Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

ટંકારાના હરબટીયાળી ગામમાં વૃદ્ધોનો મહાકાલ અને કુમકુમ ગ્રુપ દ્વારા જન્‍મદિનની ઉજવણી

રાજકોટ: મીણબત્તીઓ, ફુગ્ગા, કેક અને થાળી પાડીને બર્થ ડે સોન્ગ ગાઈ રહેલા બાળકો…બધું જોઈને-અનુભવીને 80 વર્ષીય વૃદ્ધા કનુ નમેરાની આંખો ખુશીના આંસુઓથી છલકાઈ ગઈ. જીવનમાં પહેલી વખત તેમણે પોતાના જન્મદિવસની ઉજવણી કરી અને તે પણ પ્રકારે. કનુ નમેરા એકલા નહોતા જેમને પ્રી-દિવાળી ગિફ્ટ મળી. ત્યાં તેમના જેવા અન્ય 30 વૃદ્ધા હાજર હતા, જેમાંથી 28 વૃદ્ધાનું ઉંમર 90 વર્ષ અને બેની 100 વર્ષ છે. રાજકોટ જિલ્લાના ટંકારાથી પાંચ કિલોમીટર દૂર આવેલા હરબતિયારી ગામમાં બાળકોના એક ગ્રુપે વૃદ્ધાઓનો જન્મદિવસ ઉજવ્યો.

બાળકોના ગ્રુપે કર્યું આયોજન

3000 લોકોની વસ્તી ધરાવતા ગામના કિશોર વયના 10 છોકરા અને છોકરીઓએ મહાકાલ અને કુમકુમ નામના બે ગ્રુપ બનાવ્યા છે. બંને ગ્રુપ દ્વારા વૃદ્ધોના જીવનની ઉજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે વૃદ્ધોને તેમનો પરિવાર જવાબદારી ગણતો હોય છે ત્યારે બાળકો તેમને ખુશી આપી રહ્યા છે. કનુ નમેરાએ કહ્યું કે, “પહેલી વખત જ્યારે મારા પરિવાર માટે મારા માટે કંઈક ખાસ કર્યું હોય તેવો અનુભવ થયો.” બાળકોના ગ્રુપે વૃદ્ધાઓના દીકરા, પૌત્રો અને પ્રપૌત્રોને બર્થ ડે સેલિબ્રેશન માટે બોલાવ્યા હતા.

10 કેક, ફુગ્ગા અને ‘હેપ્પી બર્થ ડે’ લખેલી રંગોળી

ધોરણ 7માં ભણતા મહાકાલ ગ્રુપના સભ્ય રોહિત મોરડિયાએ કહ્યું કે, “અમારા દાદીઓએ પોતાના પરિવાર માટે ઘણું બલિદાન આપ્યું છે. સામાન્ય રીતે તેમના જન્મદિવસની કોઈ ઉજવણી થતી નથી. એટલે અમે નક્કી કર્યું કે જે પ્રકારે અમારા જન્મદિવસ ઉજવાય છે તે પ્રકારે તેમના ઉજવીશું.” બાળકો બર્થ ડે સેલિબ્રેશન માટે 10 કેક, ફુગ્ગા, મીણબત્તીઓ લાવ્યા તેમજ ગામની સ્કૂલને આસોપાલવથી શણગારી અને ‘હેપ્પી બર્થ ડે’ લખેલી રંગોળી બનાવી.

ખુશીના આંસુથી ભરાઈ આંખો

અન્ય એક બાળક મીત હિતેશે કહ્યું કે, “જ્યારે અમે જાહેરમાં પ્રકારએ અમારા દાદીઓની બર્થ ડે મનાવી અને તેમનું સન્માન કર્યું તો તેઓ ભાવુક થઈ ગયા. તેમની આંખોમાં ખુશીના આંસુ હતા.” કાર્યક્રમનું આયોજન કરનાર સરકારી શાળા શિક્ષિકા ગીતા સંચાલાએ કહ્યું કે, “વૃદ્ધો બાળકો જેવા હોય છે તેમને પણ ખાસ અટેન્શન જોઈએ છે. અમારો પ્રયાસ હતો કે તેઓ જેના હકદાર છે તે તેમને મળી રહે. દાદીઓની પોતાની જન્મતારીખ ખબર નહોતી એટલે અમે તમામની બર્થ ડે એકસાથે ઉજવી.”

(8:41 am IST)