Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત કચ્છના ત્રણ તાલુકામાં જાગૃત્તિ કાર્યક્રમો યોજાયા

માંડવી અને બાડા દરિયાકિનારે સ્વચ્છતા અભિયાન, નલીયા, દેવીસર તથા કોટડા-જડોદર ખાતે વન સંપત્તિ તેમજ વન્યપ્રાણી અંગે જાગૃત્તિ અને સમજ સંબંધી કાર્યક્રમનું આયોજન

ભુજ :વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત કચ્છ પશ્ચિમ વન વિભાગની જુદી જુદી રેન્જમાં ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે માંડવી અને બાડા દરિયાકિનારાના વિસ્તારમાં નકામો કચરો નાશ કરી સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ કાર્યક્રમ હેઠળ ગામ લોકોને જીવસૃષ્ટિની જાળવણી બાબતે અને સંરક્ષણ અંગેની સમજ આપવામાં આવી હતી.  આ ઉપરાંત અબડાસા તાલુકામાં નલીયા ખાતેની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના વિદ્યાર્થીઓને વન સંપત્તિ તેમજ વન્યપ્રાણી અંગે જાગૃત્તિ અને સમજ સંબંધિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બાળકોને પ્રોત્સાહિત કરાયા હતા. આ સાથે નખત્રાણા તાલુકામાં નખત્રાણા પૂર્વ રેન્જ દ્વારા દેવીસર હાઇસ્કૂલ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે વકૃતત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કોટડા -જડોદર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગામલોકો વન્યપ્રાણીના સંરક્ષણ અને સંવર્ધન માટે સંકલ્પબધ્ધ થયા હતા.

આ  ત્રણ તાલુકામાં કાર્યક્રમ સફળ બનાવવા નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર સર્વે એમ.આઇ.પ્રજાપતિ, કે.એમ.રાઠોડ, ડી.બી. દેસાઇ, વી.વી.બિહોલાએ જહેમત ઉઠાવી હતી.

(1:20 am IST)