Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

ભાવનગર જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના સભ્યો વચ્ચે ભારે વાદવિવાદોઃ દેકારા પડકારા

ભાવનગર તા. ૬ : જીલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠ પ્રમુખ વકતુબેન મકવાણાના અધ્યક્ષસ્થાને મળી હતી. આ સભામાં કુલ ૬ જેટલા તુમારો રજુ થયા હતા. જે તમામ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. સામાન્ય સભામાં ગત સભાની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવી, થયેલા ઠરાવો અને લીધેલા નિર્ણયની અમલવારી નોંધને બહાલી આપવી. ગત મળેલી જુદી જુદી સમિતીઓની બેઠકની કાર્યવાહીને બહાલી આપવી. જીલ્લા પંચાયતને મળતી સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટમાંથી વિકાસના કામોને બહાલીની અપેક્ષાએ મંજુરી કરવા જીલ્લા પંચાયતને મળતી રેતી, કકર, ગ્રેવલ અને અન્ય ગૌણ ખનિજ ઉપર મળતી રોયલ્ટી અને ડેડરેન્ટની આવકના અનુદાનમાંથી વિકાસના કામોને મંજુરી આપવા સહિતના ઠરાવો રજુ થયા હતા. આ તમામ ઠરાવોને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી.કોંગ્રેસના સદસ્ય અને પૂર્વ વિપક્ષના નેતા સંજયસિંહ સરવૈયાએ પુછેલા પ્રશ્નમાં જીલ્લા પંચાયત સંચાલીત પથિકાશ્રમનો ઉદ્દેશ્ય પંચાયતી રાજના ચૂંટાયેલ સદસ્ય તેમજ ગામડાના લોકોને ઉતરવા માટે પંચાયત સ્વભંડોળમાંથી ખર્ચ કરેલ છે તો આવી કોઇ હિલચાલ છે? આ પ્રશ્નના જવાબમાં જવાબદાર અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા માં અમૃત્તમ યોજનાના કાર્ડ ધરાવતા દર્દી કે તેના સગાસંબંધીને ભાવગનર શહેરની ખાનગી એચ.સી.જી. હોસ્પીટલમાં સારવાર લેતા હોય તેમને પથિકાશ્રમમાં રાહતદરે રહેવાની વ્યવસ્થા કરવાના નિર્ણય સામે કોંગ્રેસના સદસ્યોએ એવો સુધારો સુચવ્યો હતો કે ફકત એચ.સી.જી. હોસ્પીટલ નહી પરંતુ ભાવનગરની સરકારી સર.ટી સહિતની તમામ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દી કે તેમના સંબંધીઓને પથિકાશ્રમમાં રાહતદરે રહેવાની વ્યવસ્થા કરવી જોઇએ. આ માંગ સત્તાધારી ભાજપ પક્ષે સ્વિકારી હતી. અને કોંગ્રેસની સુધારા ઠરાવ મંજુર કરવામાં આવ્યો હતો. આ મુદ્દે બંને પક્ષે ભારે વાદવિવાદો અને ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થયા હતા. કોંગ્રેસના સદસ્યોએ એવો આક્ષેપ કર્યો હતો. કે ભાવનગરની ફકત એક જ એચ.સી.જી.હોસ્પીટલને જ આવી સુવિધા આપવાનું કારણ શું ? આમા ગંધ આવે છે.તેવા આક્ષેપો કર્યા હતા.

કર્મચારીઓની ઘટ અંગે કોંગ્રેસના સદસ્ય મહેશ કાકડીયાએ કરેલા પ્રશ્નના જવાબમાં જણાવાયું હતું કે ભાવનગર જીલ્લા પંચાયતમાં વર્ગ ૧ ના રપ ટકા, વર્ગ ર માં પ૦ ટકા અને વર્ગ ૩-૪ માં સૌથી મોટી ઘટથી પ્રજાના કામો અને પ્રશ્નો ટલ્લે ચડે છે. કામો થતા નથી. કર્મચારીઓ અન્ય ચાર્જ વાળી જગ્યાએ હોવાના બહાના બતાવી મુળ જગ્યાએ કામ કરતા નથી તેવા આક્ષેપો કોંગ્રેસના સભ્યો દ્વારા કરવામાં આવ્યા હતા. તે જ રીતે દરેક ચુંટાયેલા સભ્યોએ પગાર વધારો હર્ષ ભેર સ્વિકાર્યો હતો. તેવી જ રીતે ચેમ્બરોમાં એ.સી.ગોઠવવા અને ઠંડક માટે સર્વાનુ મતિએ સ્વીકૃતિ થઇ હતી. જેથી દર ર મહિને જીલ્લા પંચાયતે ર થી ર.પ લાખનું લાઇટ બીલ ચુકવવું પડશે. જે ભાવનગરની પ્રજા ઉપર સર્વાનુમતે ધાબડી દેવામાં આવ્યું હતું. આ બેઠકમાં જીલ્લા પંચાયત પ્રમુખ વકતુબેન મકવાણા, ઉપપ્રમુખ ડી.કે. ગોહિલ, પેથાભાઇ આહિર, ભરતભાઇ હડીયા, તેમજ કોંગ્રેસના સદસ્યો  વિપક્ષના નેતા પ્રહલાદસિંહ ગોહિલ, પૂર્વ નેતા સંજયસિંહ સરવૈયા, ગોવિંદભાઇ મોરડીયા, મહેશ કાકડીયા સહિતના સદસ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો. જયારે જીલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બનરવાલ, ડેપ્યુટી ડી.ડી.ઓ.સી.બી.રાઠવા, વસાવા સહિતના અધિકારીઓ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (૬.૮)

(12:12 pm IST)