Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

'મહા'ની આગાહી વચ્ચે કચ્છમાં લખપત, નિરોણામાં તોફાની વરસાદ, વીજળી પડતાં યુવાનનું મોત : દરિયામાં કરંટ- કલેકટરે યોજી અધિકારીઓની બેઠક

(ભુજ) તારીખ ૬ અને ૭ નવેમ્બર દરમ્યાન સૌરાષ્ટ્રના દરિયા કિનારે મહા વાવાઝોડું ત્રાટકવાની આગાહી વચ્ચે કચ્છમાં આજે ૫ મીએ જ કચ્છમાં સાંજે લખપત અને પાવરપટ્ટીના નિરોણા વિસ્તારમાં તોફાની વરસાદ પડ્યો હતો.

 સાંજે એકાએક લખપત, દયાપર અને નખત્રાણાના પાવતપટ્ટીના નિરોણા, લોરીયા વિસ્તારમાં હવામાન પલટાઈ ગયું હતું. લખપત અને દયાપરમાં તો એકાદ કલાકમાં જ ધોધમાર બે ઇંચ વરસાદ વરસી ગયો.હતો. તો, નિરોણા અને લોરીયા પંથકમાં તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. લોરીયા ગામની સીમમાં વીજળી પડતાં સલીમ મીઠુ ઘોઘા નામના ૩૫ વર્ષના યુવાનનું મોત નીપજ્યું હતું. 

તો, કચ્છના જખૌ, પિંગલેશ્વર અને માંડવીના દરિયામાં પવન સાથે દરિયામાં કરંટ અનુભવાયો હતો. આજે જિલ્લા કલેકટર નાગરાજને ભુજમાં વાવાઝોડાની સમીક્ષા અને તંત્રની સજ્જતા વિશે જાણકારી મેળવી હતી. 

કચ્છમાં તંત્ર કોઈ પણ પ્રકારની સંભવિત આપત્તિને પહોંચી વળવા સજ્જ હોવાનું, જિલ્લા મથક ઉપરાંત તાલુકા મથકોએ પણ કંટ્રોલ રૂમ કાર્યરત હોવાનું અને જખૌમાં તમામ બોટ કિનારે આવી ગઈ હોવાનું કલેકટરે જણાવ્યું હતું.

(8:30 pm IST)