Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ભાવનગરના કુમુદવાડીના ડબલ મર્ડર અને લાખોના હિરાની લૂંટ કેસમાં ત્રણ આરોપીને આજીવન કેદ અને દંડ ફટકારતી કોર્ટ

 ભાવનગર તા. ૬ :.. બે વર્ષ પૂર્વે ભાવનગર શહેરના કુમુદવાડી વિસ્તારમાં આવેલા હિરાના કારખાનામાં ત્રણ શખ્સોએ ઘુસી જઇ બેવડી હત્યા અને રૂ. ત્રણ લાખના હિરાની લૂંટ કેસમાં આજરોજ મંગળવારે ભાવનગરના બીજા એડીશનલ સેશન્સ જજ એમ. જે. પરાસરની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલોની દલીલો ધ્યાને લઇ આ ગુન્હામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ સામે હત્યા સહિતનો ગુનો સાબીત માની ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા તેમજ પ્રત્યેક આરોપીને પ૦ હજારનો રોકડ દંડની સજા ફટકારી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આ કામના આરોપીઓ (૧) મહેશ ભુદરભાઇ કટકીયા કોળી, (ઉ.૩૩, રહે. મુળ દેવળીયા, તા. રાણપુર, જી. બોટાદ હાલ લલીત ચોકડી, ધ્રુવ એકસલન્ટ હોટલ પાછળ, કતારગામ, સુરત), (ર) દિલીપ રમણક ચાવડા (ઉ.૩ર, રહે. નવા બસ સ્ટેન્ડ પાછળ, લીંબડી, જી. સુરેન્દ્રનગર, હાલ રહે. સરીતા સોસાયટી, શેરી નં. ૮, ભાવનગર), (૩) ઘનશ્યામભાઇ ઉર્ફે ધનો પ્રભુભાઇ દલવાણીયા (ઉ.૩૩, રહે. હાલ ઘનશ્યામનગર, હિરાના કારખાના સામે, એલએચ રોડ, વરાછા, સુરત મુળ વતન જોબાળા, તા. ચુડા, જી. સુરેન્દ્રનગર) સહિતના ત્રણેય શખ્સોએ ભાવનગર શહેરના કુમુદવાડી વિસ્તારમાં આવેલ પ્લોટ નં. ૧૦, નીલકંઠ સોસાયટીની સામે આવેલ. ઘનશ્યામભાઇ રામજીભાઇની માલીકીના હિરાના કારખાનામાં ગત તા. ર૬-૬-ર૦૧૭ ના રોજ રાત્રીના સુમારે આ કારખાનામાં કામ કરતા અનિલભાઇ દિલીપભાઇ મકવાણા (રહે. લીંબડી, જી. સુરેન્દ્રનગર), તથા ચંદુભાઇ નારસંગભાઇ કુંભાણી, (મુળ રહે. લીંબડી, જી. સુરેન્દ્રનગર), નામના બન્ને રત્ન કલાકારો રાત્રીના સુમારે હિરાના કારખાનામાં સુતા હતા તે વેળાએ રાત્રીના સુમારે એક વાગ્યાના સુમારે આ કામના આરોપીઓ મહેશ કટારીયા, દીલીપ ચાવડા અને ઘનશ્યામ દલવાણીયા હિરાનું કારખાનું ખખડાવી, શટર ખોલાવી, કારખાનામાં સુવા માટે જગ્યા આપવાનું કહેતા અનિલભાઇ અને ચંદુભાઇએ ઘનશ્યામભાઇ ઉર્ફે ઘનો દલવાણીયા પણ કુમુદવાડીમાં આવેલા ધરમશીભાઇ હિરાના કારખાનામાં કામ કરતો હોવાથી ત્રણેયને કારખાનામાં બોલાવી અંદર સુવા દીધા હતા દરમ્યાન કારખાનાની અંદર આવેલા ત્રણેય શખ્સોએ અનિલભાઇ અને ચંદુભાઇ નિંદ્રાધીન હતા તે વેળાએ ઉકત ત્રણેય શખ્સોએ એક સંપ કરી જીવલેણ હથીયારો વડે હૂમલો કરી અનિલભાઇ તથા ચંદુભાઇની હત્યા કરી ત્રણેય શખ્સોએ હિરાના કારખાનામાં રહેલા ટેબલનું ખાનુ ખોલી તેમાં રહેલા કાચા તેમજ તૈયાર હિરા કિ. રૂ. ૩ લાખની લૂંટ ચલાવી રાત્રીના સમયે ઉકત ત્રણેય આરોપીઓ જે તે સમયે નાસી છૂટયા હતાં.

આ બનાવ અંગે ઘેલાભાઇ ભીખાભાઇ વેગડ (રહે. શેરી નં. ૩, સરીતા સોસાયટી) એ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી મહેશ ભુદર કંટારીયા, દિલીપ રમણીક ચાવડા અને ઘનશ્યામભાઇ ઉર્ફે ઘનો પ્રભુભાઇ દલવાણયા સહિતના ત્રણેય આરોપીઓ સામે ઇપીકો કલમ ૩૦ર, ૩૯૭, ૧૧૪, જીપીએકટ ૧૩પ મુજબનો ગુનો નોંધયો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના એડીશનલ સેશન્સ જજ એમ. જે. પરાસરની અદાલતમાં ચાલી જતાં અદાલતે સરકારી વકીલ બી. જે. ખાંભલીયા તથા બચાવ પક્ષના વિથ પ્રોસીકયુશન વકીલ વિજયભાઇ ધુમડીયાની દલીલો, મૌખીક પુરાવા ૩૦, દસ્તાવેજી પુરાવા પ૦, વિગેરે ધ્યાને લઇ ત્રણેય આરોપીઓ મહેશ ભુદરભાઇ કટકીયા કોળી, દિલીપ રમણીકભાઇ ચાવડા, અને ઘનશ્યામ ઉર્ફે ઘનો પ્રદીપભાઇ ધલવાણીયા સામેનો ગુનો સાબીત માની આરોપી ત્રણેય આરોપીઓને ઇપીકો કલમ ૩૦ર મુજબના ગુના સબબ તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને પ્રતિક આરોપીઓને રૂ. પ૦ હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો.

આરોપીઓ જો દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદની સજા અદાલતે ફટકારી હતી. તેમજ ત્રણેય આરોપીઓ સામે ઇપીકો કલમ ૩૯૭ મુજબના ગુના સબબ ૧૦ વર્ષની કેદ અને પ્રત્યેક આરોપીઓને ર૦ હજારનો દંડ અને જો આરોપીઓ દંડ ન ભરે તો ૬ માસની સજા, ઇપીકો કલમ ૩પ૭(૧) (એ) મુજબ દંડની રકમ પૈકી ૭પ હજાર વસુલ થયેલી તે રકમ આ કામના મરણ જનાર ચંદુભાઇ તથા અનિલભાઇના માતા-પિતાને વળતર તરીકે ચુકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો.

(11:55 am IST)