Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

દશ મહાવિદ્યા દુર્લભ અને ગુપ્ત

માં છિન્નમસ્તાન સાધનાથી વાણી-ભૌતિક સુખ વિકસેઃ માં ધુમાવતીની સાધનાથી દરીદ્રતા દૂર થાય માં માતંગીની સાધનાથી વિદ્વતા પ્રાપ્ત થાય : દશ મહાવિદ્યાથી તમામ દુઃખ-દર્દ નાશ પામે

રાજકોટ, તા., પ : મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવવા ગામ નજીક દેવળીયા રોડ ઉપર આવેલા શ્રી મહાકાળી આશ્રમે શ્રી મહાકાળી માતાજી અને શ્રી અંબાજી માતાજીના આર્શિવાદથી પૂ. દયાનંદગીરીજી મહારાજ અને પરમ શિષ્ય પૂ. અમરગીરીજી મહારાજના સાનિધ્યમાં ભવ્યાતિભવ્ય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ ધર્મોત્સવમાં  દશ મહાવિદ્યાનો હવન યોજાનાર છે. આ યજ્ઞની માહીતી નીચે મુજબ છે.

૧૦ મહાવિદ્યાની સાધના પધ્ધતી ખુબ જ દુર્લભ અને ગોપનીય છે જે પધ્ધતી દરેક ભકતજન કરી શકે તેમ નથી કોઇ સમર્થ સાધક આ ગોપનીય જ્ઞાન પોતાના ગુરૂ પાસેથી પ્રાપ્ત કરી શકે છે અને આ જ્ઞાન ગોપનીય રાખવું પડે છે.

૧૦ મહાવિદ્યાની સાધના એ સાધકને મહાશકિત પ્રદાન કરે છે. પરંતુ તેનો દુરપયોગ વિનાશકારી હોય છે. તેથી તેને ગુપ્ત રાખવામાં આવે છે. આ શકિત આજના જમાનાની અણુશકિત સમાન હોય છે. જેનો ઉપયોગ ઘણી વાર વિનાશ પણ સર્જી શકે છે અને સારી રીતે ઉપયોગ કરીએ તો વિકાસ પણ શકય છે. જેના કારણે લોકો ૧૦ મહાવિદ્યાની સાધના-હવન કરવાથી ડરે છે. પરંતુ તેનો સારી રીતે પ્રયોગ કરાય તો આજના કલીયુગમાં ખુબ જ લાભકારી હોય છે. કારણ કે તેનાથી મનોઇચ્છીત ફળ પ્રાપ્ત થાય છે.

જેવી રીતે માં છિન્નમસ્તાની સાધનાથી ભકતની વાણીનો વિકાસ થાય છે અને તેના કારણે તે લોકોને મોહીત કરી શકે છે. સાથોસાથ સાધકને પણ શત્રુપરાભવ, અને ભૌતીક સુખની પ્રાપ્તી થાય છે.

માં ધુમાવતીની સાધનાથી દ્રરિદ્રતા દુર થાય છે. કર્જામાંથી છુટકારો પ્રાપ્ત થાય છે અને કર્જ વસુલી પણ શકાય છે. દુશ્મનોથી  રક્ષણ મળે છે અને કોઇનું મકાન કે સંપત્તિ હડપ કરી લીધી હોય તો તેમાંથી છુટકારો પણ મળે છે. દુકાન, વ્યવસાયમાં મુશ્કેલી હોય તો માતાજીની પુજાથી નિવારણ થાય છે.

માં બગલામુખીની સાધના કરવાથી યુધ્ધ, વાદવિવાદ, શાસ્ત્રાર્થ, કેસ અને જુદી જુદી સ્પર્ધાઓમાં સફળતા મળે છે. સાથોસાથ દુશ્મનોનો પણ સામનો કરી શકીએ છીએ અને અધિકારીઓ સાથે અનુકુળ વાતાવરણ પણ ઉભુ કરી શકીએ છીએ. બગલામુખીનું અનુષ્ઠાન તાત્કાલીક ફળ આપનાર માનવામાં આવે છે. અસાધ્ય રોગો અને દુઃખોમાંથી છુટકારો મેળવવા માટે અને બંધનમુકત થવા માટે તથા ૯ ગ્રહોની શાંતી માટે આ મહામંત્ર મહાન શકિતશાળી છે.

માં માતંગીની સાધનાથી જયોતીષશાસ્ત્ર, સંગીત, વેદ-પુરાણ, ઔષધ વિજ્ઞાન, કથા સહીતમાં અપુર્વ ક્ષમતા પ્રાપ્ત થાય છે. સાધારણ મનુષ્યને પણ વિદ્વાન બનાવી શકે છે.

તેથી ભકતજનોએ ૧૦ મહાવિદ્યાની સાધનાથી દરેક પ્રકારના દુઃખ દર્દ  દુર થાય તેવું શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આજના જમાનામાં મનુષ્ય નાની-નાની મુશ્કેલી, દુઃખ, દર્દથી પીડાઇ રહયો છે. જેમાંથી મુકિત મેળવવી અસંભવ બાબત છે. પરંતુ જો ૧૦ મહાવિદ્યાનું અનુષ્ઠાન પુર્ણ રીતે અપરાધભાવ વગર અને ગુરૂઓના સાચા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ ેતો અસંભવ મુશ્કેલીઓને પણ તાત્કાલીક દુર કરી શકાય છે અને શ્રેય પ્રાપ્ત થાય છે.

પ.પૂ.દયાનંદગીરીબાપુના આદેશ, અમરગીરીબાપુના માર્ગદર્શન હેઠળ સેવકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આયોજનને લઇને સેવકો ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ચરાડવા મહાકાલી મંદિરે જવા માટે : મોરબીથી હળવદના રસ્તે, મોરબીથી ૨૫ કિ.મી. દૂર ચરાડવા ગામથી ડાબી બાજુ દેવળીયાના રસ્તે ૩ કિ.મી.ના અંતરે આ ભવ્યાતિભવ્ય મંદિર આવ્યું છે. જયાં ૧૨૫ વર્ષના જગતવંદનીય પૂજય દયાનંદગીરીબાપુ બિરાજે છે. તેમના પટ્ટશિષ્ય પૂ.અમરગીરી બાપુ મંદિર - આશ્રમનું પૂ. દયાનંદગીરીબાપુના માર્ગદર્શન હેઠળ સંચાલન કરી રહ્યા છે.

(12:04 pm IST)