Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

''મહા'' સામે બાથ ભીડવા સૌરાષ્ટ્ર-કચ્છ એલર્ટઃ એનડીઆરએફની ટીમો તૈનાત

દરિયા કિનારા આસપાસથી હજારો લોકોનુ સલામત સ્થળે સ્થળાંતરઃ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

પ્રથમ અને બીજી તસ્વીરમાં ગીર સોમનાથ જીલ્લામા એનડીઆરએફની ટીમો તથા નીચેની ત્રીજી તસ્વીરમાં ભાવનગરમાં આવી પહોંચેલી એનડીઆરએફની ટીમ નજરે પડે છે. (તસ્વીરઃ મીનાક્ષી ભાસ્કર વૈદ્ય (પ્રભાસ પાટણ) મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

રાજકોટ તા.૬: ''મહા'' વાવાઝોડાની ચેતવણીના પગલે તંત્ર એલર્ટ થઇ ગયુ છે અને આ વાવાઝોડા સામે બાથ ભીડવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં એનડીઆરએફની ટીમોનુ આગમન થઇ ગયુ છે અને કોઇ પણ પરિસ્થિતી સમયે જાનહાની ન થાય તે માટે અધિકારીઓ કર્મચારીઓ સ્ટેન્ડ-ટુ છે.

ગીર સોમનાથ

પ્રભાસ-પાટણઃ સૌરાષ્ટ્રના સાગરકાંઠા ગીર-સોમનાથ દરિયાઇ તત્ર પ્રદેશમાં ઝળુંબી રહેલ સંભવીત વાવાઝોડા અંગે તંત્ર સજાગ સર્તક અને ખડેપગે છે તેમ ઇર્ન્ચાજ જીલ્લા કલેકટર ધર્મેન્દ્રસિંહ રેવરે જણાવ્યું તેમણે વિશેષમાં જણાવ્યું કે દરિયામાં ફીસીંગ માટે ગયેલ મોટાભાગની બોટો પરત ફરી છે જયારે બાકીની અન્ય બોટો તથા દરિયાઇ વિસ્તારના નજીકના બંદરોમાં સલામત આશ્રય સ્થળે પહોંચી છે.

અમારી પ્રથમ પ્રાથમિકતા લોકોના જાનમાલની ખુંવારી ન થાય અને માલમિલ્કત પડી શકે તેવા કાચા મકાન કે ઝુંપડામા રહેતા લોકોને સ્થળાંતર કરાવી નજીકના આશ્રય સ્થાને સલામત પહોંચાડવાની છે તો કદાચ વાવાઝોડું આવે તો વીજળીના પડી ગયેલ થાંભલા કે રસ્તાઓ ઉપર પડેલા ઝાડોને હટાવવા વિજળી પૂર્વવત અને વાહન વ્યવહાર પૂર્વવત ચાલુ કરવા પી.જી.વી.સી.એલ અને વનવિભાગની ટીમ તૈયાર રાખી છે.

લોકોને અનાજ-દવા પેટ્રોલીયમ સંભવીત સંકટ સમયે મળી રહે તે માટે આગોતરૃં આયોજન કરાયેલ છે.

સ્થળાંતર કરાવવું લોકોના હિત અને જાનમાલની રક્ષા માટે જરૂરી છે તે માટેના નીચાણવાળા અને સમુદ્રની અસર થાય તેવા ગામો અને વિસ્તારોનું અલગ લીસ્ટ બનાવી તે માટે ખાસ ટીમને નિમણુંક અપાઇ છે.

જીલ્લા કન્ટ્રોલરૂમ ખાતે ડીઝાસ્ટર અધિકારી કે.એસ.ત્રિવેદી રાઉન્ડ-ધ કલોક નજર રાખી રહ્યા છે અને જીલ્લાના તાલુકા મામલતદાર કન્ટ્રોલરૂમો સાથે સતત સંપર્કમાં છે અને ૩૧ ગામોને ઓળખી લેવાયાં છે તેની ઉપર વિશેષ દેખરેખ રખાઇ રહી છે.

તાલુકા અને સીટી મામલતદારો હરસુખ ચાંદેગરા તથા દેવકુમાર આંબલીયા તાલુકા લેવલના કન્ટ્રોલરૂમ ઉપર જાતે ઉપસ્થિત રહી બચાવ ટુકડી સમાજસેવી સંસ્થાઓ અને જરૂર પડયે સ્વયંસેવકો તથા કોઇપણ પરિસ્થિતીને પહોંચી વળવા કર્મચારીઓની ટુકડીઓ સાથે ખડેપગે છે.ઙ્ગ

N.D.R.F ની બે ટુકડી ગીર સોમનાથ જીલ્લામાં આવેલ છે જેમાં એક સોમનાથ અને બીજી ઉના ખાતે ગોઠવાઇ ચુકી છે N.D.R.F પોલિસ ઇન્સ પુષ્પરાજ ત્રિપાઠીએ જણાવ્યું કે  પ્રત્યેક ટુકડીમાં ૨૫ જવાનો હોય છે અને ફલડ-વાવાઝોડુ-ભુકંપ કે કોઇપણ પરિસ્થિતીમાં બચાવ કામગીરીમાં રક્ષણતા ધરાવતી હોય છે તેમની સાથે તેઓ રબ્બરની બોટ લાવેલ છે જે પુર કે શેરીમાં પાણી ભરાઇ જાય તો તરી લક્ષ્ય સુધી પહોંચી જાય છે. વીજળી જતી રહે તો તેને માટે બેટરીઓ, પેટ્રોલ જનરેટરોથી પ્રકાશ કરી આફત દૂર કરતા રહી છે. સંદેશાવ્યવહારના સાધનો પણ જો ખોરવાઇ જાય તો તેઓની ટુકડીઓ સેટેલાઇટ બેઇઝ કોમ્યુનીકેશન ડીવાઇસ વાયરે છે અને લાઇફ જેકેટ, કાટમાળ ખસેડવા વિજળી હથોડી-કરવત સહિતના અન્ય ઉપકરણો કટર લોકોની સુવિધા માટે દોરડાઓ વાહનો સાથે કાર્યરત થઇ ચુકી છે જેમણે આજે મામલતદાર હરસુખ ચાંદેગરા તથા દેવકુમાર આંબલીયા પાસેથી શહેરની દરિયા નદી-અસરગ્રસ્ત સંભવીતતાના સ્થળોની વિગત મેળવી તા.૬ થી સંભવીત વાવાઝોડું હવે નથી તેવું કલીયર સીગ્નલ ન આવે ત્યાં સુધી રાઉન્ડ ધ કલોક કાર્યરત રહેશે.

આજે રાત્રીના સમયે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મહા વાવાઝોડાની અસરના કારણે ભારે પવન ફુકાવા સાથે વરસાદની હવામાન ખાતા દ્વારા અપાયેલી આગાહીના પગલે રાજ્યભરમાં ખાસ કરીને દરિયાઇ પટ્ટી પર આવેલા જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે. અને પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે ભાવનગર ખાતે પણ વાવાઝોડાની સંભવીત અસરોને પહોચી વળવા જીલ્લા કલેકટર ગૌરાગ મકવાણા દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી છે.

જેના ભાગરૂપે એનડીઆરએફની ટીના ૨૩ સભ્યો ભાવનગર આવી પહોચ્યા હતા. અને તેઓને દરિયાઇ પટ્ટીના વિસ્તારોમાં તહેનાત કરવામાં આવશે. આ ઉપરાંત ભાવનગર બંદર, ઘોઘા,તળાજા,મહુવા સહિતના વિસ્તારોમાં દરિયો ન  ખેડવા સુચના અપાયેલ અને તમામ બોટો કિનારે લાંગરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા મહા વાવાઝોડાની અસર પૂર્વે જ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

મોરબી

મોરબીઃ સંભવિત મહા વાવાઝોડાની શકયતાને પગલે એક એનડીઆરેફની ટિમ મોરબીમાં બોલવાઇ છે અને આ ટીમને પીપળીયા ચાર રસ્તા પાસે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. આવતી કાલે વાવાઝોડાની અસર વધુ દેખાય તો દરિયાઇ પટ્ટી પરના ગ્રામજનોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

મોરબી જિલ્લામાં મહા વાવઝોડાની અગાહીને પગલે સમગ્ર જિલ્લા તંત્ર સાબદુ બની ગયું છે અને સલામતીના ભાગરૂપે સાવચેતીના પગલાં ભરવામાં આવ્યા છે. જોકે મોરબી જિલ્લામાં હાલ નોર્મલ સ્થિતિ છે અને જનજીવન રાબેતા મુજબ ધમધમે છે અને મહા વાવાઝોડાનો ખતરો હોય આવતીકાલે વાવાઝોડાની અસર થાય તો રાહત અને બચાવની ત્વરિત કામગીરી કરી શકાય તે માટે મોરબીમાં એક એનડીઆરએફની ટિમ ફાળવવામાં આવી છે અને આ ટિમ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. આવતીકાલે જો વાવાઝોડાની અસર થાય તો દરિયાઇ પટ્ટી  વિસ્તારમાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાશે.

(4:07 pm IST)