૩-૧૯ ના વાંકાનેર ખાતે પધારેલા પૂ. મોરારીબાપુન ઉપસ્થિતીમાં દેવીપૂજક વિસ્તારમાં આ મંદિર માટે ખાત મુહૂર્ત થયેલ અને ૮ મહીનામાં ભગવાનનું સુંદર મંદિર બાજુમાં પાણીનું પરબ અને ગાર્ડન આ વિસ્તારના જાગૃત નગરસેવક કાંતિલાલ કુંઢીયા અને દેવીપૂજક સમાજના સર્વે અગ્રણીઓ એક સુંદર ધર્મ સ્થળ બનાવ્યું હતું.

નવ નિર્મિત આ મંદિરમાં રામ ભકત શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતાથી ઉજવાયો હતો જેમાં વાંકાનેર નગરપાલિકાના પૂર્વ નગરપતી જીતુભાઇ સોમાણી તથા માજી ધારાસભ્ય શ્રીમતી જયોત્સનાબેન જે. સોમાણી આ દંપતીના વરદ હસ્તે ભગવાનની પ્રાણ - પ્રતિષ્ઠા વિધી થયેલ. આ તકે ડેપ્યુટી કલેકટર વસાવા, વઢવાણના ડેપ્યુટી કલેકટર વિજયભાઇ સહિતના અધિકારીઓ ગાયત્રી શકિતપીઠના અશ્વિનભાઇ રાવલ, શ્રી ફળેશ્વર મંદિરના સંચાલક કાનજીભાઇ પટેલ, નાથુરામબાપુ, લક્ષ્મણ ભગત, સહિતના જુદી જુદી ધાર્મિક સંસ્થાના સંતો-મહંતો, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દીનુભાઇ વ્યાસ, વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઇ પટેલ, યોગેન્દ્રસિંહ ઝાલા ઉપરાંત દેવીપૂજક સમાજના સૌરાષ્ટ્ર - ગુજરાતના જુદા જુદા ગામથી અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

આગલા દિવસે રાત્રે લોક ડાયરાની જમાવટ અને બીજા દિવસે પ્રાણ પ્રતિષ્ઠા વિધી પૂર્ણ થયા બાદ ઉપસ્થિત બે હજારથી વધુ લોકોએ સમુહ પ્રસાદ (ભોજન) નો લાભ લીધો હતો. આ ભવ્યાતી ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે દેવીપૂજકવાસના નાના-મોટા સૌએ તન-મન-ધન થી જહેમત ઉઠાવી હતી. તેમ દેવીપૂજક સમાજના યુવા અગ્રણી જીતેશભાઇ કુઢીયાએ યાદીમાં જણાવ્યું છે.

(12:01 pm IST)